- હીનાના નાના સુંદરલાલે ઘરની મોટી દીકરીને પાઘડી પહેરાવીને વડીલ બનાવી
- હીના હાલ પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે
Divyabhaskar.com
Dec 03, 2019, 12:48 PM ISTજયપુર: દેશભરમાં મહિલા અને દીકરીઓને સન્માન આપવાનું વલણ વધતું જાય છે. તેવામાં રાજસ્થાનથી એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. જયપુરમાં સોડાલામાં રહેતા વર્મા પરિવારમાં 7 વર્ષની દીકરી હીનાને પાઘડી પહેરાવીને ઘરની વડીલ બનાવવામાં આવી છે.
વર્મા પરિવારના વડીલ રાજેંદ્ર વર્માનું 19 નવેમ્બરે મૃત્યુ થયું હતું. પરિવારમાં તેમના પત્ની અને ત્રણ દીકરીઓ હીના, ઈશા અને પ્રિયંકા છે. રાજસ્થાનના રિવાજ અનુસાર ઘરના વડીલનાં મૃત્યુ પછી તેના દીકરાને પાઘડી પહેરાવીને ઘરનો વડીલ બનાવવામાં આવે છે પરંતુ વર્મા પરિવારની તમામ સંતાન દીકરીઓ હોવાથી પાઘડી કોને પહેરાવી તે ચર્ચાનો વિષય બન્યો હતો.
રાજેન્દ્રના સાસરિયા પક્ષ દ્વારા 30 નવેમ્બરે ઘરની મોટી દીકરી હીનાને પાઘડી પહેરાવીને તેને વડીલનો દરજ્જો આપવામા આવ્યો છે. હીનાના નાના સુંદરલાલે તેને પાઘડી પહેરાવીને સન્માન આપ્યું હતું. હીના હાલ પહેલા ધોરણમા અભ્યાસ કરે છે.
હીનાના નાના સુંદરલાલ જણાવે છે કે આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં સક્ષમ છે. તેથી અમે ઘરની મોટી દીકરી હીનાને પાઘડી પહેરાવીને વડીલ બનાવી છે.