બ્રિટન / ‘જમાઈરાજા’ બોરિસ જ્હોનસનને ભારતીયો ફળ્યા, 10 બેઠકો પર કન્ઝર્વેટિવ પાર્ટીને ફાયદો કરાવ્યો

Indians flourish over 'Jamairaja' Boris Johnson

  • જ્હોનસનના સાસુ દિપ સિંઘ ભારતીય હોવાથી શીખ સમુદાય સાથે જ્હોનસન ઘનિષ્ઠ સંપર્ક ધરાવે છે
  • કાશ્મીર મુદ્દે લેબર પાર્ટીના નકારાત્મક વલણને લીધે ભારતીયોએ જ્હોનસનની તરફેણમાં ઝુકાવ દર્શાવ્યો હતો

Divyabhaskar.com

Dec 13, 2019, 06:06 PM IST

નેશનલ ડેસ્કઃ બ્રિટનની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના બોરિસ જ્હોનસન ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યા છે. કુલ 650 પૈકી 337 બેઠકો પર જીત મેળવીને કન્ઝર્વેટિવ પાર્ટી પુનઃ સત્તારૂઢ થઈ રહી છે ત્યારે ભારતીય સમુદાયે જ્હોનસન અને કન્ઝર્વેટિવની તરફે કરેલું જંગી મતદાન પણ સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે.

કાશ્મીર મુદ્દો બ્રિટનની ચૂંટણીમાં પણ છવાયો

કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રવક્તા બોબ બ્લેકમેને પણ સ્વીકાર્યું કે તેમના પક્ષને મળેલા ભવ્ય વિજયમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકોનું સમર્થન પણ નોંધપાત્ર છે. તેમણે સ્વીકાર્યું હતું કે કાશ્મીર મુદ્દે ભારતના વલણને અમે ટેકો આપ્યો એથી ઓછામાં ઓછી 10 બેઠકો અમે જીત્યા છીએ. ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં વિવાદાસ્પદ કલમ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને બોરિસ જ્હોનસન અને કન્ઝર્વેટિવ પાર્ટીએ સમર્થન આપ્યું હતું. પાકિસ્તાને જ્યારે દુનિયાભરમાં કાગારોળ મચાવી ત્યારે જ્હોનસને તેને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આ મુદ્દે ભારતનું સમર્થન કર્યું હતું. જ્યારે પ્રતિસ્પર્ધી લેબર પાર્ટીએ કલમ 370 હટાવવાના ભારતના નિર્ણયને આપખુદ ગણાવ્યો હતો. આથી ભારતીયોએ ચૂંટણી દરમિયાન મોટા પ્રમાણમાં લેબર પાર્ટીની વિરુદ્ધમાં પ્રચાર કર્યો હતો.

જ્હોનસનનું ભારતીય કનેક્શન

બોરિસ જ્હોનસનના પત્ની મરિના વ્હિલરને ભારતીય શીખ સમુદાય સાથે સીધો સંબંધ છે. મરિનાના માતા દીપ સિંઘ શીખ છે, જેમણે બીબીસીના વિખ્યાત પત્રકાર સર ચાર્લ્સ વ્હિલર સાથે લગ્ન કર્યા હતા. મરિના પણ પોતાના મોસાળ એવા શીખ સમુદાય સાથે જીવંત સંપર્ક રાખે છે. દીપ સિંઘ વ્હિલરના પત્ની બન્યા એ પહેલાં તેમણે વિખ્યાત ભારતીય પત્રકાર ખુશવંતસિંઘના નાના ભાઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન વિચ્છેદ પછી પણ તેઓ ખુશવંતસિંઘ પરિવાર સાથે સારા સંબંધો ધરાવે છે. મરિના પોતાના પરિવારના મૂળિયા વિશે અભ્યાસ કરવા માટે લાંબો સમય પતિયાળા, જલંધર રહી ચૂક્યા છે. બોરિસ જ્હોનસન ગુરુદ્વારાના કાર્યક્રમોમાં હાજરી આપતાં હોય છે. દીપ સિંઘને અગાઉના પતિથી થયેલ પુત્ર સરબજીતની પુત્રી એટલે ફિલ્મ અભિનેત્રી અમૃતા સિંઘ. એ હિસાબે જોઈએ તો બ્રિટિશ વડાપ્રધાનનું ભારત કનેક્શન ઘણું વિશાળ છે. પત્ની મરિના સાથે બે વર્ષ પહેલાં બોરિસ જ્હોનસન ભારત આવ્યા હતા ત્યારે દિલ્હીમાં સિંઘ અને જ્હોનસન ફેમિલીનું ગ્રાન્ડ રિયુનિયન પણ યોજાયું હતું.

ભારતીયોનું પ્રચારગીત, બોરિસ કો હમેં જીતાના હૈ

બોરિસ જ્હોનસનની તરફેણમાં મતદાન કરવા માટે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકોએ બનાવેલું વીડિયો સોન્ગ પણ ભારે લોકપ્રિય બન્યું હતું. ચુનાવ ફિર સે આયા હૈ, દેશ કો હમેં બચાના હૈ, કુછ કરકે દિખાના હૈ, બોરિસ કો હમેં જીતાના હૈ એવા શબ્દો સાથેનું આ ગીત ભારતીયો પોતાની કોલર ટ્યૂનમાં પણ રાખતા હતા. ભારતીય સમુદાયની લાગણી જીતવા ગત શનિવાર જ બોરિસ જ્હોનસને લંડન સ્થિત સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી.

X
Indians flourish over 'Jamairaja' Boris Johnson

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી