ફ્લેશ બેક / ‘નાર્કોટેરરિઝમ’માં કચ્છનો દરિયા કિનારો નિશાને રહ્યો, પાકિસ્તાની જાસૂસી સંસ્થાનું પ્રોક્સી વોર 80ના દાયકાથી

Kutch's coastline on narcissism target of  Pakistani spy agency in proxy war since 80s

  • ભુજ, લખપત અને અબડાસા તાલુકાના ગામડાઓની સળંગ પટ્ટી પર લઘુમતી કોમના લોકોને ફસાવાતા
  • કચ્છનો દરિયાકાંઠો દાણચોરો માટે સ્વર્ગ સમાન હતું તેથી કસ્ટમ અને પોલીસનું ભ્રષ્ટ તંત્ર આંખ મિચામણા કરતું

Divyabhaskar.com

Jan 07, 2020, 01:32 PM IST

કાંતિ ખત્રી: કચ્છના સરહદી દરિયાઇ વિસ્તારમાંથી 35 કીલો હેરોઇનના જથ્થા સાથે પાકિસ્તાની માછીમાર ટ્રોલર ઝડપાતાં ગુજરાત તેમ ભારતભરમાં ચકચાર જાગે એ સ્વાભાવિક છે. પણ, સાચું પૂછો તો '80ના દાયકાથી નાપાક પ્રોક્સી વોરની શતરંજ પાડોશી દેશે ભારતમાં બિછાવીને પોતાના પ્યાદા ખાલિસ્તાનના નામે ગોઠવવા માંડ્યાં ત્યારથી કચ્છ એના નિશાને છે. પાકિસ્તાનને અડતી કચ્છની ભૂમિ, ક્રીક અને દરિયાઇ સરહદ નજીકના ભુજ, લખપત અને અબડાસા તાલુકાના ગામડાઓની સળંગ પટ્ટી પર લઘુમતી કોમની વિશાળ સંખ્યા હોવાથી પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઇ.એસ.આઇ.એ પોતાની જાળ બિછાવવાનું કાવતરું ઘડ્યું હતું. એ સમયે કચ્છનો દરિયાકાંઠો દાણચોરો માટે સ્વર્ગ સમાન હતો. જુદી જુદી દાણચોર ટોળકીઓ કચ્છના ભ્રષ્ટ કસ્ટમ અને પોલીસ તંત્રના અધિકારીઓના આંખ મિંચામણા વચ્ચે ધૂમ દાણચોરી કરતી હતી. આ પૈકી કેટલાક તત્વો પાકિસ્તાન ખુફિયા એજન્સી સાથે તાલમેલમાં હતા. આ બાબતનો પર્દાફાશ પંજાબના ત્રાસવાદ સંદર્ભે લખાયેલા એક પુસ્તક, 'ભીંદરાવાલે : મીથ એન્ડ રિઆલિટી'માં થતાં ભારતની એજન્સીઓ ચોંકી ઉઠી હતી. કેન્દ્ર સરકારે પણ તેની નોંધ લીધી હતી અને કચ્છ જેવા સંવેદનશીલ વિસ્તારમાં દેશવિરોધી તત્વો સામે ઝુંબેશ ચલાવવા પોલીસ તેમજ કસ્ટમ વિભાગમાં કાબેલ અધિકારી મુકાયા હતા.
દાણચોરો અને જાસૂસો સામે ઝુંબેશ ચાલી
જુની પેઢીને યાદ હશે કે એ અરસામાં કચ્છમાં કુલદીપ શર્મા જેવા પોલીસ અધિકારી અને ગુજરાત કસ્ટમના બી.વી. કુમાર અને કચ્છમાં સત્યેન્દ્રજીત સિંઘના નેતૃત્વ હેઠળ દાણચોરો અને જાસૂસો સામે જબ્બર ઝુંબેશ ચાલી હતી. સંખ્યાબંધ કિસ્સા ઝડપાયા હતા અને નાપાક કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. આ કિસ્સા પૈકી કચ્છમાં પ્રથમવાર 1983માં દિવાળીના દિવસોમાં લખપત તાલુકાના મેડી ગામે 16 કીલો હેરોઇન સાથે સુમાર બોટલ નામનો ઇસમ ઝડપાયો તેને પગલે કચ્છમાં નાપાક જાસૂસીની જાળે ભેદી શકાઇ હતી. પણ એની વાત કરીએ એ પહેલાં દાણચોરીના ઇતિહાસ પર નજર કરીએ.
જકાત વગર માલ વેચવો એ દાણચોરી
દાણચોરી કચ્છ માટે, ગુજરાત માટે કે પછી વિશ્વ માટે કોઇ નવી વાત નથી. કહેવાય છે કે જ્યારથી જકાત કે આયાત-નિકાસ પર કરની પદ્ધતિ શરૂ થઇ ત્યારથી જ જકાત કર ભર્યા વિના બારોબાર માલ વેચી દેવાનું શરૂ થયેલું એટલે જ દાણચોરી. ઇંગ્લેન્ડમાં તો અઢારમી સદીમાં દાણચોરી અને દાણચોરો વિશે પુસ્તક સુદ્ધા લખાયાં હતાં. ભારતમાં રામાયણ કે મહાભારતમાં એનો કોઇ ઉલ્લેખ દેખાતો નથી પણ ચાણક્યના સમયમાં સીધા સંકેત છે. સરહદી રાજ્યોમાં ગેરકાયદે હેરફેર અને જાસૂસી જો કે દાણચોરીથી વધુ જૂની છે.
સામાન્ય ડ્યૂરી સાથે રાજાશાહીમાં આયાત પર છૂટ હતી
કચ્છને સંબંધ છે ત્યાં સુધી આઝાદી પૂર્વે માંડવી જેવા બંદરે ચોર્યાસી બંદરના વાવટા ફરકતા ત્યારે એ લગભગ ફ્રી પોર્ટ જેવું જ હતું. વિદેશી કાપડ સહિતનો માલ સતત આવતો રહેતો. સામાન્ય ડ્યુટી લઇને આયાત કરવાની છૂટ રાજાશાહીમાં હતી. આઝાદી પછી અખાતી દેશોમાં સોના સહિતની દાણચોરી ચાલુ રહી હતી. માંડવીથી કરાંચી સ્ટીમર માર્ગે જવાતું ત્યારે પાકિસ્તાનમાં સોનાના ભાવ પ્રમાણમાં ઓછા હતા તેથી ત્યાંના કેટલાક ઉતારૂઓ બૂટ ચંપલમાં સોનું સંતાડીને લઇ આવતા ઝડપાયા હતા. તો રણ સરહદ પરથી બીડીના પત્તા (તમાકુ), ચા, સિંદરી જેવી વસ્તુઓ કચ્છથી જતી અને તૈયાર કપડા, પ્રિન્ટેડ રૂમાલ, તજ-લવિંગ વગેરે ઊંટ પર લાદીને કચ્છમાં ઘૂસાડતા. માંગ અને પુરવઠાના નિયમના આધારે આ પ્રકારની દાણચોરી થતી રહેતી. પચાસ-સાઠના દાયકામાં સોના-ચાંદીની દાણચોરીના વ્યક્તિગત કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા હતા. ખાસ કરીને માંડવીના વહાણવટીઓ ગેરકાયદે હેરાફેરી કરતા હોવાનું કહેવાતું. વાલો, સલુ, મમુડો નામે ત્રણ ઇસમ સોનાના જેકેટ લાવ્યા હોવાની ચર્ચા છડેચોક માંડવીમાં થયેલી પરંતુ 1965ના યુદ્ધની આસપાસના સમયમાં સંગઠિત દાણચોરી પ્રવત્તિનો પગપેસારો ભારતમાં મુંબઇ માર્ગેથી થઇ ચૂક્યો હતો. અને જમાવટ પણ થવા લાગી હતી તેની અસર કચ્છમાંયે થવા લાગી હતી. '70ના દાયકામાં એ અસર કચ્છમાં પાધરી (સીધી) થવા માંડી અને '80ના દાયકામાં તો પરાકાષ્ટાએ પહોંચી હતી.
કટોકટી સમયે દાણચોરો જેલમાં જતા કુખ્યાત ગુનેગારો સાથે મેળાપ થયો
એક એવી વાત બહાર આવી હતી કે ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના સમયમાં દેશમાં કેટલાક કુખ્યાત દાણચોરોને ભુજની ખાસ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમનો ભેટો કચ્છના કેટલાક કુખ્યાત ગુનેગાર ઇસમો સાથે થયો હતો. તેમનો આ 'મેળાપ' આખરે દાણચોરીના માલના મોટાપાયે લેન્ડિંગમાં પરિણમ્યો હોવાનું મનાય છે. કચ્છના દરિયા કિનારાની વિશાળતા, નિર્જનતા અને પોલીસ સહિતના તંત્રોની ઢીલાશ જોઇને આંતરરાષ્ટ્રીય દાણચોર ટોળકીઓને કચ્છ તેમના ઓપરેશન માટે મોકળા મેદાન સમું લાગ્યું હોય એમ માનવાને કારણ છે.
1965 અને 1971ના યુદ્ધમાં પાકની હાર થતાં પ્રોક્સી વોર
વ્યક્તિગત દાણચોરીની સાથે સાથે સંગઠિત દાણચોરી મોટપાયે થવા લાગતાં દેશના અર્થતંત્રને થતી નુકસાનીનું પરિણામ ધરમૂળથી બદલાઇ ગયું હતું. '80ના દાયકાના આરંભે એક અંદાજ અનુસાર ભારતના 7500 કિ.મી. લાંબા દરિયાકાંઠા પર 15000 કરોડ રૂપિયાની ગેરકાયદે દાણચોરી થતી હતી. એ જ અરસામાં 'નાર્કોટેરરિઝમ'નો ઉદય થઇ રહ્યો હોવાના એંધાણ મળવા લાગ્યા હતા. 1965 અને 1971ના યુદ્ધમાં જબ્બર શિકસ્ત મળ્યા પછી પાકિસ્તાનના લશ્કરી શાસક બનેલા જનરલ ઝિયા અને કુખ્યાત ખુફિયા એજન્સી આઇ.એસ.આઇ.એ ભારત સામે પ્રોક્સી વોરના મંડાણ કરી દીધા હતા. આ પ્રોક્સી વોરના વ્યૂહના એક ભાગરૂપે ચરસ, ગાંજો કે હેરોઇન રણ કે દરિયા માર્ગે શરૂઆતમાં ભારત અને ત્યાંથી યુરોપ કે અમેરિકા ભણી ધકેલી દઇને તેના વેચાણથી મળતા અઢળક નાણાંનો ઉપયોગ શરૂઆતમાં ખાલિસ્તાન ચળવળ અને તે પછી કાશ્મીરમાંની અલગતાવાદી પ્રવૃત્તિ અને આતંકના ફેલાવામાં નાયક ખુફિયા એજન્સી દ્વારા થવા લાગ્યો. સાઉદી અરેબિયાની સીધી મદદ અને અમેરિકાની ભૂલભરેલી રીતરસમોએ આતંકવાદી તાલીમ છાવણીઓ પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં ધબકવા લાગી અને બોમ્બ ધડકાઓની વણજાર સર્જાઇ ગઇ. માત્ર અઢી દાયકાના ગાળામાં પરિસ્થિતિ કલ્પનામાં ન આવે એટલી બદલાઇ ગઇ. દરમિયાન '90ના દાયકામાં ભારતમાં ગ્લોબલાઇઝેશનને પગલે આર્થિક ઉદારીકરણના યુગનો આરંભ થયો. વપરાશી આયાતી ચીજો કાયદેસર રીતે આવવા લાગતાં એ પ્રકારની દાણચોરીનો અંત આવ્યો. જો કે કેફી પદાર્થો અને ચલણી નોટોની દાણચોરી આજેય ચાલુ છે.
આતંકવાદ અને દાણચોરીમાં આછીપાતળી રેખાનું ઉલ્લંઘન
દાણચોરી, કેફી પદાર્થોની હેરાફેરી, શસ્ત્રોની હેરાફેરી અને આતંકવાદ દરેક ગુનાહિત પ્રવૃતિઓ વચ્ચે એવી તો આછીપાતળી રેખા હોય છે કે ક્યારેક તો એનું ઉલ્લંઘન થઇ જાય ત્યાં સુધી ખુદને ખબર નથી પડતી અને પડે છે ત્યારે મોડું થઇ ગયું હોય છે. દાઉદ ઇબ્રાહીમ એનું જીવંત ઉદાહરણ છે. એક સામાન્ય દાણચોરમાંથી દાઉદ ભારતનો અવ્વલ નંબરનો દુશ્મન આતંકવાદી બની ગયો છે એ જગજાહેર છે. કચ્છ અને ગુજરાતના કેટલાક કિસ્સાઓ પર નજર કરીએ તો એમ લાગે છે કે ઘણા લોકો ભલે દાણચોરીને માત્ર આર્થિક ગુનો માનતા હોય પણ આગળ જતાં જાણે અજાણે જાસૂસી અને શસ્ત્રોની હેરાફેરીમાં કેટલાક દાણચોરી ઢસડાઇ ગયા હતા અને પકડાયાયે હતા.
સુમાર બોટલ દાણચોર જ નહીં જાસૂસ પણ નીકળ્યો
આ પૈકી એક કિસ્સો સુમાર બોટલનો છે. કચ્છમાં 16 કિલો હેરોઇન સાથે સુમાર બોટલ ઝડપાયો ત્યારે એને એક સામાન્ય દાણચોર માની લેવાયો હતો પણ પાછળથી એ પાકિસ્તાની ખુફિયા એજન્સીનો મહત્વનો એજન્ટ હોવાનું ખૂલ્યું હતું અને જાસૂસી સહિતના ગુના એની સામે નોંધાયા હતા. જાસૂસીની કામગીરીની મદદગારીમાં કચ્છના ઇબ્રાહીમ બાફણ સહિતના આઠ-દસ કુખ્યાત ઇસમોના નામ અને દાણચોરોની કડીનો પર્દાફાશ થયો હતો. જો કે, આખું જાસુસી પ્રકરણ કોર્ટમાં ચાલી ગયા પછી તમામ નિર્દોષ છૂટી ગયા હતા. ખુદ સુમાર બોટલને પણ જે સજા થઇ તે પાસપોર્ટ એક્ટના ભંગ બદલની હતી, નહીં કે જાસૂસી બદલની. આ કિસ્સા પછીના સમયમાં આર.ડી.એક્સ. જેવા સ્ફોટક પદાર્થ, શસ્ત્રો અને જાલી નોટોની હેરાફેરીમાં જૂના દાણચોર અને એનો દીકરો ઝડપાયા હતા ખરા પણ કોર્ટમાં નિર્દોષ છૂટી ગયા હતા. આ પ્રકારના દેશવિરોધી તેમજ દેશદ્રોહ સહિતના અપવાદને બાદ કરતાં બાકીના તમામ કિસ્સાઓમાં પરદેશીને સજા થઇ છે પણ ઘરના ગદ્દારો શકના લાભે કે પુરાવાના અભાવે છૂટી ગયા છે, એની વાત આગળ જતાં કરીશું.
જાસૂસ છૂટ ગયો વિદેશીને સજા
શરૂઆતમાં તો આ પ્રકરણ માત્ર દાણચોરીનું લાગતું હતું પણ પછી પર્દાફાશ થયો કે હેરોઇન લાવનાર સુમાર બોટલ પાકિસ્તાની એજન્ટ હતો અને એની સાથે કચ્છના કેટલાક કુખ્યાત ઇસમો પણ જાસૂસીમાં સંકળાયેલા હતા... જોકે કેસ ચાલી જતાં વિદેશીને સજા થઇ જ્યારે દેશી છૂટી ગયા.

X
Kutch's coastline on narcissism target of  Pakistani spy agency in proxy war since 80s

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી