એલર્ટ / ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ, ભરૂચમાં ચોથા દિવસે પણ પૂરનાં પાણી યથાવત, નર્મદા જિલ્લાના 144 ગામો પર સંકટ યથાવત

ભરૂચના ભાગાકોટ ઓવારે નર્મદા નદીનું જળ સ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા
દાંડિયા બજાર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા જનજીવનને અસર પડી હતી
દાંડિયા બજાર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા જનજીવનને અસર પડી હતી
નર્મદા નદી તેની ભયજનક સપાટીથી 8 ફૂટ ઉપરથી વહેતા કસક ઝુપડપટ્ટી વિસ્તારમાં પાણી પ્રવેશ્યા
નર્મદા નદી તેની ભયજનક સપાટીથી 8 ફૂટ ઉપરથી વહેતા કસક ઝુપડપટ્ટી વિસ્તારમાં પાણી પ્રવેશ્યા

  •  
  • ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાંથી 4 હજાર લોકોનું સ્થળાંતર
  • નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલાં પાણીમાંની ગંદકીથી રોગચાળાનો ભય
  • પ્રશાસન દ્વારા રાહત કામગીરી હાથ ધરી ન હોવાની સ્થાનિકોની રાવ
  • દુકાનોમાં પાણી ભરાતાં ધંધા-રોજગારને અસર, નાવિકો પણ મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે
  •  

Divyabhaskar.com

Sep 14, 2019, 02:05 AM IST

કેવડિયાઃ ભરૂચઃ સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવકને પગલે નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે ભરૂચ અને નર્મદા જિલ્લાના 144 જેટલા ગામો પર સકંટ સર્જાયુ છે. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ગામડાઓની સ્થિતિ વધારે ખરાબ થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 4 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને ગોલ્ડન બ્રિજની સપાટી હજુ 31.25 ફૂટે સ્થિર છે. જેને લઇને હજુ પૂરનું સકંટ યથાવત છે. જેથી તંત્ર અને સ્થાનિક લોકો ચિંતામાં મૂકાયા છે.

ડેમના ઉપરવાસમાંથી 7.92 લાખ ક્યૂસેક પાણીની આવક
નર્મદા ડેમના ઉપરવાસમાંથી હાલ 7.92 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જેને પગલે નર્મદા ડેમની સપાટી વધીને 137.08 મીટરે પહોંચી ગઇ છે. હાલ નર્મદા ડેમના 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલીને 7.62 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. અને નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં સંકટ ઉભુ થયું છે. જેથી કાંઠા વિસ્તારોના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. જેને પગલે લોકો હાલ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

ભરૂચ શહેર અને જિલ્લાના ગામોમાં પાણી ઘૂસ્યા
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાયેલાં પાણીના કારણે નર્મદા નદી 31.25 ફૂટે વહી રહી છે. જેને કારણે નદીના પ્રવાહે તારજી સર્જવાનું શરૂ કરી દીધું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા, અંક્લેશ્વર તેમજ ભરૂચ તાલુકાના નર્મદા કાંઠાના ગામો તેમજ ભરૂચ શહેરના નિચાણવાળા વિસ્તારો પુરથી પ્રભાવિત થતાં બે દિવસમાં 4 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ડેમમાં 5300 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ
કેવડિયાનો ગોરા બ્રિજ પર પાણી ફરી વળતા હાલ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. અને ડેમમાં હાલ 5300 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

પૂરને પગલે સમગ્ર શહેરમાં ગંદકીના સામ્રાજ્ય
ભરૂચ શહેરમાં છ વર્ષ પહેલાં 2013માં અતિવૃષ્ટીના કારણે પુરની સ્થિતી સર્જાઇ હતી. નર્મદા નદીની સપાટી તે સમયે 36 ફૂટને આંબી જતાં અંદાજે પાંચેક દિવસ સુધી વર્ષ 2013માં ભરૂચ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયાં હતાં. જે બાદ આ વર્ષે સરદાર સરોવર ડેમમાંથી સતત છોડાઇ રહેલાં પાણીના કારણે પુન: પૂર સર્જાયું છે. ત્યારે છેલ્લાં ચાર દિવસથી શહેરના દાંડિયાબજાર, ફૂરજા, ચાર રસ્તા, દત્તમંદિર, ગાંધી બજાર સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયેલાં છે. નર્મદાનું જળસ્તર ઘટતું ન હોવાને કારણે હવે લોકોના માથે ચિંતાની લકીર ઉપસી આવી છે. પૂરને પગલે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે.

બારેમાસ ધમધમતાં બજાર પાણી ભરાતાં સૂમસામ બન્યાં
શહેરના ફૂરજા, ગાંધીબજાર, ચાર રસ્તા, દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં આવેલી જૂની દુકાનો પર ખરીદી માટે રોજ બજાર ભરાતાં હોય છે. સાંજના સમયે લોકોથી ધમધમતાં આ વિસ્તારોમાં હાલમાં પાણી ભરાઇ ગયાં હોઇ સુમસામ બની ગયાં છે. દુકાનોમાં અને મકાનોમાં પાણી ભરાતાં વેપારીઓને મોટું નુકશાન થયું હોવાનું અનુમાન છે.

ચાર દિવસથી પાણી ભરાતાં માથું ફાટે તેવી દુર્ગંધ
છેલ્લાં ચાર દિવસથી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઇ રહેતાં તેમાં સર્જાયેલી ગંદકીના કારણે હવે લોકો માથું ફાડી નાંખે તેવી દુર્ગંધનો સામનો કરવા મજબુર બન્યાં છે. પાણીનો નિકાલ ન થઇ રહ્યો હોવાને કારણે વિસ્તારમા ચારેય તરફ પાણીમાં કચરો તરતો જોવા મળી રહ્યો છે.

પાણીના ભરાવાના પગલે રોગચાળો ફાટવાની દહેશત
ભરૂચના નિચાણવાળા વિસ્તારોમાં ભરાયેલાં પૂરના પાણીના કારણે હવે રોગચાળો ફાટે તેવી દહેશત સ્થાનિકોમાં ફેલાઇ છે. પૂરના પાણીમાં કચરો તરતો હોવાના દ્રશ્યો ચારેય તરફ જોવા મળી રહ્યાં છે. ત્યારે સંગ્રહાયેલાં પાણીમાં ગંદકીના કારણે લોકોના આરોગ્યને અસર પડે અને વિસ્તારમાં રોગચાળો ફાટે તેવી ભિતી સેવાઇ રહી છે.

પ્રશાસનની નિષ્ક્રિયતાનો ભોગ લોકો બની રહ્યાં છે
પ્રશાસન દ્વારા કોઇ મુલાકાત લીધી નથી. જે લોકોના ઘરમાં પાણી ભરાયાં છે. તેમની હાલત દયનિય છે. પ્રશાસન દ્વારા તેઓની મદદ માટે બોટ સહિતની સુવિધા કરવી જોઇએ. લોકોને હાલમાં રોજીંદી જરૂરિયાતની સામગ્રીઓની કમી નડી રહી છે. ત્યારે તંત્રએ તેમના કોઇ ચોક્કસ પગલાં ભરવા જોઇએ. - યુસુફ મલીક, કોર્પોરેટર, વોર્ડ નં. 10

નાવડીવાળા 10થી 20 રૂપિયા લે છે
છેલ્લાં ચાર દિવસથી અમારા ફૂરજા ચાર રસ્તા બરકતવાડ વિસ્તારમાં પૂરના પાણી ભરાયાં છે. દુધ-શાકભાજી સહિતની રોજિંદી જરૂરીયાતનો સામાન મળતો નથી. વિસ્તારમાં ભરાયેલાં પાણીમાં ગંદકી હોઇ ના છુટકે નાવડીનો સહારો લેવો પડે છે. ત્યારે તેઓ પણ અમારી પાસેથી આવવા- જવાના 10થી 20 રૂપિયા લે છે. - લિયાકત મસાલાવાળા, બરકતવાડ

અમારાં 50થી વધુ ઝૂપડા પાણીમાં ગરકાવ છે
અમારા વિસ્તારમાં 50થી વધુ ઝૂપડાઓમાં રહેતાં પરિવારો પૂરના પાણીથી પ્રભાવિત થયાં છે. આવવા જવા માટે અમારી પાસે માર્ગ ન હોઇ ખાવાની સામગ્રી માટે લોકો વલખાં મારી રહ્યાં છે. કેટલીંક સેવાભાવી સંસ્થાઓ ભોજન આપી જાય છે. જોકે પ્રશાસન દ્વારા હજી સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. - રાહૂલ વસાવા, દત્તમંદિર પાસે

X
દાંડિયા બજાર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા જનજીવનને અસર પડી હતીદાંડિયા બજાર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા જનજીવનને અસર પડી હતી
નર્મદા નદી તેની ભયજનક સપાટીથી 8 ફૂટ ઉપરથી વહેતા કસક ઝુપડપટ્ટી વિસ્તારમાં પાણી પ્રવેશ્યાનર્મદા નદી તેની ભયજનક સપાટીથી 8 ફૂટ ઉપરથી વહેતા કસક ઝુપડપટ્ટી વિસ્તારમાં પાણી પ્રવેશ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી