હવામાન / માતાના મઢમાં ધોધમાર વરસાદ, 20 મિનિટમાં બજારમાં પાણી ફરી વળ્યા, ભીમદેવળ સહિતનાં ગામોમાં દોઢ કલાકમાં છ ઇંચ વરસાદ

  • 10 ઓક્ટોબરથી ગુજરાત સહિત દેશભરમાંથી ચોમાસું વિદાય લેશે
  • બે દિવસ હળવા ઝાપટાંની હવામાન વિભાગની આગાહી
  • ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ
  • નખત્રાણામાં 20 મિનિટમાં 2 ઇંચ , વડોદરા અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં
  • ગીરગઢડાનાં 4 ગામોમાં 1 કલાકમાં 4 ઇંચ ખાબકી ગયો

Divyabhaskar.com

Oct 05, 2019, 06:51 AM IST

કચ્છ-અમદાવાદ: કચ્છમાં માતાના મઢ ખાતે 20 મિનિટ સુધી ધોધમાર વરસાદ વરસતા બજારમાં પાણી ફરી વળ્યા હતા. દયાપરમાં ગાજવીજ સાથે તો દેશલપર, રવાપાર અને નખત્રાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ મુજબ 10 ઓક્ટોબરથી ગુજરાત સહિત દેશભરમાંથી ચોમાસું વિદાય લેશે. બે દિવસ ગુજરાતમાં હળવા ઝાપટાંની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.

117 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આકંડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 141 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 173 ટકા નોંધાયો છે. ગુજરાતના 251 તાલુકામાંથી 117 તાલુકામાં 40 ઇંચથી વધુ, 127 તાલુકામાં 20થી 40 ઇંચ અને 7 તાલુકામાં 10થી 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ભીમદેવળ સહિતનાં ગામોમાં દોઢ કલાકમાં છ ઇંચ વરસાદ
નવરાત્રી અડધી પૂરી થઈ ગઈ છે છતાં રાજ્યમાં વરસાદ અટકવાનું નામ લેતો નથી. શુક્રવારે તાલાલાના ભીમદેવળમાં દોઢ જ કલાકમાં અનરાધાર 6 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે ગીરગઢડાના 4 ગામોમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો.
તલાલાનાં આંકોલવાડી પંથકમાં અઢી ઇંચ વરસાદ

તાલાલાનાં ભીમદેવળ ગીર તેમજ આજુબાજુનાં ગ્રામ્યમાં સાંજે 5 થી 6.30 દરમિયાન ગાજવીજ સાથે 6 ઇંચ જેવો વરસાદ પડી જવા પામ્યો છે. તેમાં ભીમદેવળમાં 5, રાતીધાર ગામે 5, રામપરામાં 6 ઇંચ, ખંડેરી ગામે 4 ઇંચ જેવો વરસાદ પડી જવા પામ્યો છે. તલાલાનાં આંકોલવાડી પંથકમાં શુક્રવારે સાંજનાં સુમારે વીજળીનાં કડાકા અને ભડાકા વચ્ચે દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે. ગીર પંથકના ધોકડવા, જશાધાર, નગડીયા, નિતલી-વડલી, મોતીસર, ગામોમાં 2 થી 4 ઇંચ વરસાદ એક કલાકમાં ધોધમાર વરસી ગયેલ. નાનાસમઢીયાળા 1, વાવરડા દોઢ ઇંચ વરસી જતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. અને ઉપરવાસમાં આવેલ રાવલ ડેમમાં પાણીની આવક વધતા નદી-નાળા છલકાયાં. કચ્છમાં શુક્રવારે એકાએક પલટાયેલા વાતાવરણ વચ્ચે જિલ્લાના વિવિધ ભાગોમાં અડધોથી લઇ 2 ઇંચ સુધીનો વરસાદ વરસાવ્યો હતો. નખત્રાણામાં તો માત્ર 20 મિનીટમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી પડયો હતો. ભાવગર જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વડોદરા શહેરમાં પણ ભારે ઝાપટાં પડ્યાં હતાં.
ખેતીના પાક સદંતર નિષ્ફળ થઈ ગયા
નવરાત્રી સુધી સતત વરસી રહેલા વરસાદના કારણે જગતનો તાતને મોઢામાં આવેલો કૃષિ પાકોનો કોડીયો છીનવાય જવાની ચિંતામાં પડી ગયો છે. કપાસ, મગફળી જેવા પાકો ભારે વરસાદના કારણે નિષ્ફળ જતાં આ પંથકમાં લીલા દુકાળ તરફ જતો હોવાનો શૂર ખેડૂતોમાં ઉઠી રહ્યો છે. બે દિવસની વરાપમાં મગફળી ઉપાડેલી ખેતરમાં પડી હોય જે પલળી જતા ભારે નુકશાની પહોંચી હતી

ક્યાં કેટલો વરસાદ

રિજિયન વરસાદ
દક્ષિણ ગુજરાત 80 ઇંચ
મધ્ય ગુજરાત 41 ઇંચ
સૌરાષ્ટ્ર 39 ઇંચ
ઉત્તર ગુજરાત 33 ઇંચ
કચ્છ 27 ઇંચ
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી