સિરિયલ ‘તારક મહેતા..’માં હિંદીને મુંબઈની ભાષા બતાવવા પર વિવાદ થતાં મેકર્સે માફી માગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભાષાને લઈને વિવાદ થયો હતો. મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) સિરિયલની ટીમથી ઘણી જ નારાજ થઈ હતી. પ્રોડ્યૂસર તથા મનસેના નેતા અમય ખોપકરે સિરિયલના મેકર્સને આ મુદ્દે માફી માગવાનું કહ્યું હતું. વિવાદ વધતા સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીએ સોશિયલ મીડિયમાં માફી માગી હતી. સિરિયલમાં તારક બનતા શૈલેષ લોઢાએ પણ માફી માગી હતી. 

અસિત મોદીએ ટ્વીટમાં શું કહ્યું?
અસિત મોદીએ ટ્વીટ કરી હતી, મુંબઈ મહારાષ્ટ્રમાં છે અને અમારા મહારાષ્ટ્રની રાજભાષા મરાઠી જ છે. આમાં કોઈ શંકા નથી. હું ભારતીય છું, મહારાષ્ટ્રિયન છું અને ગુજરાતી પણ છું. તમામ ભારતીય ભાષાઓનું સન્માન કરું છું. જય હિંદ

શૈલેષ લોઢાએ શું કહ્યું?
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટ્વિટર પર હેન્ડલથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તારક બનેલા શૈલેષ લોઢાએ કહ્યું હતું, ભારતની આર્થિક રાજધાની તથા મહારાષ્ટ્રનું સુંદર શહેર મુંબઈ, જ્યાં સ્થાનિક તથા સત્તાવાર ભાષા મરાઠી છે. ગયા એપિસોડમાં ચંપકચાચાએ કહ્યું હતું કે અહીંયા હિંદી ભાષા સામાન્ય છે. આનો ભાવાર્થ એ હતો કે મુંબઈએ ખુલ્લા મનથી દરેક રાજ્યના લોકોને અને દરેક ભાષાને સન્માન આપ્યું છે. પ્રેમ આપ્યો છે. તેમ છતાંય ચંપકચાચાની આ વાતથી કોઈની પણ લાગણીને ઠેસ પહોંચી હોય તો અમે દિલથી માફી માગીએ છીએ. 

અમેય ખોપકરે શું ટ્વીટ કરી હતી?
અમેય ખોપકરે ટ્વીટ કરી હતી, ‘તારક મહેતા’ના લોકો એ વાત જાણે છે કે મુંબઈની મુખ્ય ભાષા મરાઠી છે તો પણ આ લોકો પ્રોપેગેંડાને પ્રમોટ કરી રહ્યાં છે. જે મહારાષ્ટ્રીયન લોકો આ શોનો હિસ્સો છે, તેમણે આ પ્રકારના સ્ટેટમેન્ટને સપોર્ટ કરવા બદલ શરમ આવવી જોઈએ. તો મનસેની જનરલ સેક્રેટરી શાલિની ઠાકરેએ પણ આ મુદ્દે સિરિયલની ટીકા કરી હતી અને શો મેકર્સને ચેતવણી આપી હતી.

શું હતું એપિસોડમાં?
એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું, સોસાયટીમાં સુવિચારની ભાષાને લઈ ચાલતા વિવાદનો અંત લાવવા  બાપુજી (અમિત ભટ્ટ)એ પોતાના દીકરા જેઠાલાલ (દિલીપ જોષી) તથા ગોકુલધામના અન્ય રહેવાસીઓને હિંદી ભાષાનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. બાપુજીએ સલાહ આપતા કહ્યું હતું કે તેઓ મુંબઈમાં છે અને તેથી હિંદી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે અહીંયા બધા જ આ ભાષા સમજી શકે છે. જો તેઓ બીજા શહેરમાં હોત તો ત્યાંની સ્થાનિક ભાષાનો ઉપયોગ કરત. બાપુજી આગળ કહે છે કે આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે સુવિચાર અલગ-અલગ ભાષામાં લખવામાં આવે અને અંતે હિંદીમાં તેનો અર્થ સમજાવવામાં આવે.

2008માં સિરિયલ શરૂ થઈ હતી
ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા’ વર્ષ 2008માં જુલાઈમાં શરૂ થઈ હતી. આ સિરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. છેલ્લાં 12 વર્ષથી પણ વધારે સમયથી આ સિરિયલ ચાહકોનું મનોરંજન કરી રહી છે. આ સિરિયલમાં છેલ્લાં બે વર્ષથી દયાભાભી એટલે કે દિશા વાકાણી જોવા મળતી નથી. દિશા શોમાં આવશે કે નહીં તેને લઈ સસ્પેન્સ છે. દિશાએ વર્ષ 2017માં નવેમ્બરમાં મેટરનિટી લિવ લીધી હતી અને ત્યારથી તે શોમાં પરત આવી નથી. 

અન્ય સમાચારો પણ છે...