કથિત પ્રેમ પ્રકરણ / લીનુસિંહ મહિલા આયોગને મળી, લગ્નના પુરાવા ના આપ્યા, ફરી આવશે ત્યારે તમામ પુરાવા રજૂ કરશે

દીકરી સાથે ગુજરાત આવી પહોંચેલી લીનુસિંહની તસવીર
દીકરી સાથે ગુજરાત આવી પહોંચેલી લીનુસિંહની તસવીર

 

  • મારી જિંદગી ક્રાઈમ પેટ્રોલમાં આવતા કિસ્સા કરતા પણ ખરાબ થઈ ગઈઃ લીનુસિંહ
  • હજુ સુધી મારો કેસ આગળ વધ્યો નથી, જ્યાં સુધી જીત નહીં મળે ત્યાં સુધી લડતી રહીશઃ લીનુસિંહ
  • લીનુસિંહની રજૂઆત સાંભળતા તેણીની સાથે અન્યાય થયો હોવાનું લાગી રહ્યું છેઃ મહિલા આયોગ

Divyabhaskar.com

Aug 20, 2019, 04:43 PM IST

અમદાવાદઃ સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા અને દિલ્હીની મહિલા લીનુસિંહ વચ્ચેના કથિત પ્રેમપ્રકરણ મામલે આજે લીનુસિંહ અમદાવાદ આવી છે. લીનુસિંહે રાજ્ય પોલીસ વડા સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ​​​​​​આજે ગુજરાત મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયાને મળ્યા હતા. જ્યાં તેણીએ ન્યાયની માગ કરતી રજૂઆત કરી હતી. આ અંગે મહિલા આયોગના લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે લીનુસિંહે રાષ્ટ્રીય મહિલા આયોગમાં જે ફરિયાદ કરી હતી, તે સંદર્ભે આજે ગુજરાતમાં હાજર થયા છે. તેણીની રજૂઆત હતી કે તેમને ન્યાય મળે. તેમની રજૂઆત સાંભળતા તેણીની સાથે અન્યાય થયો હોવાનું જણાય છે. આ કેસની પોલીસ અને મહિલા આયોગ તપાસ કરી રહી છે. લીનુંસિંહ પાસે આઠ માસની બાળકી છે અને જો ખરેખર તપાસમાં આ બાબત હકીકત હોવાનું બહાર આવશે તો લીનુસિંહને ચોક્કસ ન્યાય અપાવશે.

તમામ પુરાવાઓ લઈને ફરી આવશે, લગ્નના પુરાવા રજૂ કર્યા નથીઃ મહિલા આયોગના ચેરમેન

લીલાબેને વધુમાં ઉમેર્યું કે, લીનુસિંહ પાસે આધાર-પુરાવા છે. બીજી વખત તેઓ વધુ આધાર પુરાવા લઈને આવશે. ગૌરવ દહિયાના મેસેજ અને ભરણપોષણ પેટે જે કંઈપણ આપ્યું છે. તે તમામ પુરાવા લઈ ફરી આવશે. લગ્નના કોઈ પુરાવા હજી રજૂ નથી કર્યા. બીજી વખત તેઓ તમામ પુરાવા સાથે રજૂ થશે. ગાંધીનગર પોલીસને જાણ કરી છે. ગૌરવ દહિયાને પોલીસ અને મહિલા આયોગે પણ બોલાવ્યા છે અને તેઓએ હાજર થવું પડશે.

લીનુએ રાજ્યના પોલીસ વડાને મળીને દહિયા સામે પોતાની ફરિયાદ નોંધવા અને દહિયા તેની દીકરીને સ્વીકારવા તૈયાર નથી, તેને લઈ તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે.

‘મેં બ્લેકમેલ કર્યાં હોત તો તેઓ મને શા માટે દિલ્હીના પોશ વિસ્તારમાં મકાન લઈ દે?’
જ્યારે ગૌરવ દહિયાએ તૈયાર કરેલી લીનુસિંહ વિરુદ્ધની અરજી બાબતે તેણીએ જણાવ્યું હતું કે, જો મેં તેને(ગૌરવ દહિયા) બ્લેકમેલ કર્યાં હોત તો તેઓ મને શા માટે દિલ્હીના પોશ વિસ્તારમાં મકાન લઈ દે?. મેં પોલીસમાં અરજી કરી છે હોવાથી ગૌરવ દહિયાએ મારી વિરુદ્ધમાં અરજી કરી છે. ગૌરવ દહિયા એકદમ ખોટું બોલે છે. મારી જિંદગી ક્રાઈમ પેટ્રોલમાં આવતા કિસ્સા કરતા પણ ખરાબ થઈ ગઈ છે. જ્યાં સુધી જીત નહીં મળે ત્યાં સુધી લડતી રહીશ. હજુ સુધી મારો કેસ આગળ વધ્યો નથી, થોડા સમયમાં દિલ્હી છોડી દઈશ.

‘મારી સાથે લગ્ન કર્યાના તમામ પુરાવાઓ છે’

લીનુસિંહે વધુમાં જણાવ્યું હતું કે ગૌરવ દહિયાએ મને છેતરી છે. મારી સાથે લગ્ન કર્યાના તમામ પુરાવાઓ છે, જ્યારે હું મારી દીકરીના DNA ટેસ્ટ માટે પણ રાજી છું, ગાંધીનગર પોલીસમાં અરજી કરી હતી, પરંતુ તેનો હજુ સુધી કોઈ જવાબ ના આવતા અને પોલીસે પણ મારો કોઈ સંપર્ક ન કરતા મારે ગાંધીનગર આવવાની ફરજ પડી છે અને હું આજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને મળીને પોલીસ કેસ થાય તે અંગેની રજૂઆત કરીશ અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ગુજરાતમાં જ રહીશ.

મારી દીકરીને તેના તમામ હક્કો મળવા જોઈએઃ લીનુસિંહ

આ અંગે લીનુસિંહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ મામલે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, તેની મને જાણ નહોતી. હું મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા અને ગાંધીનગરના SPને મળીને રજૂઆત કરવા માંગુ છું. જ્યાં સુધી મારી ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં. મારી દીકરીને તેના તમામ હક્કો મળવા જોઈએ અને તેના માટે મારી રજૂઆત છે. હું મહિલા આયોગ અને ગૌરવ દહિયાની તપાસ કરનાર સમિતિને પણ મળવા માંગુ છું. આ તમામ લોકોને મળીને હું રજૂઆત કરીશ. જો કે મને મળવા માટે કોઈએ સમય આપ્યો નથી.

લીનુએ 200થી વધુ પેજના સ્ક્રિન શોટ સમિતિ સમક્ષ રજૂ કર્યા છે
લીનુસિંહે થોડા દિવસ પહેલા આ કેસની તપાસ કરી રહેલી સમિતિ સમક્ષ દહિયાની કરણી અને કથનીની નાનામાં નાની વિગત રજૂ કરી છે. લીનુસિંહ આ સમિતિને જ્યારે પહેલીવાર મળવા ગઈ ત્યારે તપાસ સમિતિએ તેની પાસે પુરાવા માંગ્યા હતા. જેથી લીનુસિંહે 200થી વધુ પેજના સ્ક્રીન શોટ, અને ગૌરવ તેણીને જ્યારે માર મારતો તેના ફોટોગ્રાફ આપ્યા હતા.

પૂર્વ પત્નીએ લીનુસિંહ સાથેના લગ્ન સમયના ફોટોગ્રાફ ઓળખી બતાવ્યા
જ્યારે તાજેતરમાં દહિયાની પૂર્વ પત્ની શિવાની બિશ્નોઇએ પણ તપાસ સમિતિને જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2018માં ગૌરવે કહ્યું કે હું મંદિરે દર્શન કરવા તિરૂપતિ જાઉ છું, પરંતુ જતાં જતાં તેણે પોતાની સાથે બેગમાં બ્લેઝર લેતા તેને શંકા ગઇ હતી. ત્યાર બાદ શિવાનીએ ગૌરવને આ અંગે પૂછતા તે ઉશ્કેરાઈ ગયો હતો. પરંતુ તેણીની શંકા સાચી પડી. ગૌરવે તિરૂપતિ જઈને જે બ્લેઝર ઘરેથી લઈને નીકળ્યો હતો, તે જ બ્લેઝરમાં લીનુસિંહ સાથે લગ્ન કર્યાં. આ ફોટોગ્રાફને શિવાનીએ ઓળખી બતાવ્યા છે. શિવાનીએ ગૌરવ દ્વારા આપવામાં આવેલા શારીરિક ત્રાસ અંગેના પુરાવા પણ આપ્યા હતા. આ ઉપરાંત શિવાનીએ એમ પણ જણાવ્યું છે કે ગૌરવ અને તે એક ઘરમાં રહેતા હતા, પણ ગૌરવ હંમેશા બીજી યુવતીઓ સાથે સતત સંપર્કમાં રહેતો હતો.

X
દીકરી સાથે ગુજરાત આવી પહોંચેલી લીનુસિંહની તસવીરદીકરી સાથે ગુજરાત આવી પહોંચેલી લીનુસિંહની તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી