રાપર / વાગડ પાટીદાર સમાજના ‘ખાપ પંચાયત’ જેવા ફરમાનો, 5 વર્ષથી ચાલી રહ્યો છે સિલસીલો

Forms like 'Khap Panchayat' of Vagad Patidar society have been running for 5 years

  • સામાન્ય કે ગરીબ પરીવાર કેવી રીતે આટલી રકમ ભરી શકે ? : આઇજીને રજૂઆત
  • દંડ ન ભરો, ફરિયાદ કરો તો નાત બહાર કરાતા હોવાની રાવ

Divyabhaskar.com

Feb 19, 2020, 10:31 AM IST

રાપરઃ ગુજરાતમાં ખાપ પંચાયતની યાદ અપાવે તેવા અણઘડ, અસામાન્ય નિયમોના પગલે દુધઈથી પીપરાળા સુધી ફેલાયેલા વાગડ-ચોરાડ પંથકના 72 ગામોમાં પાટીદાર સમાજની વાગડ ચોવીસીમાં કેટલાક રૂઢીચુસ્ત લોકોના કારણે ક્યાંયના બન્યા હોય તેવા કિસ્સાઓ પોલીસ મથક અને કોર્ટના દ્વારે ચડ્યા છે. સગાઇ તોડવી કે લગ્ન ભંગ જેવા બનાવોમાં માતબર રકમના દંડના કારણે આ સમાજના અનેક પરિવારો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે.
નાત બહાર કરવાના બનાવો કે, રૂપિયાની માંગણીઓના આક્ષેપો સાથે છેલ્લા 5 વર્ષથી આવી ઘટનાઓ હવે બહાર આવી રહ્યી છે. વિવિધ પોલીસ સ્ટેશનો, સ્થાનિક કોર્ટ અને હાઇકોર્ટ સુધી ફરિયાદો, અરજીઓ થઇ છે. પરિણામે આવા તઘલખી નિયમો ક્યાંક ખાપ પંચાયતને પ્રોત્સાહન નથી આપતાં તેવા સવાલો સર્જાયા છે. ફરિયાદ કરો એટલે નાત બહાર કરી અધધ...દંડ !, કેટલીક જગ્યાઓએ તો માનવામાં ન આવે તેવી 30 લાખ થી 75 લાખ રૂપિયાની દંડ પેટેની માંગણીઓ કરતી ફરિયાદો અને અરજીઓ કરવામાં આવી છે.
માત્ર મુઠ્ઠીભર કથિત લાલચુ માણસોના કારણે આજે અનેક પરિવારો આનો ભોગ બન્યાં છે. સવાલ એ પણ છે કે સામાન્ય કે ગરીબ પરિવાર કેવી રીતે આટલી રકમ ભરતા હશે, કેટલાક ગરીબ વર્ગના પણ હોય છે. પરંતુ, દંડ તો લાખોનો જ કરાય છે. તાજેતરમાં રાપર તાલુકાના બાદરગઢમાં પ્રેમીલા કૈલાસ ગોઠી (પટેલ)દ્વારા આવા બનાવમાં જવાબદાર લોકો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરાય, અન્યથા પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે અંતિમ પગલું ભરવું પડશે તેવી ગુહાર લગાવતી અરજી આઈજીને કરાઇ છે. આ અંગે જુદા-જુદા બનાવોની તપાસણી કરાતા, ચોંકાવનારી વિગતો સામે આવી છે.
મસમોટી રકમનો દંડ ન કરવો જોઇએ : રાપરના પાટીદાર ધારાસભ્ય સંતોકબેન
પાટીદાર ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાને આવા અણઘડ નિયમો વિશે પૂછતાં તેમણે કબુલ્યું હતું કે, અગાઉ રાપરના ભવાનભાઈ પટેલે 32 લાખ ભર્યા ત્યારે જ તેમને નાતમાં લીધા હતા. જો કે, આવડો મોટો દંડ ન કરવો જોઈએ, પણ હાલે જો આવા નિયમો ન ઘડાય તો ચાલે તેમ નથી તેમ જણાવી પોતાને આના વિશે વધુ માહિતી ના હોવાનું પણ કહ્યું હતું.
અસરગ્રસ્તોને રૂપિયા અપાય તેમાં ખોટું શું ?
રાપર તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમાજ રૂપિયા નથી લેતો, બાકી તો ભોગગ્રસ્તને રૂપિયા અપાય તેમાં ખોટું શું ?
નિર્ણય નાતનો હોય તો ભોગ બનનારને મદદ કરવી જોઇએ: સમાજના પ્રમુખ
રાપર પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભવાનભાઈને 32 લાખનો દંડ કર્યો હતો તે છોકરીના સાસરાવાળાઓને આપ્યા હતા અને નિર્ણય નાતનો હોય તો ભોગ બનનારને આર્થિક મદદ કરવી જોઈએ. અત્યારે રૂપિયા આપ્યા વગર કે, સાટા વગર સગાઈ પણ ક્યાં થાય છે. સમાજ કાંઈ લેતો નથી, સમાજ તો ભેગું કરાવે છે. હા કદાચ થોડું ઘણું દાન પુણ્ય કરાવે છે, જેથી કોઈ ઘર તૂટે નહીં.
વચેટિયાઓના પગલે સમાજ બદનામ
બાદરગઢના રમેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે, મારી બહેન પ્રેમીલાને ત્રણ વર્ષની દીકરી સાથે તેના સાસરિયાઓએ પહેરેલે કપડે કાઢી મૂકી હતી. જે બાબતે સામેવાળાઓએ નાત ભેગી કરી હતી અને નાતના બાદરગઢના બાબુ બેચરા બારવડિયા, રાપરના પરબત સામા કારોત્રા અને મારી બહેનના સાસરિયાંઓ દ્વારા 30 લાખ રૂપિયાની માંગણી કરાઇ હતી, જેની સામે અમે કેસ કર્યા છે, જે હજી ચાલુ છે. નાતના બહાને કેટલાંક લોકો પોતાનો રોટલો શેકવા સમાજના આર્થિક રીતે નબળા લોકોને બરબાદ કરી રહ્યાં છે. આવા વચેટિયા દલાલોના કારણે આખો સમાજ બદનામ થાય છે.
ભરણપોષણ તો ઠીક છૂટાછેડાએ નથી આપતા
સાસરિયાના 7 સભ્યો અને બાદરગઢના નાત પ્રમુખ બાબુ બેચરા બારવડિયા, પરબત સામાં કારોત્રા વિરુદ્ધ આઇ.જી. સમક્ષ અરજી કરનારા પ્રેમીલાબેન ગામીએ જણાવ્યું હતું કે, મારા સાસરિયા અત્યાચાર સાથે વારંવાર રૂપિયાની માંગણી કરતા, જે મારા પરિવારથી પૂરી ન થઇ શકતા, સામાવાળાઓએ નાત ભેગી કરી, લાલચુ લોકોના સહારો લઇ અમારી પાસેથી 30 લાખ રૂપિયાની માગણી કરી છે. ભરણપોષણ તો છીક, છૂટાછેડા ન આપી, મારી દીકરી, મારું ભવિષ્ય બગાડી નાંખ્યું છે. આ અંગે કેસ કર્યો તો નાત બહાર કરી નાખ્યા છે.
30થી 40 લાખ સુધીનો દંડ ન લેવાય
જિલ્લા પંચાયત સદસ્ય કરસનભાઈ મંજેરીએ જણાવ્યું હતું કે, ત્રીસ-ચાલીસ લાખનો દંડ ન લેવાય, બાકી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 15 લાખ કે 12 લાખ રૂપિયા પીડિત પરિવારને આપવાના હોય છે અને એ જો ન આપે તો સમાજ એને બોલાવવાનું કે, એ પરિવારની સલાહ લેવાનું બંધ કરે છે.

બાદરગઢમાં જ 5થી 7 પરિવારો ને નાત બહાર કે મરજી પ્રમાણે દંડ
બાદરગઢ ગામ માં પટેલ સમાજ ના 10 વર્ષ પ્રમુખ રહી ચૂકેલા પેથાભાઈ વેરાત (પટેલ) ને નાત બહાર અને રૂપિયા ની માંગણી વિસે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે મારે વખતે આવા કોઈ વીસેસ બનાવો બન્યાં ના હતા પણ છેલ્લા પાંચ સાત વર્ષો થી આવા બનાવો બનવા લાગ્યા સે જેમાં અમારા બાદરગઢ ગામ માં જ પાંચ થી સાત પરિવારો ને નાત બહાર કે મરજી પ્રમાણે દંડ કરાય સે!! હાલે અમારી બાદરગઢ નાત ના પ્રમુખ બાબુ બેચરા બારવડીયા જ સે તેના પહેલાં તેના પિતાજી બેચરા ભાઈ હતા પણ બાબુ ભાઈ એ નાત પણું પોતાની પાસે લઈ લીધું છે.!! તો 30 લાખ ના દંડ વિસે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે 30 લાખ નો દંડ નહિ તેના થી પણ ના કહી શકાય તેવો દંડ કરે છે અને એ રૂપિયા ક્યાં વાપરે છે તે તો તમને ખબર જ હોય ને પોતાના ઘર માં જ જાય ને નકા ભાગે પડતા સભ્યો વેચી લે !!?
તો કાંઠા ચોવીસી ના પ્રમુખ રાજાભાઈ રામજી ભાઈ ચામરીયા સિકરા વારા એ જણાવ્યું હતું કે આવા દંડ અને નાત બહાર કરવા કાયદા ની વિરુદ્ધ છે પણ અમારે ત્યાં આવા ઓછા બનાવો બને છે વાગડ ચોવીસીમાં વધુ બને છે. જેમાં થોડા સમય પહેલાં અમારી રૂબરૂ માં 24 લાખ પીડિત પરિવાર ને આપ્યો હતો. પણ દંડ કર્યા વગર હાલે સમાજ ની વ્યવસ્થા જળવાઈ રહે તેમ નથી હા કાયદાની વિરુદ્ધ છે, પણ નાત બોલાવે એટલે અમારે જાવું પડે, જોકે હવે ઓછું કરી નાખ્યું છે.
સમાજ ખાપ પંચાયતથી પણ ઉપર છે
2014 માં નાત બહાર કરાયેલા રાપરના સવજીભાઈ અણદાભાઈ સાંઢાએ જણાવ્યું હતું કે, મારા પરિવારને ચાર વર્ષ નાત બહાર રખાયો હતો અને 20.80 લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી. જોકે મેં કેસ દાખલ કર્યો હતો. હમણા 2018 માં મેં જમણવારનો ખર્ચ કર્યો હોઇ મારા પરિવારને નાતમાં લઇ લીધો, બાકી તો અમારી સમાજ ખાપ પંચાયતથી પણ ઉપર છે.
8 લાખની વ્યવસ્થા ન થતાં 5 વર્ષથી નાત બહાર
બીજા એક કિસ્સામાં રાપરના જ અને છેલ્લા પાંચ વર્ષથી નાત બહાર રહેલા દેવરાજ ગોવિંદભાઇ વાવિયાએ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, મારી પાસેથી 8 લાખ રૂપિયાની માંગણી કરાઇ છે, પણ મારાથી આટલી મોટી રકમની વ્યવસ્થા થાય તેમ ન હોઇ હું હજી નાત બહાર છું.
35 લાખની માગ બાદ 12 લાખમાં સમાધાન !
પાંચ વર્ષ નાત બહાર રહેલા મુુળ બાદરગઢ અને હાલ પનવેલ મુંબઇ રહેતા દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મને પાંચ વર્ષ સુધી નાત બહાર કરાયો હતો અને તે વખતે અધધ.. 35 લાખ રૂપિયાની માંગણી કરાઇ હતી. જો કે, બાદમાં 12 લાખમાં સમાધાન થયું, એટલે મને નાતમાં લીધો.
પરિવારની સ્થિતિ મુજબ દંડ કરાય છે
બાદરગઢની અરજીમાં જેનું આરોપી તરીકે નામ છે તે પટેલ સમાજના આગેવાન પરબતભાઇએ જણાવ્યું હતું કે, અમે સમાજના નામે દાન કરાવીએ છીએ પણ મોટી રકમ વસૂલતા નથી. જે-તે પરિવારની સ્થિતિ મુજબ દંડ કરાય છે.
વાગડ ચોવીસીમાં 5-7 વર્ષથી કિસ્સા વધ્યા
કાંઠા ચોવીસી, પીપરાળા ચોવીસી અને કચ્છ ચોવીસીમાં નાત બહાર કરવાના કે મોટો દંડ કરવાના કિસ્સા બહુ ઓછા નોંધાયા છે. વાગડ ચોવીસીના 32 ગામોમાં પણ પહેલા છૂટાછવાયા કિસ્સા નોંધાતા હતા પણ છેલ્લા 5થી7 વર્ષમાં તેનું પ્રમા વધ્યું છે અને તેથી પોલીસમાં ફરિયાદો, અરજીઓ પણ વધી છે.
‘દંડના નામે વસૂલીનો ધીંકતો ધંધો’ ભોગગ્રસ્તનો ગંભીર આક્ષેપ
છેલ્લા ચાર વર્ષથી નાત બહાર રાપરના મનજીભાઈ હરખાભાઈ બારસનિયાંએ જણાવ્યું હતું કે, મારી પાસેથી 10 લાખની માંગણી કરાઇ હતી, જે મારાથી ભરપાઇ થાય તેમ નથી એટલે હું હજુ પણ નાત બહાર છું. આ બધું ખોટું છે કારણ કે, દંડના નામે કેટલાંક લોકો વસુલીનો ધીંકતો ધંધો ચલાવી રહ્યા છે.
32 લાખ ભર્યા બાદ નાતમાં લીધો
રાપરના ભવાનભાઈ વાવિયાને સમાજે 75 લાખનો દંડ કર્યો હતો, જેમાં કોર્ટ ફરિયાદ કરતા 32 લાખમાં સમાધાન થયું અને નાતમાં લીધો હતો. કુલ 32 લાખ પૈકી 20 લાખ સામા પક્ષને અને 12 લાખ સમાજને આપ્યા હતા, એનું સમાજે શું કર્યું એની મને ખબર નથી.
‘ભલેને અરજીઓ કરે, સાક્ષીઓ તો હશે ને, કોર્ટમાં લડી લેશું’ !
બાદરગઢ પટેલ સમાજના પૂર્વ પ્રમુખ બાબુ બેચરા બારવડિયાએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, અરજીઓ કે, કોર્ટ ફરિયાદો ભલેને થતીહોય, રૂપિયા માગ્યા હશે તો સાક્ષીઓ હશે ને. કોર્ટમાં લડી લેશું. મેં નાતના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે, હમણાં હું પ્રમુખ નથી.
હું સમાજના નિયમોથી અજાણ છું
અગ્રણી અને ધારાસભ્યના પતિ ભચુભાઈ આરેઠિયાએ સમાજના નિયમો વિશે કોઈ માહિતી ન હોવાનું કહ્યું હતું. તો વળી મુંબઈના બિલ્ડર અંબાવી પટેલે પણ આવા નિયમો વિશે અજાણતા બતાવી હતી. જો કે, તેમની પાસે કોંગ્રેસ ધારાસભ્ય સંતોકબેનના સમર્થનની વાત કરતા તેઓએ કહ્યું હતું કે, જો એ કહેતા હોય તો સાચું જ હોય.
અખિલ કચ્છ-વાગડ લેઉવા પાટીદારોનું 72 ગામોમાં પ્રભુત્વ
અંજાર તાલુકાના દુધઇથી ભચાઉ, રાપર અને પાડોશી પાટણ જિલ્લાના પીપરાળા સુધીના 72 ગામોમાં આ પાટીદારો પથરાયેલા છે, જેમાં વાગડ ચોવીસીના 32, કાંઠા ચોવીસીના 19 અને કચ્છ ચોવીસીના દુધઇ, શિકરા, આમરડી સહિત 15 ગામોનો સમાવેશ થાય છે.

X
Forms like 'Khap Panchayat' of Vagad Patidar society have been running for 5 years

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી