ગામ વિકાસ માટે NRI જેટલું જ દાન સરકાર આપશે, મહિલા ઉત્કર્ષ જૂથનું 1 લાખ સુધી ધિરાણનું વ્યાજ સરકાર ભરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટ 2020-21માં અનેક પ્રજાલક્ષી નવી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં મધ્યમ વર્ગ, ગ્રામીણ વિસ્તાર, ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને આવરી લીધા છે. ખેડૂતોને માલ વહન કરવા માટે થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને નીતિન પટેલે ભારત સરકારની જેમ જ કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરી છે. જેમાં પ્રાથમિક તબક્કે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નવી યોજનાઓ
>> ખેડૂતો દિનકર યોજન

ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂરી કરવા દિવસ દરમિયાન વીજ પૂરવઠો પૂરો પાડવા માટે નવી દિનકર યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદૃઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા 3500 કરોડનું આયોજન છે. આ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી.
>> ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજના
આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક 900 એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા સહાય આપવામાં આવશે. આ યોજનામાં 50 હજાર ખેડૂતોને આવરી લઇને 50 કરોડની જોગવાઈ કરવામાં આવી. 
>> કિસાન પરિવહન યોજના
આ યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 50 હજારથી 75 હજાર સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે 5 હજાર ખેડૂતોને લાભ આપવા 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી. 

>> પશુદાણ સહાય યોજના
આ યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમિયાન એક માટે કુલ 150 કિલોગ્રામ પશુદાણની ખરીદી પર 50 ટકા રકમની સહાય આપવામાં આવશે.  રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત 15 લાખ સભાસદ પશુપાલકોને આ યોજનો લાભ મળશે. આ માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. 
>> પાંજરાપોળ માટે નવી યોજનાની જાહેરાત
આ યોજના હેઠળ રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન, પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઇક્રો ઇરીગેશન, ર્સ્પ્રીકર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ અપાશે. આ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી. 
>> લારીવાળાને મોટી સાઈઝની છત્રી
રોડની સાઈડમાં કે ખુલ્લી જગ્યામાં ઉભા રહીને ફળફળાદી, શાકભાજી વગેરેનું વેચાણ કરે છે. તેવા નાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતા ફળફળાદી, શાકભાજી બગડી ન જાય એ માટે મોટી સાઈઝની છત્રી આપવામાં આવશે. આ માટે 65 હજાર છૂટક વેચાણકારો માટે 8 કરોડની જોગવાઈ કરવામાં આવી. 
>> માછીમારોને એન્જીન ખરીદીમાં સહાય
પરંપરાગત રીતે માછીમારી કરતા નાના માછીમારોને એન્જિનની ખરીદીમાં સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત દરિયાઇ ફીશીંગ બોટ, 2 સ્ટ્રોક, 4 સ્ટ્રોક આઇબીએમ અને ઓબીએમ એન્જિન ખરીદવા માટે યુનિટ કોસ્ટ રૂપિયા 1.20 લાખના 50 ટકા સહાય આપવામાં આવશે. આ માટે 9 કરોડની જોગવાઈ કરવામાં આવી. 
>> સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના
રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા સ્કૂલ ઓફ એક્સલન્સ યોજનાની જાહેરાત કરવામાં આવી. આ યોજના હેઠળ રાજ્યની 500 શાળાઓને વિકસાવવામાં આવશે. તાલુકાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને આ સ્કૂલમાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે. આવી શાળાઓમાં તમામ અદ્યતન માળખાકીય સુવિધાઓ, સ્માર ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમલેબ અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી. 

>> નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ
એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે 180 કરોડના ખર્ચે 600 પથારીની નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી. આ હોસ્પિટલ માટે ચાલુ વર્ષે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી. તેમજ 10 હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી. 
>> પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર
પોષણ અભિયાન અંતર્ગત 100 ટકા સુપોષિત આંગણવાડીની સિદ્ધઇ હાંસલ કરનાર પાયાના કર્મચારીઓને પોષણ ત્રિવેણી પોત્સાહન પુરસ્કાર યોજનાની જાહેરાત કરવામાં આવી. જે અંતર્ગત આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે 12 હજાર અને 6 હજાર તેમજ પોતાના કાર્યક્ષેત્રની તમામ આંગણવાડીને સુપોષિત કરનાર પ્રત્યેક આશા વર્કર અને એ.એન.એમને 12 હજારનો પુરસ્કાર આપવામાં આવશે. આ માટે 8 કરોડની જોગવાઈ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાના 1500 અગરિયા કુટુંબો માટે રણ આંગણવાડી શરૂ કરવામાં આવશે. 

>> માદરે વતન યોજના
આ યોજના હેઠળ ગામમાં શાળા, શાળાના રૂમ, સ્માર્ટ ક્લાસ, આંગણવાડી, સ્મશાન, દવાખાનું, રસ્તા, પીવાના પાણીની ટાંકી, ગામ તળાવ, ગટર વ્યવસ્થા, સામૂહિક શૌચાલય, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર વગેરે જેવી સુવિધાઓ વિકસાવવા માટે દાતાશ્રી દ્વારા આપવામાં આવતા દાનની રકમ જેટલી જ મેચિંગ રકમ રાજ્ય સરકાર દ્વારા ઉમેરવામાં આવશે. આ માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી.
>> મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના
આ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ, મહિલા ઉત્કર્ષ જૂથ બનાવી 1 લાખ સુધીનું ધિરાણ મેળવે તો તેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય સરકાર દ્વારા સીધે સીધું બેન્કોને આપવામાં આવશે. આ યોજના હેઠળ વ્યાજ સહાય આપવા કુલ 193 કરોડની જોગવાઈ કરવામાં આવી. 

>> મુખ્યમંત્રી ગ્રામ્ય સ્વનિર્ભર યોજના
આ યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની બહેનોને અનાજ અને મસાલા દળવાની ઘંટી ખરીદવા માટે સહાય આપવામાં આવશે. આ માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી. 
>> શ્રમિકોને મુસાફરી સહાય યોજના
આ યોજના હેઠળ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે 1,20 લાખ બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવામાં આવશે. આ સહાય માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી. 
>> મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૂતિ સહાય
મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્થા દરમિયાન છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ એમ કુલ ચાર માસ સુધી માસિક 5 હજારની સહાય આપવામાં આવશે. આમ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૂતિ સહાય પેટે કુલ 27,500 આપવામાં આવશે. આ માટે 6 કરોડની જોગવાઈ કરવામાં આવી. 

અન્ય સમાચારો પણ છે...