પ્રતિક્રિયા / હૈદરાબાદના એન્કાઉન્ટરને ગુજરાતની યુવતીઓ-મહિલાઓએ આવકાર્યું, કહ્યું- દુષ્કર્મીઓનો આ રીતે તાબડતોબ ફેંસલો થવો જરૂરી

  • DivyaBhaskar દ્વારા રાજ્યના ચાર શહેરોમાં યુવતીઓ, મહિલાઓ તથા યુવકો પાસેથી હૈદરાબાદની ઘટના અંગે પ્રતિક્રિયા મેળવાઈ
  • મોટાભાગના લોકોના મતે આપણી ક્રિમિનલ જસ્ટિસ પ્રણાલિમાં દુષ્કર્મની ઘટનાઓમાં મોડેથી થતો ન્યાય આવી ઘટનાઓને નોંતરશે
  • દુષ્કર્મના આરોપીઓની સાથે આવો ન્યાય થશે તો ભવિષ્યમાં આપણી બહેન-દીકરીઓને સુરક્ષિત રાખવામાં મદદ મળશે તેવો મત

Divyabhaskar.com

Dec 06, 2019, 05:48 PM IST

અમદાવાદઃ હૈદરાબાદની વેટરનરી ડૉક્ટર યુવતી પર દુષ્કર્મ કર્યા બાદ તેને જીવતી સળગાવી દેનારા ચાર નરાધમોનું ગત રાત્રિએ એન્કાઉન્ટરમાં મોત થયું છે. આ ઘટનાના દેશભરમાં પ્રત્યાઘાત પડ્યા છે. લગભગ તમામ સ્થળેથી લોકોએ અને ખાસકરીને યુવતીઓ અને મહિલાઓએ હૈદરાબાદ પોલીસના આ એન્કાઉન્ટરને બિરદાવ્યું છે. સાથે-સાથે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે આ રીતે જ ઝડપી કાર્યવાહી થવી જોઈએ તેની માગણી કરી છે. DivyaBhaskar દ્વારા પણ રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં અલગ-અલગ વયજૂથના લોકો સાથે વાત કરીને આ ઘટના વિશે તેમના અભિપ્રાય જાણ્યા હતા. તેમની સાથે વાતચીતના મુખ્ય તારણો નીચે મુજબ છે.

હૈદરાબાદમાં પોલીસ એન્કાઉન્ટર અંગે દરેકે ખુશી વ્યક્ત કરી

સામાન્ય રીતે પોલીસ એન્કાઉન્ટરનું નામ પડતાં જ લોકો તેને શંકાની નજરે જુએ છે અને નારાજગી વ્યક્ત કરે છે. પરંતુ હૈદરાબાદમાં પોલીસે દુષ્કર્મના ચારેય આરોપીને જે સ્થળે તેમણે દુષ્કર્મ કર્યું હતું ત્યાં જ મોતને ઘાટ ઉતારતું એન્કાઉન્ટર કર્યું તો તે ઘટના વિશે લગભગ દરેક વ્યક્તિએ રાજીપો વ્યક્ત કર્યો છે. તમામ લોકોનું માનવું છે કે આ ખૂબ સારું થયું અને એક મહિલા પર આ રીતે અત્યાચાર ગુજારનારને તો મૃત્યુદંડની સજા મળવી જ જોઈએ, તો જ આવા નરાધમોને નશ્યત કરી શકાશે.

'કેન્ડલ લાઈટ માર્ચ કાઢવાનો વખત ગયો, હવે એક્શન જરૂરી'

DivyaBhaskar સાથેની વાતચીતમાં મોટાભાગની મહિલાઓ અને યુવકોએ પણ એવો મત પ્રગટ કર્યો હતો કે, કોઈ બળાત્કાર થાય અને ન્યાય માટે આપણે કેન્ડલ લાઈટ માર્ચ કાઢીએ છીએ. પરંતુ આવી કેન્ડલ લાઈટ માર્ચ કાઢવાનો વખત ગયો કારણ કે દુષ્કર્મીઓની વિકૃત માનસિકતા આવી માર્ચથી દૂર નહીં થાય. હવે તો એક્શન ખૂબ જરૂરી છે અને એક્શન પણ તાબડતોબ હોવું જોઈએ. દેશ આખામાં હોબાળો મચે અને પછી કોઈ પગલાં લેવાય તે આપણી જસ્ટિસ સિસ્ટમની નબળાઈ છે.

યુવતીઓએ કહ્યું- હૈદરાબાદ પોલીસે આ પગલું વહેલું ભરવાની જરૂર હતી

મોટાભાગની યુવતીઓએ એમ પણ કહ્યું હતું કે, હૈદરાબાદની પોલીસે જે કર્યું તે ખૂબ જ સારું કર્યું છે અને આનાથી દુષ્કર્મનો ભોગ બનનારી મહિલા તબીબના આત્માને જરૂર શાંતિ મળી હશે. પરંતુ પોલીસે હજી આ પગલું આરોપીઓ પકડાયા કે તુરત ભરી દેવાની જરૂર હતી. આખા દેશની યુવતીઓ-મહિલાઓ તેમની સાથે છે અને તેમણે આવું જ કરવું જોઈતું હતું. અમને ખૂબ આનંદ છે કે, દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધનો ભોગ બનેલી પીડિતાને આખરે ન્યાય મળ્યો છે.

નિર્ભયા કેસના આરોપીઓ સાથે પણ આવું જ કરવાની જરૂર

ઘણી મહિલાઓ અને યુવતીઓએ એવો પણ મક્કમતાપૂર્વક ઉલ્લેખ કર્યો હતો કે, જે રીતે હૈદરાબાદ કેસમાં પોલીસે તાબડતોબ ફેંસલો કર્યો છે તે રીતે નિર્ભયા કેસના આરોપીઓ સાથે પણ આવું જ થવું જોઈએ. કોઈ અબળા નારી પર ગેંગરેપ જેવો ક્રૂર અપરાધ કરનારાઓની દયા અરજી કેવી અને તેની પર વિચારણા કેવી? આવા લોકો દયાને પાત્ર જ નથી અને તેઓ માણસની વ્યાખ્યામાં જ નથી આવતા માટે તેમના માનવ અધિકારની વાત જ ન હોય.

ઈનપુટઃ અનિરુદ્ધસિંહ મકવાણા (અમદાવાદ) , જીતેન્દ્ર પંડ્યા (વડોદરા), શૈલેષ રાદડીયા (રાજકોટ) અને આશિષ મોદી-સુનિલ પાલડિયા (સુરત)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી