વિધાનસભા / ટ્રમ્પની મુલાકાતના ખર્ચ માટે રાજ્ય સરકારે રૂ.8 કરોડ-AMCએ 4.5 કરોડ મંજૂર કર્યાં, 100 કરોડની વાતમાં દમ નથી: CM

24 ફેબ્રુઆરીએ ટ્રમ્પને એરપોર્ટ પર આવકારી રહેલા મુખ્યમંત્રી રૂપાણી
24 ફેબ્રુઆરીએ ટ્રમ્પને એરપોર્ટ પર આવકારી રહેલા મુખ્યમંત્રી રૂપાણી

Divyabhaskar.com

Feb 28, 2020, 07:24 PM IST

અમદાવાદઃ અમેરિકી રાષ્ટપ્રમુખ અને પીએમ મોદીએ 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં કરેલા ‘નમસ્તે ટ્રમ્પ’ના કાર્યક્રમ પાછળ થયેલા ખર્ચ અંગે મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ટ્રમ્પની મુલાકાતના ખર્ચ માટે રાજ્ય સરકારે રૂ.8 કરોડ મંજૂર કર્યાં છે. જ્યારે AMCએ રૂ.4.5 કરોડનો ખર્ચ કર્યો છે. રૂ.100 કરોડનો ખર્ચ કર્યો હોવાની વાતમાં દમ નથી. ટ્રમ્પની મુલાકાતનો લાભ ગુજરાત અને દેશને થવાનો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેડિયમની આસપાસના રોડ રિસરફેસિંગ કરવામાં આવ્યા હતા. તેમજ ઔડા દ્વારા પણ રોડ તેમજ ફૂટપાથ પણ બનાવવામાં આવી હતી.

જે સાચું છે તે મુખ્યમંત્રીએ કહ્યું છેઃ નાયબ મુખ્યમંત્રી

જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ટ્રમ્પનાં પ્રવાસ ખર્ચ પર કોંગ્રેસના બધાં આક્ષેપો પાયાવિહોણા અને ખોટા છે.જે સાચું છે તે મુખ્યમંત્રી એ કહ્યું છે.

અચાનક જ 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ' બની હતી
21 ફેબ્રુઆરીએ અચાનક જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે ધડાકો કર્યો હતો કે, મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ' નામની કોઈ સંસ્થા યોજી રહી છે. ત્યાર બાદ અચાનક જ આ સમિતિની રચના કરી મેયર બિજલ પટેલને ચેરપર્સન બનાવ્યા હતા. જેમાં બે સાંસદ એવા ડૉ.કિરીટ સોલંકી, હસમુખ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા,પદ્મભૂષણ બી.વી.દોશી,ચેમ્બર ઓફ કોમર્સના દુર્ગેશ બુચ, પદ્મશ્રી અને લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી અને GTU કુલપતિ ડૉ.નવીન શેઠને સભ્ય બનાવ્યા હતા.

સમારોહ માટેના ફંડનું ગણિત
આ સમારોહ પાછળ અંદાજે 100 કરોડનો ખર્ચ કરવાની ચર્ચા ચાલી હતી. સરકાર સીધું ડોનેશન ન લઈ શકે એટલે આ સમિતિએ કરેલા ખર્ચનું કોઇ ઓડિટની જરૂર રહેશે નહીં, કારણ કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તુરંત જ આ સમિતિનું અસ્તિત્વ નષ્ટ કરી દેવામાં આવ્યું છે. ટ્રમ્પનો કાર્યક્રમ એ કોઇ સરકારી કાર્યક્રમ કે અમેરિકન સરકાર તરફથી ઘોષિત સત્તાવાર મુલાકાત નથી. તેથી ગુજરાત કે ભારત સરકાર તે આયોજનના યજમાન તરીકે જવાબદારી ઉપાડી શકે નહીં.

X
24 ફેબ્રુઆરીએ ટ્રમ્પને એરપોર્ટ પર આવકારી રહેલા મુખ્યમંત્રી રૂપાણી24 ફેબ્રુઆરીએ ટ્રમ્પને એરપોર્ટ પર આવકારી રહેલા મુખ્યમંત્રી રૂપાણી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી