- ભૂતપુર્વ વડાપ્રધાન રજા પરવેઝ અશરફનો દાવો- આઝાદી માર્ચમાં 25 લાખ લોકો જોડાયા
- પ્રધાનોનું એક જૂથ આજે મૌલાનાની આગેવાની હેઠળની રહબર કમિટી સાથે વાતચીત કરશે.
Divyabhaskar.com
Nov 05, 2019, 03:27 PM ISTઈસ્લામાબાદઃ આઝાદી માર્ચનું નેતૃત્વ કરી રહેલા મૌલાના ફઝલ-ઉર-રહેમાને સરકાર પર દબાણ વધાર્યું છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાનના રાજીનામાની માગ કરી રહેલા મૌલાનાએ કહ્યું હતું કે ઈમરાન એક સિલેક્ટેડ વડાપ્રધાન હતા, હવે તેઓ રિજેક્ટેડ પણ થઈ ગયા છે. માટે હવે તેમણે આ પદ પરથી જવું જોઈએ. દરમિયાન સરકારે સમાધાન માટેના પ્રયત્નો ઝડપી બનાવ્યા છે. ઈમરાને મૌલાના સાથે વાતચીત કરી મંત્રીઓની એક ટીમ તૈયાર કરી છે. જે ટૂંક સમયમાં મૌલાના સાથે મુલાકાત કરશે. આઝાદી માર્ચમાં ભાગ લેનાર ભૂતપુર્વ
પ્રધાનમંત્રી રાજા પરવેઝ અશરફે સોમવારે એવો દાવો કર્યો હતો કે આંદોલનમાં 25 લાખ લોકો ભાગ લઈ રહ્યા છે.
પહેલા રાજીનામું આપે, ત્યારબાદ જ વાતચીત થશે
મૌલાનાએ ઈમરાનને રાજીનામું આપવા માટે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ હવે વિપક્ષ સાથે મળી તે નવી રણનીતિ તૈયાર કરી રહ્યા છે. સોમવારે રાત્રે તેમણે જણાવ્યું હતું કે સિલેક્ટેડ પીએમ તો હવે રિજેક્ટેડ પણ થઈ ગયા છે. તેઓ શાં માટે પ્રધાનોને મોકલી રહ્યા છે. કઈ બાબત માટે વાતચીત? જો તેઓ વાતચીત કરવા માગતા હોય તો સૌ પ્રથમ તો તે રાજીનામુ આપે. અમે વાતચીત માટે તૈયાર છીએ. તે સિવાય કોઈ જ ઉકેલ નથી. અમે તો નિર્ણય કરી લીધો છે, હવે સરકારે વિચારવાનું છે.
25 લાખ લોકોની વાત સાંભળે ઈમરાન ખાન
આઝાદી માર્ચને નવાઝ શરીફ અને બિલાવર ભુટ્ટોના પક્ષોનું પણ સમર્થન મળેલુ છે. તેમના અનેક નેતાઓ આ માર્ચમાં સામેલ થયા હતા. આ પૈકી એક ભૂતપુર્વ પ્રધાનમંત્રી રાજા પરવેઝ અશરફનો પણ સમાવેશ થતો હતો. તેમણે કહ્યું હતું કે ઈમારનને ભૂલી જવાની બિમારી છે. તેઓ 100-200 લોકો સાથે નવાઝ શરીફ સામે તેમનું રાજીનામું મેળવવા અડગ હતા. અમારી સાથે તો 25 લાખ લોકો છે. તો હવે ખુરશી છોડવામાં આટલો સમય શાં માટે લાગી રહ્યો છે?
સેનાની સ્થિતિ પર નજર
આઝાદી માર્ચમાં લોકોની વધતી સંખ્યાને લઈ સેના પણ સક્રિય બની ગઈ છે. ઈસ્લામાબાદમાં જાસુસી તંત્રને એલર્ટ રાખવામાં આવી રહ્યું છે. સોમવારે રાત્રે અનેક જગ્યાએ બેરીકેડ્સ લગાવવામાં આવેલ છે. અહીં પોલીસને બદલે લશ્કરના જવાનો ઉપસ્થિત છે. સરકારી ઈમારતોની સુરક્ષા પણ વધારવામાં આવી છે. રાજધાનિમાં અનેક દેશોના દૂતાવાસ છે. અહીં સુરક્ષા વધારે કડક કરવામાં આવી છે. પ્રાઈવેટ ગાડીઓને શહેરની સીમા પર જ અટકાવવામાં આવી રહી છે. સૈન્ય પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે સ્થિતિ પર અમારી નજર છે. સેના કોઈ પણ રાજકીય આંદોલનનું સમર્થન અથવા તો વિરોધ કરતું નથી. અમારી જવાબદારી પ્રજા પ્રત્યે છે. અમે જવાબદારી પૂર્ણ કરવા તૈયાર છીએ.