સુરેન્દ્રનગર / ચોટીલાના સિંહના રાજકોટ પાસે પગલાં, ત્રંબા નજીક વડાળીમાં ભૂંડનું મારણ કર્યું

footprints of lions near rajkot
કોલર આઈડી વાળા સિંહનું લોકેશન ત્રંબા પાસેના વડાળી ગામની સીમમાં મળતાં વનવિભાગની ટીમ દોડી ગઈ હતી
કોલર આઈડી વાળા સિંહનું લોકેશન ત્રંબા પાસેના વડાળી ગામની સીમમાં મળતાં વનવિભાગની ટીમ દોડી ગઈ હતી

  • ગીરજંગલના બે પાઠડા સિંહ 19 નવેમ્બરે ચોટીલા પંથકમાં દેખાયા હતા, શુક્રવારે રાજકોટ તરફ આવવા નીકળ્યા
  • દિવ્ય ભાસ્કરની ટીમે વનવિભાગ સાથે રહી ખાટરિયો વીડીમાં બે કલાક જંગલ વિસ્તાર ખૂંદ્યો

Divyabhaskar.com

Jan 20, 2020, 09:54 PM IST

રાજકોટઃ ગીરના જંગલમાંથી નીકળી 61 દિવસ ચોટીલા પંથકમાં મુકામ કર્યા બાદ બે પાઠડા સિંહે રાજકોટ નજીક ત્રંબા પાસે પડાવ નાખ્યો છે. છેલ્લા 48 કલાકથી બંને સિંહ રાજકોટ અને ગોંડલની વચ્ચે કોટડાસાંગાણી અને ત્રંબા આસપાસ આંટાફેરા કરતા હોવાનું વનવિભાગે જણાવ્યું હતું. કોલર આઇડી હોવાથી બંને સિંહના લોકેશન મેળવવામાં આવ્યા હતા. સોમવારે રાત્રીના બંને સિંહ ત્રંબાથી ત્રણ કિલોમીટર દૂર વડાળી ગામની સીમમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે એક ભૂંડનું મારણ પણ કર્યું હતું. જોકે વનવિભાગ સિંહને શોધી શક્યો નથી. દિવ્ય ભાસ્કરની ટીમ પણ રાત્રે 8 વાગ્યાથી વનકર્મચારીઓ સાથે હતી અને જંગલ વિસ્તાર ખૂંદ્યો હતો. સિંહના પગના નિશાન મળ્યા હતા, પરંતુ લોકેશન મળ્યું નહોતું.

ગીરના જંગલથી ચોટીલા સુધી પહોંચ્યા સિંહ
રાજકોટથી માત્ર 21 કિલોમીટર દૂર એક સાથે બે સિંહ આવ્યા હોવાની આ પ્રથમ ઘટના છે. બે સિંહ ગીરના જંગલમાંથી છેક ચોટીલા સુધી પહોંચ્યા ત્યારે પશુપ્રેમીઓમાં પણ ભારે આશ્ચર્ય સર્જાયું હતું. ચોટીલા પંથકના લોકોએ વનવિભાગને વિનંતી પણ કરી હતી કે, આ બંને સિંહ અહીંયા જ રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ અને થયું પણ એવું જ બંને સિંહ છેલ્લા 61 દિવસથી ચોટીલા માતાજીના ડુંગર અને આસપાસના વિસ્તારમાં પશુઓના મારણ કરીને આરામથી ફરી રહ્યા હતા.

100 એકરમાં પથરાયેલા જંગલમાં બે સિંહ છેઃ વનવિભાગ
દરમિયાન ગત શનિવારે બંને સિંહે રાજકોટ તરફ ડગ માંડ્યા હતા અને ચોટીલાના સર ગામ થઇ ત્રંબા અને ત્યાંથી ખોખડદળ નદી સુધી પહોંચ્યા હતા. કોટડાસાંગાણીના સીમાડા સુધી પહોંચીને ત્યાંથી નદીની કોતરોમાં થઇને પરત ફર્યા હતા. અને ત્રંબાની આસપાસના વિસ્તારોમાં જ મુકામ કર્યો હતો. રાજકોટની ભાગોળે જ બે સિંહ આવ્યા હોવાની વાત રાજકોટિયન્સને થતાં એક અલગ પ્રકારનો જ રોમાંચ ખડો થયો હતો. વનવિભાગના આરએફઓ જયવંતભાઇ ગાંગડિયા, ફોરેસ્ટર એમ.એસ.પલાસ અને ઠકરારભાઇ અને વડાળી વિભાગના નરેન્દ્રસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા દિવ્ય ભાસ્કરની ટીમ સાથે સોમવારની રાત્રીના 12 વાગ્યા સુધી ખાટરિયો તરીકે ઓળખાતા વીડી વિસ્તારમાં વડાળી આસપાસના જંગલમાં ફર્યા હતા, પરંતુ બેમાંથી એકપણ સિંહનું ચોક્કસ લોકેશન મળ્યું નહોતું, પરંતુ એક ભૂંડનું મારણ કર્યાનું સ્પષ્ટ થયું હતું. લગભગ 100 એકરમાં પથરાયેલા જંગલમાં બંને સિંહ હોવાનું વનવિભાગે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. અને કોલરઆઇડી હોવાથી પરફેક્ટ લોકેશન પણ મળી જશે જોકે ક્યારેક ક્યારેક ટેક્નિકલ ક્ષતિ આવતી હોવાને કારણે સિંહ શોધી શકાયા નહોતા, મંગળવારના સવારથી ફરીથી સિંહ ક્યા છે તે દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

એક સિંહ દેખાયો પણ ટોર્ચ કરતાં ખાઇમાં ઉતરી ગયો
વડાળીમાં રહેતા રાજુભાઇ વીડી વિસ્તારમાંથી પસાર થતાં હતા ત્યારે તેઓએ સિંહની ડણક સાંભળી હતી સૌ પ્રથમ તો તેઓને આશ્ચર્ય થયું હતું, પરંતુ કુતૂહલવશ જે દિશામાંથી અવાજ આવ્યો હતો ત્યાં જઇને જોતા એક સિંહ વીડીની ટોચ પર ઊભો હતો તેના પર ટોર્ચ કરતાં તે નીચે ઉતરી ગયો હતો બાદમાં અન્ય લોકોને બોલાવીને વીડી પર જતાં ત્યાંથી તાજું મારણ કરેલું ભૂંડનું માથું મળી આવ્યું હતું. આથી સિંહ એટલા વિસ્તારમાં જ હોવાનું વનવિભાગે પણ અનુમાન લગાવ્યું હતું. જો કે, મોડીરાત સુધી મથામણ છતાં સિંહનું લોકેશન મળ્યું ન હતું.

વડાળી પાસેની વીડી સિંહના રહેઠાણ માટેની પરફેક્ટ જગ્યા
વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગીરના જંગલમાંથી નીકળીને બહારની દુનિયામાં આવેલા બંને સિંહે હજુ સુધી લોકો પર હુમલો કર્યો નથી તે સારા સંકેત છે. અને રાજકોટ નજીક હાલ જ્યાં બને સિંહ છે તે વડાળી પાસેની 100 એકર જંગલ અને વીડી જેવા વિસ્તારમાં તેઓ આરામથી રહી શકે તેમ છે. અહીંયા ભૂંડ અને રોઝડાની સંખ્યા ખૂબ જ છે તેમજ પીવાનું પાણી પુષ્કળ પ્રમાણમાં મળી રહે તેવી પણ આસપાસમાં વ્યવસ્થા છે આથી જો બંને સિંહને અહીંથી ખોટી રીતે તગેડી મૂકવામાં ન આવે તેનું પણ ધ્યાન રાખવું જોઇએ.

રાજકોટથી 21 કિલોમિટર નજીક સિંહ આવ્યાની સૌ પ્રથમ ઘટના
કોલર આઈડી વાળા સિંહનું લોકેશન ત્રંબા પાસેના વડાળી ગામની સીમમાં મળતાં વનવિભાગની ટીમ દોડી ગઈ હતી. ત્યાં તપાસ કરતાં સિંહે ભૂંડનું મારણ કર્યાનું સ્પષ્ટ થયું હતું. લગભગ ત્રણ કલાક સુધી સિંહનું લોકેશન મેળવવાની મથામણ કરી હતી. પરંતુ સોમવારે રાત્રિના 12 વાગ્યા સુધી સફળતા મળી ન હતી. ભાસ્કરની ટીમ પણ વનવિભાગની સાથે રહી હતી.

X
footprints of lions near rajkot
કોલર આઈડી વાળા સિંહનું લોકેશન ત્રંબા પાસેના વડાળી ગામની સીમમાં મળતાં વનવિભાગની ટીમ દોડી ગઈ હતીકોલર આઈડી વાળા સિંહનું લોકેશન ત્રંબા પાસેના વડાળી ગામની સીમમાં મળતાં વનવિભાગની ટીમ દોડી ગઈ હતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી