ગ્રાઉન્ડ રિપોર્ટ / બોપલને નર્કાગારની સ્થિતિમાંથી કોણ બહાર લાવશે?, કરોડોના બંગલાઓના ખખડધજ રસ્તાઓ ગટરના પાણીમાં ગરકાવ

  • આઈ.કે.જાડેજાએ બોપલ-શાંતિપુરા રોડની સ્થિતિની ટ્વીટ કરી, હકીકતમાં આખા બોપલમાં ઠેર-ઠેર ખાડાઓ 
  • પોશ ગણાતા બોપલમાં સોસાયટીઓમાં ઉભરાતી ગટરોથી રોગચાળાનું સંકટ, ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં વધારો
  • રોડ પર ખાડાઓ-ગટરો ઉભરાવા માટે નગરપાલિકા અને ઔડા એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે

Divyabhaskar.com

Sep 12, 2019, 07:44 PM IST

અમદાવાદ: પૂર્વ માર્ગ અને મકાન મંત્રી આઈ કે જાડેજાએ આજે અમદાવાદના પોશ ગણાતા બોપલ વિસ્તારને અડીને પસાર થતા રીંગ રોડની બિસમાર હાલત વિશે ટ્વીટ કરી અને તહેલકો મચી ગયો. સોશિયલ મીડિયામાં આ રોડના વીડિયો ફેલાવા લાગ્યા અને ફોટા સાથે કોમેન્ટો પાસ થવા લાગી. પરંતુ હકીકત તો એ છે કે અત્યારે આખા બોપલ વિસ્તારની હાલત આ રોડ જેવી જ છે. બોપલ જંક્શનથી ઘૂમા તરફ જતાં વિવિધ સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી ઊભરાઈ રહ્યા છે અને રોડ પર ઠેર-ઠેર ખાડા પડેલા છે. રસપ્રદ છે કે આ પરિસ્થિતિ માટે બોપલ નગરપાલિકા અને ઔડા બાય-બાય ચારણીની રમત રમી રહ્યા છે અને ફરિયાદ કરવા જતા લોકો સમક્ષ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.

બોપલની સોસાયટીઓ નર્કાગાર, બસના પૈંડા ખૂંપી જાય તેવા ખાડા
બોપલથી લઇને શાંતિપુરા ચોકડી સુધીના રોડ પર પડેલા ખાડા વિશે આઈ કે જાડેજાએ ટ્વીટ કરી અને બધાનું ધ્યાન ગયું. પરંતુ વાસ્તવમાં બોપલની અંદર કોઈ રણીધણી જ ન હોય તેમ સોસાયટીઓ તરફના એપ્રોચ રોડ સાવ દયનીય હાલતમાં છે. ખાડાના કારણે વાહન ચાલકોને ખૂબજ મુશ્કેલી પડી રહી છે. નોંધનીય છે કે, આમાંના ઘણા રોડ 3 મહિના પહેલા જ બનાવવામાં આવ્યા હતા. જ્યારે બોપલ-શાંતિપુરા રોડની હાલત તો બન્યાના માત્ર 15 દિવસમાં જ ખખડધજ થઇ ગઇ છે. આ રોડ પરથી ટ્રાન્સપોર્ટ વાહન, સ્કૂલ બસ સહિતના વાહનો અવર-જવર કરતા હોય છે. ત્યારે આવી સ્થિતિના કારણે અસ્કમાતનો ખતરો પણ વધી જાય છે. સ્થાનિકો દ્વારા અવર-નવાર રજૂઆત કરવા છતા કોઇપણ યોગ્ય કામગીરી ન કરતા તંત્ર સામે ભારે રોષ ઉભરાયો છે.

પંદર દિવસમાં રોડ તૂટે તો પણ કોન્ટ્રાક્ટરોના બિલ પાસઃ લોકોનો આક્રોશ
બોપલના રોડની સ્થિતિ વિશે દરરોજ અવર-જવર કરતા રિક્ષા ચાલક અતુલ ભરવાડ સાથે Divya Bhaskarએ વાતચીત કરતા તેમણે પણ તંત્રને આડેહાથ લીધું હતું. ભરવાડે જણાવ્યું હતું કે, બોપલથી શાંતિપુરા ચોકડી સુધી બંન્ને બાજુ રોડ તુટી ગયો છે. સાઉથ બોપલ તરફ જતા રસ્તાની પણ હાલત ખરાબ છે. નવા રોડ માત્ર 15 દિવસ સુધી જ ચાલ્યા છે. આના માટે હું કોન્ટ્રાક્ટ અપવાવાળાને "શાબાસી" આપુ છું. અમદાવાદમાં આ જ રીતે રોડ તૂટે એટલા માટે આવા કોન્ટ્રાક્ટરો જલ્દી પકડી લાવો. જો પંદર દિવસ પણ રોડ ના ચાલે તો કોન્ટ્રક્ટરને બિલ કેવી રીતે પાસ કરી દીધું.

કબીર એન્કલેવથી અંદર બે મહિનાથી ઊભરાતી ગટરો, નર્કાગાર સ્થિતિ
બોપલના મોટાભાગના રોડની હાલત પણ કપરી બની છે. ભાગ્યે જ કોઇ એવો રોડ હશે જ્યાં ખાડા જોવા નહીં મળે. તેમાં પણ કબીર એન્કલેવથી અંદર ઘૂમા 89 તરફ જતા રોડ પરની હાલત તો નર્કાગાર થઈ ગઈ છે. છેલ્લા બે મહિનાથી અંદરની ગટરો રોજેરોજ ઊભરાઈ રહી છે. આ માટે નગરપાલિકા અને ઔડા બંને એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. અત્યારે બે દિવસથી વરસાદમાં વિરામ પડ્યો છે તેમ છતાં હજુ પણ બોપલના આ વિસ્તારમાં પાણી ભરાયા છે. ગટરના પાણી ભરાઈ રહેવાથી રોગચાળો ફેલાઇ રહ્યો છે. જેના કારણે મલેરિયા-ડેન્ગ્યુના કેસો પણ નોંધાયા છે. સાઉથ બોપલ અને બસંત બહાર જેવા વિસ્તારોમાં પણ ભરાયેલા પાણી દૂર થતાં જ નથી.

નગરપાલિકાએ ખાડા ખોદી દીધા, પૂરવાનું ભૂલી ગઈ, લોકો ત્રાહિમામ
કેટલાક વિસ્તારોમાં આખા વર્ષમાં ના જાગેલું નગરપાલિકાનું તંત્ર ચોમાસામાં જાગ્યુ હોય તેવા દૃશ્યો પણ જોવા મળ્યા હતા. વરસાદી માહોલમાં પણ જગ્યાએ જગ્યાએ ખાડાઓ ખોદી રાખ્યા છે. જેના કારણે કેટલાક રોડ બ્લોક થઇ ગયા છે. આ વિશે સ્થાનિકો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, ખાડા ખોદી રાખવાથી અવર-જવરમાં મુશ્કેલીઓ પડી રહી છે. જગ્યાએ જગ્યાએ કીચડના કારણે વાહનો ફસાઇ જાય છે. ઉપરાંત મચ્છરોની સમસ્યાઓ પણ વધી રહી છે. તંત્રને ઘણીવાર રજૂઆત કરી છે, છતા તેમના તરફથી કોઇપણ યોગ્ય પગલા લેવાયા નથી.

મહિના પહેલાં જ નગરપાલિકા પાસે ઓવરહેડ ટાંકી પડી ગઈ હતી
બોપલ નગરપાલિકાનો વહીવટ કઈ હદે કથળી રહ્યો છે તેનો બોલતો પૂરાવો હજી મહિના પહેલાં જ પડી ગયેલી ઓવરહેડ ટાંકી હતી. આશરે 1 લાખ લિટરની ક્ષમતા ધરાવતી 32 વર્ષ જૂની ટાંકીને ઉતારવાની અનેકવાર મૌખિક રજૂઆતો થઈ હોવા છતાં નગરપાલિકાના શાસકોએ તેને ઉતારવાની તસ્દી લીધી નહીં. પરિણામે સવારના પહોરમાં જ ટાંકી કડડભૂસ કરીને પડી જતાં એકનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના માનવસર્જિત હોનારત હતી છતાં નગરપાલિકાના શાસકો પોતાનો કોઈ વાંક ન હોવાનું ગાણું ગાયે રાખે છે.

ભાજપની જ જૂની અને નવી શાસક બોડીની હૂંસાતૂંસીમાં પીડાતા લોકો
બોપલ નગરપાલિકામાં એક વર્ષ અગાઉ સુધી ભાજપની જે બોડી હતી તેને સુપરસીડ કરીને નવી બોડીને કારભાર સોંપવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે અગાઉ જે શાસક બોડી હતી તે પૂર્વ મુખ્યમંત્રીના સમર્થકોની હતી. પરંતુ ત્યારબાદ ગેરશિસ્તનો કોરડો વીંઝીને તે આખેઆખી શાસકબોડીને હટાવીને વર્તમાન વગદાર નેતાના સમર્થકોને સત્તાસ્થાને આરૂઢ કરવામાં આવ્યા હતા. હવે આ જૂની અને નવી બોડીની વચ્ચે છેલ્લા એક વર્ષથી હૂંસાતૂંસી ચાલી રહી છે અને તેના કારણે અનેક સોસાયટીઓના કામો ટલ્લે ચઢ્યા હોવાનું પણ સ્થાનિક જાણકારોનું કહેવું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી