• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Inauguration of 'Jagdish Trivedi Primary School' on October 12, Jagdish Trivedi will donate Rs. 11 crore in lifetime

સુરેન્દ્રનગર  / 12 ઓક્ટોબરે ‘જગદીશ ત્રિવેદી પ્રાથમિક શાળા’ નું લોકાર્પણ, જગદીશ ત્રિવેદી જીવનભરમાં કરશે રૂ. 11 કરોડનું દાન

‘જગદીશ ત્રિવેદી-ફાઇલ તસવીર
‘જગદીશ ત્રિવેદી-ફાઇલ તસવીર

  • હવેથી કમાણીની તમામ રકમ જરુરિયાતમંદ લોકોના આરોગ્ય અને શિક્ષણ માટે દાન કરીશ- જગદીશ ત્રિવેદી
  • રૂ. 11 કરોડનું દાન કરવાની નેમ પુરી કરવા જરૂર પડી તો મિલકત પણ વેચશે

Divyabhaskar.com

Oct 10, 2019, 11:52 PM IST

અમદાવાદ: ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ રૂપિયા 11 કરોડનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત બે વર્ષમાં તેમણે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા ગામના યજ્ઞનગર વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાનું નવું ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ તથા શાળાના નૂતન નામકરણ સમારંભનો કાર્યક્રમ આગામી શનિવારને 12 ઓક્ટોબરના રોજ યોજાશે. આ કાર્યક્રમ શનિવારે સવારે 9થી 12 વાગ્યા દરમિયાન જગદીશ ત્રિવેદી પ્રાથમિક શાળા, યજ્ઞનગર, સાયલા ખાતે યોજાશે. જેમાં કાથાકાર રમેશભાઇ ઓઝા, હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ, મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત વિનોદ જોશી, ભદ્રાયુ વછરાજાની, જય વસાવડા તથા જગદીશ ત્રિવેદી અને તેમના પરિવારજનો હાજર રહેશે.
50 વર્ષ પુરા થતા ત્રણ પ્રતિજ્ઞા લીધી
આ સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ થશે ત્યારે જગદીશ ત્રિવેદી દ્વારા થયેલું વ્યક્તિગત દાન એક કરોડ રુપિયાને પાર કરશે. જગદીશ ત્રિવેદીએ 12 ઓક્ટોબર 2017ના રોજ જગદીશ ત્રિવેદીએ જીવનનાં 50 વર્ષ પુરા કર્યા ત્યારે ત્રણ પ્રતિજ્ઞા લીધી હતી કે, હું જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્ર પહેરીશ, જીવનમાં ક્યારેય વાળ કાળા કરીશ નહીં. હું આજીવન દેશ-વિદેશમાં હાસ્યના કાર્યક્રમો કરતો રહીશ પણ હવેથી કમાણીની તમામ રકમ જરુરિયાતમંદ લોકોના આરોગ્ય અને શિક્ષણ માટે દાન કરીશ. એમાંથી એક કાણી પાઈ પણ મારા ઘેર લાવીશ નહીં.
જગદીશ ત્રિવેદીએ બે વર્ષમાં રૂ. 1 કરોડ 11 હજારનું દાન કર્યું
જગદીશ ત્રિવેદીએ નિવૃત્તિના પ્રથમ વર્ષમાં રૂ. 44 લાખ 10 હજાર 555ના કાર્યક્રમો કર્યા અને બીજા વર્ષાંતે રૂ. 71 લાખ 97 હજાર કાર્યક્રમો કર્યા. આમ નિવૃત્તિના બે વરસમાં 1 કરોડ 16 લાખ 555 રુપિયાના કાર્યક્રમો કર્યા અને પ્રથમ વર્ષે કુલ 42 લાખ 18 હજાર 555 અને બીજા વર્ષે કુલ 57 લાખ 93 હજાર 431 રુપિયાનું દાન કરી બે વર્ષમાં પોતાના હાથે થયેલા દાનની રકમ 1 કરોડ 11 હજાર 986 સુધી પહોંચાડી સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે.
અનેક શાળા અને હોસ્પિટલોને દાન આપ્યું
આ દાનમાંથી તેમણે પોતાના વતન થાનગઢમાં બે સરકારી પ્રાથમિક શાળા જ્યાં તેમના માતા-પિતા શિક્ષકની નોકરી કરતા હતાં, તેમાં નવનિર્માણ કરાવી આપ્યું અને સાયલાના યજ્ઞનગર જેવા સાવ પછાત વિસ્તારમાં તો આખેઆખી શાળા પાયામાંથી ચણી આપીને બહુ મોટી સખાવત કરી. તદુપરાંત તેમણે શેઠ લલ્લુભાઈ આરોગ્ય મંદિર- સાવરકુંડલા, બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ-રાજકોટ, એચ.એલ. ત્રિવેદી કીડની હોસ્પિટલ-અમદાવાદ અને નિઃશૂલ્ક ડાયાલિસિસ સેન્ટર-સુરેન્દ્રનગર જેવી સંસ્થાઓને મોટી રકમનાં અનુદાન કર્યું છે. આજ દિવસ સુધીમાં ઘણાં વિદ્યાર્થીઓની ફી અને ઘણાં દર્દીઓની સારવાર તેમણે કરાવી છે.
રૂ. 11 કરોડનું દાન કરવાની નેમ પુરી કરવા જરૂર પડી તો મિલકત પણ વેચશે
જગદીશ ત્રિવેદીએ નિવૃત્તિના પ્રથમ વર્ષે રૂ.44 લાખના કાર્યક્રમો કર્યા પછી તેમને વિચાર આવ્યો કે આ રીતે 25 વર્ષ સુધી કાર્યક્રમો કરું તો બરાબર 11 કરોડ રુપિયા જેવી માતબર રકમ ગરીબો સુધી પહોંચી શકે. તેમણે 21 ફેબ્રુઆરી 2019ના રોજ થાનગઢ શાળાનાં લોકાર્પણ સમયે જાહેરાત કરી દીધી કે હું મરતાં પહેલા કુલ 11 કરોડ રુપિયાનું દાન કરીશ. વળી તેમને વિચાર આવ્યો કે 75 વર્ષ સુધી શરીર સાથ ના આપે અથવા કલાકારનો ક્રેઝ ખત્મ થઈ જાય અને લોકો કાર્યક્રમો ન આપે તો શું કરવું? ત્યારબાદ તેમણે બીજી ક્ષણે જાહેરાત કરી કે 11 કરોડમાં કંઈ ઓછું રહેશે તો મેં સ્વબળે વસાવેલી એક-બે સ્થાવર મિલકત વેચીને પણ 11 કરોડનું દાન કરીશ. જગદીશ ત્રિવેદીએ કહ્યું કે જો હું એમ કરી શકીશ તો મને લાગશે કે હું આ ધરતી ઉપર આવીને 60-70 વર્ષ રહ્યો તેનું ભાડું ચૂકવીને મરુ છું.

X
‘જગદીશ ત્રિવેદી-ફાઇલ તસવીર‘જગદીશ ત્રિવેદી-ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી