તડ ને ફડ / મોદીએ રાજપુરુષપણું સાબિત કરવું રહ્યું

Modi has proved to be a Rajapurush

  • 1980માં ફરી સત્તા મેળવનાર ઇન્દિરા ગાંધીએ નવ રાજ્યોની જનતા સરકારોને બરખાસ્ત કરી. ઇન્દિરાના અનુગામી રાજીવ ગાંધીએ આ વારસાને નકારી કાઢ્યો અને 1984ના અદ્ભુત વિજય પછી રાજીવે એક પણ સરકારને બરખાસ્ત કરી નહીં. 

divyabhaskar.com

May 29, 2019, 07:55 AM IST

ચૂંટણી વગર હથિયારે લડાતું યુદ્ધ છે અને પૂરી થયા પછી વિજેતા પક્ષે જખમ રૂઝવવાની જવાબદારી ઉઠાવવી પડે છે, કારણ કે રાષ્ટ્રની માનસિક એકાત્મતા જાળવી રાખવાની ફરજ દરેક સરકારની પ્રાથમિક ફરજ છે. ભારતની લોકશાહી ખંડિત હોવાના કારણે દરેક વખતે આ ફરજ બજાવાતી નથી. કોંગ્રેસની કેન્દ્ર સરકારને પહેલી જ વખત પરાભૂત કરનાર મોરારજી દેસાઈની સરકારે તો ચૂંટણીના જખમ ઊલટા વધારે ઊંડા બનાવ્યા. 1977માં જનતા પક્ષને મળેલો વિજયનો પડઘો રાજ્ય કક્ષાએ પડવો જોઈએ તેવી વાહિયાત દલીલ કરીને ગૃહપ્રધાન ચૌધરી ચરણસિંહે વેર વાળ્યું અને આઠ રાજ્યોમાંથી કોંગ્રેસી રાજવટને રૂખસદ આપીને નવેસરથી યોજાયેલી ચૂંટણી દ્વારા જનતા સરકારો સ્થાપી. 1980માં ફરી સત્તા મેળવનાર ઇન્દિરા ગાંધીએ ઈંટનો બદલો પથ્થરથી વાળ્યો અને નવ રાજ્યોની જનતા સરકારોને બરખાસ્ત કરી.

ઇન્દિરાના અનુગામી રાજીવ ગાંધીએ આ વારસાને નકારી કાઢ્યો અને 1984ના અદ્ભુત વિજય પછી રાજીવે એક પણ સરકારને બરખાસ્ત કરી નહીં. નરેન્દ્ર મોદીએ વધારે અદ્્ભુત વિજય મેળવ્યો છે, પણ ભાજપે ઇન્દિરાનું અનુકરણ કરવાના બદલે રાજીવ ગાંધીને અનુસરવું જોઈએ અને મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબની કોંગ્રેસ સરકારોને વિખેરી નાખવાનું ટાળવું જોઈએ. કર્ણાટકની કોંગ્રેસી મોરચા સરકારની સ્થિતિ થોડી અલગ છે. વિધાનસભામાં સૌૈથી વધારે બેઠક જીતી લેનાર ભાજપની સરકાર ઊથલી પડી ત્યારે સમાજવાદી જનતાદળને ટેકો આપીને કોંગ્રેસ સરકારની સ્થાપના કરી, પણ કુમાર સ્વામીની સરકાર એક દિવસ પણ સરખી રીતે ચાલી નથી.

સ્થાનિક કોંગ્રેસીઓ અને જનતાદળના આગેવાનો વચ્ચેની ખેંચતાણ એટલી ઉગ્ર છે અને દુ:ખકર છે કે મુખ્યમંત્રી કુમાર સ્વામી જાહેરમાં રડી પડે છે. કુમાર સ્વામીની સરકાર શુક્રવાર સુધી જ ટકશે તેવું કોંગ્રેસી આગેવાનોએ કહ્યું છે, કારણ કે રાહુલ ગાંધીની રાહબરી તળે કોંગ્રેસ ફરી સત્તામાં આવશે તેવું દિવાસ્વપ્ન બધા જોઈ રહ્યા હતા. આ સરકાર આપમેળે ગબડી પડે નહીં ત્યાં સુધી મોદી સૌજન્ય દાખવે તો પોતાનું રાજપુરુષપણું સાબિત કરી શકે. ભારતમાં રાજકારણીઓ બેશુમાર છે, પણ રાજપુરુષનાં દર્શન ઘણાં વર્ષથી થયાં નથી. રાજકારણી હંમેશાં બીજી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાલે છે. રાજપુરુષ બીજી પેઢીનાં હિતની ખેવના રાખે છે. મોદીએ પોતાની તાકાત પુરવાર કરી છે. તેમણે પોતાનો રાજધર્મ પાળી બતાવવો જોઈએ.

બસો વર્ષ અગાઉ અહલ્યાબાઈ હોલ્કરે કાશી વિશ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો. આ મંદિરને વધારે ભવ્ય અને વધારે સ્વચ્છ બનાવવાનું કામ શરૂ કરીને મોદીએ કાશીવાસી હિન્દુઓનાં દિલ જીતી લીધાં અને પોતાને જિતાડવાની જવાબદારી તેમના પર નાખી. મોદી કાશીમાં પ્રચાર માટે ગયા જ નથી, પણ રાજા કોઈ એક પંથકે સમાજનો હોતો નથી. રાજાએ તમામને સાચવવા જોઈએ. મોદીએ ‘સબકા સાથ’નું સૂત્ર આપ્યું છે. હવે તેનું પાલન કરી બતાવવું જોઈએ અને મોદી પોતાનો છે તેવું હિન્દુઓને લાગે છે તેમ મુસલમાનો, ખ્રિસ્તીઓ, આદિવાસીઓ અને દલિતોને પણ લાગવું જોઈએ. ચૂંટણીઓ જીતવી અઘરી છે, પણ લોકોનાં દિલ જીતવાં તે વધારે કપરું કામ છે. કોઈ પણ સિંહાસનના પાયા લોકોનાં દિલમાં હોય છે.

લોકસભાની ગઈ ચૂંટણી અને આ વખતની ચૂંટણીનાં પરિણામો આણવામાં મોદીનો સિંહફાળો છે. બલકે આ બંને વખતે મળેલી પ્રચંડ ફતેહ સર્વાંશે મોદી આધારિત છે. ગાંધીજી માટે લોર્ડ માઉન્ટ બેટને વાપરેલું વન મેન આર્મી વિશેષણ આ વખતની ચૂંટણી વખતે કેટલાંક અંગ્રેજી અખબારોએ નરેન્દ્ર મોદીની કામગીરી માટે વાપર્યું છે. મોદીની પ્રશંસા માટે આ બધું ઘણું સારું છે, પણ માણસ ક્ષણભંગુર છે અને પલટાતો રહે છે. તેથી લોકશાહીમાં હંમેશાં સામૂહિક નેતાગીરીને વધારે પસંદ કરવામાં આવે છે. એકલા મોદીના પ્રભાવ પર જ ભાજપના જય-પરાજયનો આધાર હોય તો તેમાં બે પ્રકારનાં જોખમ ઊભાં થાય છે.

એક તો મોદી હંમેશ માટે એકસરખી કામગીરી બજાવી શકે નહીં અને બીજું આવા અવલંબનમાં સરમુખત્યારીનું મોટું જોખમ સમાયેલું છે. માણસ જેટલી સહેલાઈથી નાણું છોડી શકે છે તેટલી સહેલાઈથી સત્તા છોડી શકતો નથી અને પ્રસિદ્ધિની ભૂખ તો ભલભલા યોગીઓ પણ તજી શકતા નથી, તેથી ભાજપે વહેલી તકે સામૂહિક નેતાગીરી વિકસાવવી જરૂરી છે. આ બાબતમાં નેહરુનો સત્તાકાળ નોંધવા જેવો છે. નેહરુ તે જમાનામાં કોંગ્રેસના સર્વેસર્વા હતા અને રાજેન્દ્ર પ્રસાદનું પ્રમુખપદ તેમને જરા પણ પસંદ નહોતું. 1957માં પ્રમુખપદ માટે તેમણે સર્વપલ્લી રાધાકૃષ્ણનની વરણી મનોમન કરી રાખી હતી અને રાધાકૃષ્ણનને તેમણે જણાવી પણ દીધું હતું.

કોંગ્રેસ કારોબારીમાં તેમણે આ ચર્ચા ઉપાડી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે રાજેન્દ્ર બાબુ 1957માં ફરી વખત પ્રમુખ થવા ઇચ્છે છે અને કારોબારીને તેમાં વાંધો નથી. રાતા પીળા થઈ ગયેલા નેહરુએ કહ્યું કે, તમે 1957માં સંઘપ્રમુખ થશો તેવું મેં રાધાકૃષ્ણનને જણાવી દીધું છે તેથી મારે ખોટા પડવાનો પ્રસંગ આવે. મૌલાના આઝાદે તેમને કહ્યું કે, જવાહર આ નિર્ણય કારોબારીએ કરવાનો છે. તમને આવું નક્કી કરવાની સત્તા નથી. રાધાકૃષ્ણન જોડેની વાતચીત તમારી અંગત બાબત છે. વડાપ્રધાન નેહરુએ કારોબારીનો મત કબૂલ રાખવો પડ્યો. તે ઘટના સામૂહિક નેતાગીરીનો પ્રભાવ દર્શાવે છે. પોતે વડાપ્રધાન બન્યા પછી ઇન્દિરા ગાંધીએ સામૂહિક નેતાગીરીનો નાશ કર્યો અને કોંગ્રેસની પડતીની શરૂઆત થઈ. કોંગ્રેસ એકદંડિયો મહેલ બની ગયો. એક જ થાંભલા પર બંધાયેલું મકાન લાંબું ટકતું નથી. ભાજપ આવો એકદંડિયો મહેલ બની જાય તો તેની પડતી અવશ્ય થવાની છે. કુદરતના કાયદા સહુ કોઈને સમાનભાવે જ લાગુ પડે છે.

પોતાને મળેલા બીજાં પાંચ વર્ષમાં મોદી પોતાના પરાક્રમ વધારે બતાવી શકશે, પણ ભાજપને સત્તાકાળનું નુકસાન થવાનું છે. સત્તાધારી પક્ષમાં લુચ્ચા અને ભ્રષ્ટાચારી માણસો હંમેશાં ઘૂસી જાય છે અને તેમની જીભ વધારે મીઠી હોવાથી સત્તાધીશોના લાડકા બની જાય છે. ઈરાનના મહાન સંત શેખ સાદીએ કહ્યું છે તેમ ખુશામતખોરની જીભ કાળોતરા આપ કરતાં વધારે ઝેરી હોય છે અને આ ઝેરી મીઠાશનો દરિયો ધરાવે છે. ખારા સાગરમાં ડૂબતો માણસ મોઢામાં આવતા પાણીનો કોગળો કરી નાખે છે. સાકરના દરિયામાં ડૂબતો માણસ આ પાણી ગળી જાય છે અને વહેલો મરે છે.

મહાભારતમાં વિદૂરે કહ્યું છે તેમ રાજાઓની આસપાસ મીઠું-મીઠું બોલનાર લોકોની ખોટ હોતી નથી. કડવી પણ હિતની વાત બોલનાર કદાચ મળી આવે, પણ આવી વાત સાંભળનાર ભાગ્યે જ જડે છે. અમેરિકામાં અઢાર વર્ષ પ્રમુખપદે રહેલા ફ્રેંક્લિન રુઝવેલ્ટે પોતાના કર્મચારીઓને આદેશ આપેલો કે અમેરિકાના તમામ દૈનિકોના અગ્રલેખોનો સાર તૈયાર કરીને મને વંચાવવો. ટીકાકારી લખાણ હોય તે આખેઆખું વાંચવા આપવું. વખાણ કરનાર અગ્રલેખોનો ટૂંકો ખ્યાલ બસ થઈ પડશે. નરેન્દ્ર મોદી તો અખબારો અને પત્રકારોથી હંમેશાં દૂર રહે છે. તેમના હાથે થયેલી કેટલીક ગંભીર ભૂલ અખબારોનાં સંપર્કથી નિવારી શકાઈ હોત. અખબારી જગતની ખરાબીઓ અને નબળાઈઓનો પાર નથી, પણ ખરાબી અને નબળાઈ વગરનો કોઈ માણસ, કોઈ સંસ્થા કે કોઈ પ્રવૃત્તિ આ દુનિયામાં કદી જોવા મળ્યાં નથી.

X
Modi has proved to be a Rajapurush
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી