- રિલાયન્સ હેલ્થ ઈન્શ્યોરન્સનું સોલ્વન્સી માર્જિન ઘટીને 63 ટકા રહ્યું, IRDA(ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી)ના જણાવ્યા મુજબ 150% હોવું જરૂરી
- IRDAએ કહ્યું- રિલાયન્સ હેલ્થ તેનો પોર્ટફોલિયો 15 નવેમ્બર સુધી રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સને ટ્રાન્સફર કરે
Divyabhaskar.com
Nov 07, 2019, 03:51 PM ISTમુંબઈઃ ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી(IRDA)એ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હેલ્થ ઈન્શ્યોરનસ(RHICL)ને નવી પોલીસી ન વેચવાનો આદેશ આપ્યો છે. ઈરાડાએ બુધવારે એક લેટરમાં રિલાયન્સ હેલ્થ ઈન્શ્યોરન્સને એ પણ કહ્યું કે તે 15 નવેમ્બર સુધીમાં પોતાની જવાબદારી રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સને આપે. આરએચઆઈસીએલનું સોલ્વન્સી માર્જિન સતત ઘટી રહ્યું હોવાને કારણે ઈરડાએ આ નિર્ણય લીધો છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ માર્જિન 63 ટકા રહ્યું, નિયમો મુજબ 150 ટકાથી ઓછું હોવું જોઈએ. કોઈ પણ વીમા કંપનીના સોલ્વન્સી માર્જિનથી એ ખબર પડે છે કે તેની પાસે વિપરિત સ્થિતિમાં દાવોઓને પહોંચી વળવા માટે પર્યાપ્ત રકમ છે કે નહિ.
રિલાયન્સ હેલ્થને તક આપી, જોકે સ્થિતિમાં સુધારો ન થયોઃ IRDA
ઈરડાના જણાવ્યા મુજબ રિલાયન્સ હેલ્થ ઈન્શ્યોરન્સ જૂનથી સોલ્વેન્સી માર્જિનની અનિવાર્યતા પુરી કરી રહી નથી. પોલીસી વેચવા પર પ્રતિબંધ લગાવતા પહેલા કંપનીને બે વખત તક આપવામાં આવી, જોકે સ્થિતિમાં સુધારો ન થયો.
રિલાયન્સ હેલ્થ ઈન્શ્યોરન્સે ઓક્ટોબર 2018માં કારોબાર શરૂ કર્યો હતો. રિલાયન્સ કેપિટલ તેની પ્રમોટર કંપની છે. તેણે રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સના સ્વાસ્થ્ય વીમા કારોબારથી અલગ કરીને રિલાયન્સ હેલ્થ ઈન્શ્યોરન્સ બનાવી હતી.
રિલાયન્સ હેલ્થ ઈન્શ્યોરન્સ 15 નવેમ્બર સુધીના દાવાના સેટલમેન્ટ સિવાય અન્ય કોઈ પેમેન્ટ માટે પોતાની એસેટ્સનો ઉપયોગ કરી શકશે નહિ. ઈરડાનું અનુમાન છે કે રિલાયન્સ હેલ્થની એસેટ્સ હાલના ગ્રાહકોના ભવિષ્યમાં સંભવિત દાવોઓની પતાવટ માટે પર્યાપ્ત છે.
ઈરડાનું કહેવું છે કે રિલાયન્સ હેલ્થ ઈન્શ્યોરન્સનો પોર્ટફોલિયો રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સને ટ્રાન્સફર કરવાની પ્રતિક્રિયા અને દાવોઓના સેટલમેન્ટ પર નજર રાખવામાં આવશે, વીમાધારકોની સુરક્ષાનું ધ્યાનમાં રાખવામાં આવશે.