યુટિલિટી ડેસ્કઃ જો તમે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હો તો તમારે તેની પર મળતા ઇન્શ્યોરન્સ વિશે જાણવું જોઈએ. ગેસ કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ઇન્શ્યોરન્સ કવર સિલિન્ડરના કારણે થતા કોઈપણ પ્રકારના અકસ્માતમાં કોઈ જાન કે સંપત્તિને નુકસાન થાય તો 50 લાખ રૂપિયા સુધીનો વીમો પૂરો પાડે છે. સિલિન્ડર પર મળતા ઇન્શ્યોરન્સનો સંપૂર્ણ ખર્ચ સંબંધિત ઓઇલ કંપનીઓ ઉઠાવે છે.
મૃત્યુ પર 50 લાખ અને ઇજાગ્રસ્ત પર 40 લાખ મળે છે
અકસ્માત થાય તો 40 લાખ રૂપિયાનો વીમો કવર થાય છે, જ્યારે સિલિન્ડર ફાટવાના કારણે મૃત્યુ થાય તો 50 લાખ રૂપિયાનો ક્લેમ કરી શકાય છે. અકસ્માતનો ભોગ બનેલા દરેક વ્યક્તિને મહત્તમ 10 લાખ રૂપિયા વળતર આપવામાં આવી શકે છે.
ઇન્શ્યોરન્સ કોણ લઈ શકે?
પેટ્રોલિયમ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમના ડિસ્ટ્રિબ્યુટરે આ વીમો કરાવવો પડે છે. આ લોકોએ ગ્રાહકો અને અન્ય સંપત્તિઓ માટે થર્ડ પાર્ટી વીમા કવર સહિતના અકસ્માતો માટે વીમા પોલિસી લેવાની રહે છે.
ક્લેમ કેવી રીતે કરવો?
જો કોઈ અકસ્માત થાય તો ગ્રાહકે 30 દિવસની અંદર પોલીસ સ્ટેશન અને LPG વિતરકને જાણ કરવાની હોય છે. વીમા રકમનો દાવો કરવા માટે FIRની એક કોપી, ઇજાગ્રસ્તોની સારવાર માટેનું ખર્ચનું બિલ અને કોઈનું મૃત્યુ થાય તો તેનો રિપોર્ટ સંભાળીને રાખવાનો હોય છએ. માહિતી આપ્યા પછી સંબંધિત અધિકારી અકસ્માતનું કારણ તપાસ કરે છે અને જો LPG દ્વારા અકસ્માત થયો હોય તો ડિસ્ટ્રિબ્યુટર ગેસ કંપનીને જાણ કરે છે.
ઇન્શ્યોરન્સ ક્લેમ કોણ આપે છે?
જ્યારે તમે તમારા LPG ડિસ્ટ્રિબ્યુટરને અકસ્માત વિશે જાણ કરો ત્યારે તે સંબંધિત ઓઇલ કંપની અને ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરે છે. તે ડિસ્ટ્રિબ્યુટર જ ગ્રાહકને દાવા માટેની આવશ્યક ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં મદદ કરે છે. ડિસ્ટ્રિબ્યુટર અને કસ્ટમર સર્વિસ સેલ પાસે તમામ વિગતો હોય છે.
ઇન્શ્યોરન્સ માટે સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરવી જરૂરી
સિલિન્ડર ખરીદતી વખતે જ તેનો ઇન્શ્યોરન્સ થઈ જાય છે, જે સિલિન્ડરની એક્સપાયરી ડેટ સાથે જોડાયેલો હોય છએ. ઘણીવાર લોકો એક્સપાયરી ડેટ ચેક કર્યા વગર જ તેને ખરીદી લે છે. આવી સ્થિતિમાં કોઈ ગ્રાહક વીમાનો દાવો કરવા માટે હકદાર નથી રહેતો.
ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ કેવી રીતે ચેક કરવી?
દરેક ગેસ સિલિન્ડર પર જ્યાં રેગ્યુલેટર લગાવવામાં આવે છે ત્યાં D-20 જેવું કંઇક લખવામાં આવ્યું હોય છે. તે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોય છએ. અહીં D-20નો અર્થ એ છે કે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ ડિસેમ્બર 2020 છે. ત્યારબાદ આ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવો જોખમી બની શકે છે. આવા સિલિન્ડરો ગેસ લિકેજ અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ગેસ સિલિન્ડરની ઉપર રેગ્યુલેટર પાસે જે ત્રણ પટ્ટી હોય છે, તેમાં કોઇ એક પટ્ટી પર A, B, C, D લખેલું હોય છે. ગેસ કંપની દરેક લેટરને 3 મહિનામાં વહેંચી દે છે. અહીં Aનો અર્થ જાન્યુઆરીથી માર્ચ અને B એટલે એપ્રિલથી જૂન થાય છે. એ જ રીતે C એટલે જુલાઈથી સપ્ટેમ્બર અને D એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.