રાજકોટ / 18 મહિનામાં પોલીસે 3.04 લાખ વાહનચાલકને હેલ્મેટના રૂ. 6.50 કરોડના ઇ–ચલણ ફટકાર્યા

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • શહેરમાં હેલ્મેટ મરજિયાત કરી રાહત આપી, અત્યાર સુધીમાં લોકોના કરોડો રૂપિયા લૂંટાયા

Divyabhaskar.com

Dec 05, 2019, 04:28 AM IST

રાજકોટઃ ટ્રાફિકના નવા નિયમના પાલન હેઠળ રાજકોટ શહેર પોલીસે છેલ્લા 18 મહિનામાં 3 લાખથી વધુ ટુ વ્હિલર ચાલકોને હેલ્મેટ નહીં પહેરવા સબબ રૂ.6.50 કરોડથી વધુના ઇ–ચલણ ફટકારી દીધા હતા અને 50 ટકા જેટલા લોકોએ એ દંડ ભરી પણ દીધો હતો. હેલ્મેટના દંડના નામે થતાં અતિરેક સામે લોકરોષ ફાટી નીકળતા રાજ્ય સરકારે શહેરમાં હેલ્મેટ મરજિયાત કરી લોકોને હેલ્મેટથી મુક્તિ આપી હતી, બીજીબાજુ શહેર કોંગ્રેસે અત્યાર સુધી ઉઘરાવેલી રકમ વાહનચાલકોને પરત કરવાની માંગ કરી આ મામલે લડતના નિર્દેશ આપ્યા હતા.

3 લાખ વાહનચાલકોને દંડ ફટકાર્યો
રાજકોટ શહેરમાં સીસીટીવી કેમેરા લાગ્યા ત્યારે શહેરીજનો ખુશ થયા હતા અને ગુનેગારો પર પોલીસની વોચ રહેશે તેવી વાતો વહેતી થઇ હતી, પરંતુ ત્યારબાદ આ જ સીસીટીવી કેમેરામાં વાહનચાલકો ક્લિક થવા લાગ્યા હતા અને દંડનો દંડો લાગવા લાગ્યો હતો. ગત તા.15 એપ્રિલ 2018થી શહેર પોલીસે ઇ–ચલણ જનરેટ કરવાનું શરૂ કર્યું હતું અને હેલ્મેટ પહેર્યા વગર નીકળનાર વાહનચાલક કેમેરામાં ક્લિક થાય તો તેના ઘરે દંડનું ઇ–ચલણ પહોંચી જતું હતું. બાદમાં કેન્દ્ર સરકારે ટ્રાફિકના નવા નિયમ મુજબ દંડની રકમમાં તોતિંગ વધારો કર્યો હતો અને ગત તા.1 નવેમ્બર 2019થી શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. શહેર પોલીસ પણ ટાર્ગેટ સાથે મેદાને પડી હતી અને હાજર દંડ તેમજ ઇ–ચલણનો મારો શરૂ થયો હતો. છેલ્લા 18 મહિનામાં રાજકોટ પોલીસે હેલ્મેટ નહીં પહેરનાર 3,04,278 વાહનચાલક સામે રૂ.6.50 કરોડથી વધુના ઇ–ચલણ જનરેટ કરી નિયમ ભંગ કરનારના ઘરે મોકલી દીધા હતા.

6.50 કરોડના ઇ-ચલણ જનરેટ કર્યા
રાજ્ય સરકારે બુધવારે લોકરોષ સામે પારોઠનાં પગલાં ભર્યાં હતા અને શહેરમાં હેલ્મેટ મરજિયાત કરી દીધું હતું, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, 18 મહિનામાં હેલ્મેટના નામે રૂ.6.50 કરોડથી વધુના ઇ–ચલણ જનરેટ કરાયા છે અને કરોડો રૂપિયા વસૂલી પણ લેવામાં આવ્યા છે, જેટલા વાહનચાલકો પાસેથી અત્યાર સુધીમાં હેલ્ટમેટનો દંડ વસૂલવામાં આવ્યો છે તેમને પરત કરવો જોઇએ તેમજ જેટલા વાહનચાલકોએ હેલ્મેટના ઇ–ચલણનો દંડ ભર્યો નથી તે તમામ ઇ–ચલણ રદ કરવા જોઇએ. રાજ્ય સરકાર દ્વારા દંડની રકમ પરત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ મુદ્દે પણ લડત કરવાનો તેમણે નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફરજિયાત હેલ્મેટને કારણે વૃધ્ધ અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો હવે તે સમસ્યામાંથી મુક્તિ મળશે.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી