નાગરિકતા કાયદો / પૂર્વોતરમાં આંદોલન: જાપાનના વડાપ્રધાનનો પ્રવાસ ટળ્યો, શાહ શિલોંગ નહિ જાય; 5 રાજ્યોએ કહ્યું- કાયદો લાગુ નહિ કરીએ

  • જાપાનના વડાપ્રધાન શિંજો અબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે 15-16 ડિસેમ્બરે ગુવાહાટીમાં મુલાકાત થવાની હતી
  • ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે શિલોંગમાં એક કાર્યક્રમમાં આવવાના હતા, અહીં સ્થિતિ હાલ સંવેદનશીલ
  • પ.બંગાળ, પંજાબ, કેરળ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓએ કહ્યું- નાગરિકતા કાયદો લાગુ કરીશું નહિ
  • કાયદાની વિરુદ્ધ પૂર્વોતરના આસામમાં સૌથી ઉગ્ર દેખાવો, ઘણાં જિલ્લામાં કર્ફ્યુ; ઈન્ટરનેટ પર ત્રીજા દિવસે પણ પ્રતિબંધ

Divyabhaskar.com

Dec 13, 2019, 07:41 PM IST

નવી દિલ્હી / ગુવાહાટીઃ આસામ સહિત પૂર્વોતરના રાજ્યોમાં નાગરિકતા કાયદાના વિરોધમાં 5 દિવસથી ઉગ્ર દેખાવો ચાલુ છે. વિરોધ બંગાળમાં પણ શરૂ થયો છે. અહીં હજારો મુસ્લિમોએ કાયદાના વિરોધમાં શુક્રવારે રેલી કાઢી હતી. આસામ સહિત પૂર્વોતરના રાજ્યોમાં ચાલી રહેલા ઉગ્ર વિરોધની અસર મોટા આયોજન પર પણ પડી રહી છે. જાપાનના પીએમ શિંજો અબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 15-16 ડિસેમ્બરના રોજ ગુવાહાટીમાં થનાર મુલાકાત ટાળવામાં આવી છે. ગૃહ મંત્રી અમિત શાહનો શિલોંગનો પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે. તે રવિવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા અહીં આવવાના હતા.

કેન્દ્ર એ કહ્યું- રાજ્યોની પાસે કાયદાનો ઈન્કાર કરવાનો કોઈ અધિકાર નથી

પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ પોતાના રાજ્યોમાં નાગરિકતા કાયદો લાગુ કરશે નહિ. તેની પર કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યો કેન્દ્રીય કાયદાને લાગુ કરવાથી ઈન્કાર ન કરી શકે. તેમની પાસે આ અધિકાર નથી. આ પહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે તમે રાજ્યસભા અને લોકસભામાં બળજબરીથી બિલ પાસ કરવી શકો છો, જોકે અમે તમને દેશના ભાગલા પાડવા દઈશું નહિ. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે રાષ્ટ્ર વિરોધી કાયદાને અમારા રાજ્યમાં કોઈ સ્થાન નથી.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી હતી, બાદમાં તે કાયદો બન્યો. નાગરિકતા કાયદાના વિરોધમાં આસામ સહિત પૂર્વોત્તરના ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય અને મણિપુરમાં વિદ્યાર્થી સંગઠનો તથા ડાબેરી દળોએ વિરોધ શરૂ કર્યો હતો. આ સમયે આગ લગાડવા, તોડફોડ કરવાની અનેક ઘટનાઓ બની હતી. ગુવાહાટીમાં પોલીસે ફાયરિંગ કરતા 3 લોકોના મોત થયા છે. દીબ્રુગઢમાં ભાજપના ધારાસભ્યના ઘર અને રેલવે સ્ટેશન પર આગ લગાડવામાં આવી હતી.

ભારત-જાપાને પરસ્પર વાટાઘાટ કરી પ્રવાસ અટકાવ્યો-રવીશકુમાર

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે મોદી-અબે વચ્ચે દ્વિ-પક્ષીય મંત્રણા થવાની હતી. પરંતુ, બન્ને દેશે પરસ્પર વાતચીત કર્યા બાદ આ પ્રવાસ અટકાવ્યો છે. બન્ને નેતા મણિપુરના વિષ્ણુપુરમાં પણ એક કાર્યક્રમમાં ભાગ લેવા જવાના હતા. અહીં બન્ને નેતા બીજા વિશ્વ યુદ્ધમાં જીવ ગુમાવનાર જાપાની સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના હતા. આ અગાઉ બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એકે અબ્દુલ મોમેને પણ તેમનો ભારત પ્રવાસ રદ્દ કર્યો હતો.

આસામમાં આગ લગાડવાની અને તોડફોડની ઘટનાઓ બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો

આસામમાં પોલીસ ફાઈરીંગમાં દેખાવકારોના મોત બાદ પ્રદર્શન થઈ રહ્યું છે. અહીં કર્ફ્યુમાં કોઈ જ ઢીલ આપવામાં આવી નથી. રાજ્યના અનેક જિલ્લાઓમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. રાજ્યની રાજધાની ગુવાહાટીમાં પણ અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અહીં સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે. અહીં સતત ત્રીજા દિવસે ઇન્ટનેટ સેવા બંધ છે. સેના અહીં ફ્લેગમાર્ચ કરી રહી છે. ગુવાહાટી અને દીબ્રુગઢ વચ્ચે ટ્રેન સેવા બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ પેસેન્જર ટ્રેનો, કેટલીક લાંબા અંતરની ટ્રેનોની સેવા સ્થગિત કરવામાં આવી છે.

ત્રિપુરામાં સ્થિતિમાં સુધારો, જોકે ઈન્ટરનેટ સેવા હજુ પણ બંધ

ત્રિપુરાના મોટાભાગના વિસ્તારોમાં સ્થિતિ સુધરી રહી છે, પરંતુ શુક્રવારે નવા રચાયેલા બિન આદિવાસી સંઘ બંગાળી ઓઈકયા મંચે 48 કલાકનું બંધનું એલાન આપ્યું છે. અહીં સતત ત્રીજા દિવસે ટેલિફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. ધલાઇ અને નોર્થ ત્રિપુરા જિલ્લાઓમાં હજુ પણ હિંસક આંદોલન ચાલી રહ્યું છે. બીજીબાજુ, ધર્મનગર અને અગરતલા વચ્ચે રેલવે અને માર્ગ પરિવહન ભારે સુરક્ષા વચ્ચે શરૂ કરવામાં આવ્યો છે. અગરતલા, અમ્બાસા, કુમારઘાટ અને ધર્મનગરમાં છેલ્લા ત્રણ દિવસથી હજારો પ્રવાસીઓ ફસાયેલા છે. આ અગાઉ ગુરુવારે રાત્રે ત્રિપુરાથી ગયેલા પ્રતિનિધિમંડળે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. વરિષ્ઠ આદિવાસી નેતા બિજોય કુમારે જણાવ્યું હતું કે શાહ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી. શાહે ખાતરી આપી છે કે ત્રિપુરાના મૂળ નિવાસીઓના હિતોનું ધ્યાન રાખવામાં આવશે.

મેઘાલયમાં કર્ફ્યુમાં આંશિક ઢીલ, ઈન્ટરનેટ-મોબાઈલ સેવાઓ પર હજુ પણ પ્રતિબંધ

મેઘાલયમાં શુક્રવારે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યુમાં 12 કલાકની છૂટ આપવામાં આવી. જોકે, અહીં મોબાઈલ અને ઈન્ટરનેટ સર્વિસ પર પ્રતિબંધ જારી છે. શિલોંગમાં પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સ્થિતિ સંપૂર્ણ સામાન્ય નથી. અમે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. દરમિયાન મુખ્યમંત્રી કોનરોડ સંગમા અને અન્ય પ્રધાનોનું એક દળ અમિત શાહ સાતે મુલાકાત કરવા દિલ્હી રવાના થયું છે.

ભાજપ જાગૃતિ અભિયાન ચલાવશે, TMCએ કાયદા વિરુદ્ધ સુપ્રીમમાં અરજી કરી

ભાજપ દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, કોલકાતા, ગુવાહાટી અને લખનૌમાં 14-18 ડિસેમ્બર વચ્ચે નાગરિકતા સુધારા કાયદાને લઈ જાગૃતિ અભિયાન ચલાવશે. દરમિયાન તૃણમુલના સાંસદ મહુઆ મિત્રાએ સુપ્રીમ કોર્ટમાં કાયદાને પડકારતી એક અરજી દાખલ કરી છે. મહુઆ મિત્રાના વકીલે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ આ કેસ અંગે શુક્રવારે અથવા સોમવારે સુનવણી કરી શકે છે.પૂર્વોત્તરના પાંચ રાજ્યોએ કહ્યું છે કે અમે અમારા રાજ્યોમાં નાગરિકતા સુધાર કાયદાને લાગુ કરવા દેશું નહીં.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી