ગડકરી V/s All / કેન્દ્રએ દંડ વધાર્યો તો ભાજપ શાસિત રાજ્યોએ ઘટાડ્યો, અકસ્માત ઘટાડવાનો હેતુ ઠેરનો ઠેર

Motor vehicle act 2019 minister Nitin Gadkari Vs BJP state government

  • કેન્દ્રીય પરિહન મંત્રી નિતિન ગડકરીએ આ કાયદા અંતર્ગત દંડની રકમ 1,000થી વધારીને 5 હજાર અથવા 10 હજાર રૂપિયા સુધી વધારી દીધી
  • પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને ટીએમસી જેવા અમુક રાજ્યોએ પણ નવા મોટર વ્હિકલ એક્ટનો વિરોધ કર્યો

Divyabhaskar.com

Sep 17, 2019, 02:31 PM IST

નેશનલ ડેસ્ક: ‘એક દેશ એક કાયદા’નું સ્લોગન આપનાર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર માટે હવે તેમનો કાયદો જ મુશ્કેલી બની ગયો છે. 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા મોટર વ્હિકિલ એક્ટ પછી હજારો રૂપિયાના ચલણ ફાટવાથી આ મુદ્દે વિવાદ વધી ગયો છે. રાજ્ય સરકાર પણ આ બાબતે અલર્ટ થઈ ગઈ છે. પરિણામે બીજેપી શાસિત ઘણી રાજ્ય સરકારે કાયદામાં ફેર સંશોધન કરવાની અથવા દંડની રકમ ઘટાડવાની અરજી કરી છે. આમ કેન્દ્ર સરકારના કાયદાનો મોટા ભાગની બીજેપી શાસિત રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આ કાયદા અંતર્ગત દંડની રકમ 1,000થી વધારીને 5 હજાર અથવા 10 હજાર રૂપિયા સુધી વધારી દીધો હતો. નવો કાયદો લાગુ થતા રૂ. 25 હજારથી 50 હજાર સુધીના ચલણ ફાટવાના ન્યૂઝ પણ આવવા લાગ્યા હતા.

કયા કયા રાજ્યોએ કેન્દ્ર સરકારના કાયદાનો વિરોધ કર્યો

1. ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતે સૌથી પહેલાં આ નિયમમાંથી છુટકારો મેળવવાનો રસ્તો શોધી લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ દંડમાં છૂટ આપવાની જાહેરાત કરી છે અને દંડની રકમમાં અંદાજે 90 ટકાનો ઘટાડો કરી દીધો છે.

2. મહારાષ્ટ્ર
વધુ એક ભાજપ શાસિત રાજ્ય મહારાષ્ટ્રે પણ આ કાયદા સામે હાથ અધ્ધર કરી દીધા છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં આગામી બે મહિનાઓમાં ચૂંટણીઓ આવે છે તેથી આ સમયે સીએમ દેવેન્દ્ર ફડણવીસ કોઈ રિસ્ક લેવા નથી માંગતા. પરિણામે ફડણવીસ સરકારના પરિવહન મંત્રી વિદાકર રાઉતે નિતિન ગડકરીને મોટર વ્હિકલ એક્ટમાં ફેરફાર કરીને દંડની રકમ ઓછી કરવાની અપીલ કરી છે.

3. ઉત્તરાખંડ
ભાજપ શાસિત રાજ્ય ઉત્તરાખંડે પણ દંડની રકમને ઘણી વધારે ગણાવી છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજ્યમાં નવા મોટર વ્હિકલ એક્ટમાં ફેરફાર કરીને દંડની રકમ અડધી કરી દીધી છે

4. ઝારખંડ
મહારાષ્ટ્રની જેમ ઝારખંડમાં પણ થોડા મહિનાઓમાં ચૂંટણી આવવાની છે. તેથી ત્યાં પણ નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ કરવામાં આવ્યો નથી અને રાજ્ય સરકારે પહેલાં જ દંડની રકમમાં ઘટાડો કરવાના સંકેતો આપ્યા છે.

5. હરિયાણા
આ વર્ષે હરિયાણામાં પણ વિધાનસભા ચૂંટણી થવાની છે તેથી અહીં રાજ્યના મુખિયા મનોહર લાલ ખટ્ટરે પણ નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ કરવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં 45 દિવસ સુધી ટ્રાફિક નિયમોની જાગ્રતતા વિશે અભિયાન ચલાવવામાં આવશે.

6. ઉત્તર પ્રદેશ
1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલો નવો મોટર વ્હિકલ એક્ટ બીજેપી શાસિત ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે હજી લાગુ કર્યો નથી.

આ રાજ્યોએ પણ મોટર વ્હિકલ એક્ટનો કર્યો વિરોધ

આ મહત્વના રાજ્યો સિવાય પશ્ચિમ બંગાળ, કર્ણાટક જેવા અમુક રાજ્યોએ પણ નવા મોટર વ્હિકલ એક્ટનો વિરોધ કર્યો છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસે આ કાયદાનો સંસદમાં વિરોધ કર્યો હતો. મમતા સરકારે પણ આ કાયદાને લાગુ કરવાનો ઈન્કાર કરી દીધો છે. બીજેપી શાસિત કર્ણાટક રાજ્ય સરકારે પણ વધારે પડતી દંડની રકમનો વિરોધ કર્યો છે અને ટૂંક સમયમાં જ દંડની રકમ ઓછી કરી દેવાના સંકેત આપ્યા છે.

ચૂંટણી આવે છે તે રાજ્યોમાં મોટર વ્હિકલ એક્ટ રાજકીય મુદ્દો બન્યો
આગામી થોડા મહિનાઓમાં જ મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ચૂંટણી આવી છે. આ સમયે અહીં વોટ બેન્કને ધ્યાનમાં રાખીને નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ કરવો ખૂબ મુશ્કેલ છે. આ રાજ્યની સરકારોનું કહેવું છે કે, દંડની રકમ ખૂબ વધારે છે તેથી તેને ઓછી કરવી જોઈએ. આ રાજ્ય સરકારોને ડર છે કે, કેન્દ્ર સરકારની ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની યોજના તેમના પર ભારે ન પડી જાય. પરિણામે આ ત્રણેય રાજ્ય સરકારે અત્યારે નવો મોટર વ્હિકલ એક્ટ તેમના રાજ્યમાં લાગુ કરવાની ના પાડી દીધી છે અને કેન્દ્ર સરકારને મોટર વ્હિકલ એક્ટની ફેરવિચારણાં અથવા દંડ ઓછો કરવાની અપીલ કરી છે.

નીતિન ગડકરીએ કેમ લાગુ કર્યો આટલો કડક કાયદો
કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ મોટર વ્હિકલ એક્ટ 2019ને ઐતિહાસીક ગણાવ્યો છે. તેમના મત પ્રમાણે આ કાયદો લાગુ થતાં દેશમાં 50 ટકા એક્સિડન્ટ ઓછા થઈ જશે. ગડકરીએ આ કાયદો રજૂ કરતાં કહ્યું હતું કે, દેશમાં દર વર્ષે 5 લાખ એક્સિડન્ટ થાય છે અને તેમાં અંદાજે દોઢ લાખ લોકો મૃત્યુ પામે છે અને તેમાં પણ 65 ટકા જેટલા યુવકોનો ભોગ લેવાય છે. આ આંકડો દુનિયામાં સૌથી વધારે છે. દેશમાં દારૂ પીને વાહન ચલાવવું, મોબાઈલ પર વાત કરતાં કરતાં વાહન ચલાવવું કે સીટ બેલ્ટ ન બાંધવાના કારણે પણ ઘણાં રોડ એક્સિડન્ટ થઈ રહ્યા છે.

દેશમાં એક્સિડન્ટની સંખ્યા અને મૃત્યુ આંક

  • 2017માં થયેલા એક સર્વે પ્રમાણે દેશમાં દર વર્ષે અંદાજે 1.48 લાખ લોકોનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે. રોજ અંદાજે 405 લોકોનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે. રોડ પરિવહન મંત્રાલય દ્વારા આપવામાં આવેલી આંકડાકિય માહિતી પ્રમાણે 2017માં સમગ્ર દેશમાં અંદાજે 4.64 લાખ રોડ એક્સિડન્ટ થયા હતા. રોજના અંદાજે 1274 એક્સિડન્ટ નોંધવામાં આવ્યા હતા અને તેમાં સરેરાશ રોજ 405 લોકોના જીવ ગયા હતા. આમ, દર કલાકની ગણતરી પ્રમાણે 53 એક્સિડન્ટ થયા હતા અને તેમાં 17 લોકોના મોત થયા હતા.
  • સૌથી વધારે એક્સિડન્ટ વાહનો સામસામે અથડાવાના કારણે થાય છે. અંદાજે 87 હજાર એક્સિડન્ટમાં 24 હજાર લોકોના મોત થયા છે. નેશનલ હાઈવે પર સૌથી વધુ 53 હજાર લોકોના મોત થયા છે. કુલ એક્સિડન્ટના 67 ટકા એક્સિડન્ટ ઓવર સ્પિડિંગના કારણે થયા છે. એક્સિડન્ટમાં સૌથી વધારે મોત 25થી 35 વર્ષની ઉંમરના લોકોની થઈ રહી છે.

ગુજરાતમાં એક્સિડન્ટની સંખ્યા અને મૃત્યુઆંક

ગુજરાતમાં થયેલા એક સર્વે પ્રમાણે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2018 સુધીના 9 મહિનામાં જ રાજ્યમાં કુલ 13,914 એક્સિડન્ટ થયા હતા. તેમાં 5,923 લોકોના મોત થયા હતા. આમ, રાજ્યમાં સરેરાશ રોજના 51 એક્સિડન્ટ થાય છે અને દૈનિક સરેરાશ 22 લોકોના મોત થાય છે. આ સર્વેમાં એક્સિડન્ટમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં 22થી 35 વર્ષના યુવકોની સંખ્યા સૌથી વધારે હતી.

X
Motor vehicle act 2019 minister Nitin Gadkari Vs BJP state government
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી