• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • For every citizen of the village, from social distancing , we will be left behind for 21 years if not save 21 days. said by PM in speech

વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન / સોશિયલ ડિસ્ટન્સિંગ પીએમથી માંડીને ગામના દરેક નાગરિક માટે, 21 દિવસ નહીં સાચવો તો 21 વર્ષ પાછળ રહી જઈશું

ફાઇલ ફોટો - નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી
ફાઇલ ફોટો - નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી

  • ભારત આજે એ સ્ટેજ પર છે, જ્યાં એક્શન નક્કી કરશે કે તેના પ્રભાવને આપણે કેટલો ઘટાડી શકીએ છીએ. આ સમય છે આપણાં સંકલ્પને મજબૂત કરવાનો. સંયમનો. યાદ રાખવાનું છે કે, ‘જાન હૈ તો જહાન હૈ’. 

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 01:20 PM IST

વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધનઃ પ્યારા દેશવાસીઓ,
હું આજે ફરી એક વખત કોરોના વૈશ્વિક રોગચાળા પર વાત કરવા માટે તમારી વચ્ચે આવ્યો છું. 22 માર્ચના રોજ આપણે ‘જનતા કરફ્યૂ’નો જે સંકલ્પ લીધો હતો, એક રાષ્ટ્રની રીતે તેની સફળતા માટે દરેક ભારતવાસીએ સંપૂર્ણ સંવેદનશીલતા સાથે, સંપૂર્ણ જવાબદારી સાથે પોતાનું યોગદાન આપ્યું. બાળકો-વૃદ્ધો, નાના-મોટા, ગરીબ-મધ્યમ વર્ગ-ઉચ્ચ વર્ગ, દરેક જણ આ પરીક્ષાની ઘડીમાં સાથે આવ્યા. એક દિવસના જનતા કરફ્યૂ દ્વારા ભારતે દેખાડી દીધું કે જ્યારે દેશ પર સંકટ આવે છે, જ્યારે માનવતા પર સંકટ આવે છે તો કેવી રીતે આપણે બધા ભેગા મળીને, એક જૂથ બનીને તેનો સામનો કરીએ છીએ.

કોરોનાથી બચવા ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’સિવાય બીજી કોઈ વિકલ્પ નથી
તમે સૌ જનતા કરફ્યૂની સફળતા માટે પ્રશંસાને પાત્ર છો. તમે કોરોના રોગચાળા અંગે આખી દુનિયાની સ્થિતિને સમાચારોના માધ્યમથી સાંભળી પણ રહ્યા છો અને જોઈ પણ રહ્યા છો. તમે એ પણ જોઈ રહ્યા છો કે, દુનિયાના સૌથી સક્ષમ દેશો પણ આ મહામારી સામે લાચાર બની ગયા છે. એવું નથી કે તેમની પાસે સંસાધનોનો અભાવ છે. પરંતુ કોરોના એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે, તમામ તૈયારીઓ અને પ્રયાસો બાદ પણ આ દેશોમાં પડકાર વધતો જઈ રહ્યો છે. આ તમામ દેશોના બે મહિનાના અભ્યાસમાંથી જે નિષ્કર્ષ નિકળી રહ્યો છે, અને એક્સપર્ટ્સ પણ એવું જ કહી કોરોનાના અસરકારક સામનો કરવા માટે એકમાત્ર વિકલ્પ છે - ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’. કોરોનાથી બચવાની તેના સિવાય બીજી કોઈ રીત, બીજો કોઈ વિકલ્પ નથી.
12 વાગ્યાથી આખા દેશમાં સંપૂર્ણ ‘લોકડાઉન’
કોરોનાને ફેલાતો રોકવા તેની સંક્રમણની સાઈકલ તોડવી પડશે. કેટલાક લોકોમાં એવી ગેરસમજ છે કે ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ માત્ર બીમાર લોકો માટે જરૂરી છે. આવું વિચારવું ઉચિત નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ દરેક નાગરિક માટે, દરેક પરિવાર માટે, પરિવારના દરેક સભ્ય માટે છે. કેટલાક લોકો બેજવાદારી, કેટલાક લોકોની ખોટી માન્યતા, તમને, તમારા બાળકોને, તમારા માતા-પિતાને, તમારા પરિવારને, તમારા મિત્રોને, સમગ્ર દેશને એક મોટી મુશ્કેલીમાં નાખી દેશે. સાથીઓ, છેલ્લા બે દિવસથી દેશના અનેક ભાગોમાં લોકડાઉન કરી દેવાયું છે. રાજ્ય સરકારના આ પ્રયાસોને અત્યંત ગંભીરતાથી લેવા જોઈએ. આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં, ધ્યાનથી સાંભળશો, સમગ્ર દેશમાં આજે રાત્રે 12 વાગ્યાથી આખા દેશમાં સંપૂર્ણ ‘લોકડાઉન’ થવા જઈ રહ્યું છે.
દરેક ગલી-મહોલ્લાને હવે લોકડાઉન
હિન્દુસ્તાનને બચાવવા માટે, હિન્દુસ્તાનના દરેક નાગરિકને બચાવવા માટે આજે રાત્રે 12 વાગ્યાથી, ઘરમાંથી બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાઈ રહ્યો છે. દેશના દરેક રાજ્યને, દરેક કેન્દ્રશાસિત પ્રદેશ, દરેક જિલ્લા, દરેક ગામ, દરેક કસબા, દરેક ગલી-મહોલ્લાને હવે લોકડાઉન કરવામાં આવી રહ્યો છે. ચોક્કસપણે આ પ્રકારના લોકડાઉનની દેશે એક આર્થિક કિંમત ચૂકવવી પડશે. જોકે, એક-એક ભારતીયના જીવનને બચાવવું અત્યારે મારી, ભારત સરકારની, દેશની દરેક રાજ્ય સરકારની, દરેક સ્થાનિક નિગમની - સૌથી મોટી પ્રાથમિકતા છે. આથી મારી તમને સૌને વિનંતી છે કે, તમે અત્યારે દેશમાં જ્યાં પણ છો ત્યાં જ રહો.
વર્તમાન સ્થિતિને જોતાં દેશમાં આ લોકડાઉન 21 દિવસ સુધી ચાલશેઃ
આગામી 21 દિવસ આપણા સૌને માટે અત્યંત મહત્ત્વના છે. આરોગ્ય નિષ્ણાતોની માનીએ કોરોના વાઈરસના ચેપની સાઈકલને તોડવા માટે ઓછામાં ઓછા 21 દિવસનો સમય ખૂબ જ મહત્ત્વનો છે. ‘ઘરમાં રહો, ઘરમાં રહો અને એક જ કામ કરો કે તમારા ઘરમાં રહો.’ સાથીઓ, આજના નિર્ણયે, દેશવ્યાપી લોકડાઉને તમારા ઘરના દરવાજા પર એક લક્ષ્મણ રેખા ખેંચી દીધી છે. તમારે એ યાદ રાખવાનું છે કે, ઘણી વખત કોરોનાનો ચેપ લાગેલો વ્યક્તિ શરૂઆતમાં એકદમ તંદુરસ્ત દેખાય છે, તેને ચેપ લાગ્યો છે એ વાતની તેને ખુદને પણ ખબર હોતી નથી. આથી સાવચેતી રાખો, પોત-પોતાના ઘરોમાં રહો. વિચારો, પહેલા એક લાખ લોકોને ચેપ લાગવામાં 67 દિવસ લાગ્યા હતા, પછી તેને બે લાખ લોકો સુધી પહોંચવામાં માત્ર 11 દિવસ લાગ્યા હતા. તેનાથી પણ ચિંતા ઉપજાવે તેવી વાત એ છે કે, બે લાખ ચેપી લોકોમાંથી ત્રણ લાખ લોકો સુધી પહોંચવામાં આ બીમારીને માત્ર ચાર દિવસ જ લાગ્યા હતા.
કોરોનાનો સામનો કરવા માટે આશાનું કિરણ, એ દેશો પાસેથી મળેલા અનુભવ છે
સાથીઓ, આ જ કારણ છે કે, ચીન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઈટાલી-ઈરાન જેવા દેશોમાં જ્યારે કોરોનાવાઈરસે ફેલાવાનું શરૂ કર્યું તો સ્થિતિ નિયંત્રણ બહાર નીકળી ગઈ. એ પણ યાદ રાખો કે, ઈટાલી હોય કે અમેરિકા, આ દેશોની આરોગ્ય સેવાઓ, હોસ્પિટલ, આધુનિક સંસાધન દુનિયામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, તેમ છતાં આ દેશો કોરોનાના પ્રભાવને ઘટાડી શક્યા નહીં. સવાલ એ છે કે આશાનું કિરણ ક્યાં છે? ઉપાય શું છે, વિકલ્પ શું છે? સાથીઓ, કોરોનાનો સામનો કરવા માટે આશાનું કિરણ, એ દેશો પાસેથી મળેલા અનુભવ છે, જે કોરોનાને કેટલીક હદ સુધી નિયંત્રિત કરી શક્યા છે. તેમના નાગરિક સપ્તાહો સુધી ઘરમાંથી બહાર નીકળ્યા ન હતા. તેમણે 100 ટકા સરકારી નિર્દેશોનું પાલન કર્યું અને આ કારણે જ કેટલાક દેશ હવે આ મહામારીમાંથી બહાર નીકળવા તરફ આગળ વધી રહ્યા છે.
ઘરની લક્ષ્મણ રેખા ન ઓળંગવી
આપણે પણ એવું માનીને ચાલવું જોઈએ કે, આપણી સામે આ એક જ માર્ગ છે - આપણે પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું નથી. ગમે તે થઈ જાય, ઘરમાં જ રહેવાનું છે. પ્રધાનમંત્રીથી મંડીને નાના નાગરિક, દરેકના માટે. કોરોનાથી ત્યારે જ બચી શકાશે, જ્યારે ઘરની લક્ષ્મણ રેખા ન ઓળંગવામાં આવે. આપણે આ માહામારીના વાઈરસના ચેપને ફેલાતો રોકવાનો છે. ભારત આજે એ સ્ટેજ પર છે, જ્યાં આપણાં આજના પગલાં નક્કી કરશે કે આ મોટી આપત્તીના પ્રભાવને આપણે કેટલો ઘટાડી શકીએ છીએ. આ સમય છે આપણા સંકલ્પને વારંવાર મજબૂત કરવાનો. મારી તમને હાથ જોડીને વિનંતી છે કે ઘરોમાં રહીને તેમના માટે મંગળ કામના કરો, જે ફરજ નિભાવવા માટે ખુદને જોખમમાં નાખીને કામ કરી રહ્યા છે. એ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરા-મેડિકલ સ્ટાફ, પેથોલોજિસ્ટ્સ અંગે વિચારો, જે આ મહામારીથી પ્રભાવિત એક-એક જીવન બચાવવા માટે, દિવસ-રાત હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે. હોસ્પિટલના લોકો, એમ્બ્યૂલન્સ ડ્રાઈવર વોર્ડ બોય, સફાઈ કર્મચારી અંગે વિચારો જે બીજાની સેવા કરી રહ્યા છે.
મીડિયા કર્મચારીઓ અંગે પણ વિચારો જે ચેપનું જોખમ ઉઠાવીને સડકો પર છે
તમે એ લોકો માટે પ્રાર્થના કરો જે તમારી સોસાયટી, તમારા મહોલ્લા, તમારી સડકો, જાહેર સ્થળોને સેનેટાઈઝ કરવાનું કામ કરી રહ્યા છે. જેથી આ વાઈરસનું નામ-નિશાન ન રહે. તમને સાચી માહિતી આપવા માટે 24 કલાક કામ કરી રહેલા મીડિયા કર્મચારીઓ અંગે પણ વિચારો જે ચેપનું જોખમ ઉઠાવીને સડકો પર છે. તમારી આજુ-બાજુના પોલીસ કર્મચારી અંગે વિચારો જે પરિવારની ચિંતા કર્યા વગર તમને બચાવવા માટે રાત-દિવસ ડ્યુટી કરી રહ્યા છે. અનેક વખત કેટલાક લોકોની ભૂલનો ભોગ બની રહ્યા છે.

દર્દીઓના ઈલાજ માટે કેન્દ્ર સરકારની રૂ.15 કરોડની જોગવાઈ
કોરોના વૈશ્વિક રોગચાળાની સ્થિતિ વચ્ચે કેન્દ્ર અને દેશભરની રાજ્ય સરકારો ઝડપથી કામ કરી રહી છે. રોજિંદા જીવનમાં લોકોને અસુવિધા ન થાય, તેના માટે સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. જરૂરી વસ્તુઓના સપ્લાય માટે તમામ ઉપાય કરાઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યો સાથ સમાજના સંગઠન ગરીબોની મુસિબતને ઘટાડવા માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે. જીવન જીવવા માટે જે જરૂરી છે, તેના માટે તમામ પ્રયાસની સાથે જ જીવન બચાવવા માટે જે જરૂરી છે, તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જ પડશે. હવે કોરોનાના દર્દીઓના ઈલાજ માટે દેશના આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે આજે રૂ.15 કરોડની જોગવાઈ કરી છે. તેનાથી કોરોના સાથે જોડાયેલી ટેસ્ટિંગ ફેસિલિટિઝ, પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વીપમેન્ટ્સ, આઈસોલેશન બેડ્સ, આઈસીયુ પથારી, વેન્ટીલેટર્સ અને અન્ય જરૂરી સુવિધાઓ વધારવામાં આવશે. રાજ્યોને વિનંતી કરાઈ છે કે, અત્યારે તેમની પહેલી પ્રાથમિકતા માત્ર અને માત્ર આરોગ્ય સેવાઓ જ હોવી જોઈએ. મને સંતોષ છે કે, દેશનું ખાનગી ક્ષેત્ર પણ ખભાથી ખભા મિલાવીને સંકટ અને ચેપની આ ઘડીમાં દેશની સાથે ઊભું છે.
ડોક્ટરની સલાહ વગર કોઈ દવા ન લેવી
ધ્યાન રાખો, આવી સ્થિતિમાં જાણે-અજાણે અનેક વખત અફવાઓ પણ ફેલાય છે. મારી તમને વિનંતી છે કે, આવીકોઈ પણ પ્રકારની અફવા અને અંધવિશ્વાસથી બચો. તમે કેન્દ્ર, રાજ્ય અને મેડિકલ નિર્દેશની સલાહનું પાલન કરો. મારી તમને પ્રાર્થના છે કે, આ બીમારીના લક્ષણો દરમિયાન ડોક્ટરની સલાહ વગર કોઈ દવા ન લો. કોઈ પણ પ્રકારનું ઉતાવળીયું પગલું તમારા જીવને જોખમમાં નાખી શકે છે. મને વિશ્વાસ છે કે, દરેક ભારતીય સરકારના સ્થાનિક તંત્રના નિર્દેશોનું પાલન કરશે. 21 દિવસના લોકડાઉનનો લાંબો સમય છે, પરંતુ તમારા જીવનની સુરક્ષા માટે, તમારા પરિવાર માટે એટલું જ મહત્ત્વનું છે. એક જ રસ્તો છે. દરેક હિન્દુસ્તાની તેનો સફળતાપૂર્વક સામનો કરશે અને વિજયી થઈને બહાર આવશે. તમે પોતાનું ધ્યાન રાખો, સ્વજનોનું ધ્યાન રાખો અને આત્મવિશ્વાસ સાથે કાયદા-નિયમોનું પાલન કરીને સંપૂર્ણ સંયમ સાથે વિજયનો સંકલ્પ લઈને આ બંધનોનો સ્વીકાર કરો.

X
ફાઇલ ફોટો - નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રીફાઇલ ફોટો - નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી