રાજકોટ / સેરેબ્રલ પાલ્સી પીડિત બાળકોને પગભર કરવાનો પુરુષાર્થ, 15 વર્ષમા 2.10 લાખથી વધુ બાળકોની નિ:શુલ્ક સારવાર

સેરેબ્રલ પાલ્સીના ભોગ બનેલા બાળકોને તાલીમ આપી રહેલા શિક્ષક
સેરેબ્રલ પાલ્સીના ભોગ બનેલા બાળકોને તાલીમ આપી રહેલા શિક્ષક

  • દિવ્યાંગ બાળકો જે પોતાની જાતને યોગ્ય રીતે વ્યક્ત પણ નથી કરી શકતા તેમને શીખવાય છે કમ્પ્યુટર

Divyabhaskar.com

Nov 29, 2019, 11:44 PM IST

રાજકોટઃ સેરેબ્રલ પાલ્સી(મગજના લકવા)ને કારણે જન્મથી જ માનસિક અને શારીરિક વિકલાંગતાને વેઠતા બાળકો આ કુદરતના અભિશાપથી ઉગરીને સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે તેમને કમ્પ્યુટર શીખવવાનો પ્રોજેક્ટ રાજકોટમાં શરૂ કરાયો છે. અહીંના રામકૃષ્ણ આશ્રમમા સેરિબ્રલ પાલ્સી રીહેબિલિટેશન સેન્ટરમાં હાથ ધરાયેલા આ અનોખા પ્રયોગે શારીરિક અને માનસિક પંગુતાને નાથવા માટે સંઘર્ષ કરી રહેલા દિવ્યાંગો અને તેમના પરિવારમાં પણ અનેરી આશાનો સંચાર કરાવ્યો છે. અહીં ‘મા શારદા સીપી રીહેબિલિટેશન સેન્ટર’માં નિશુ:લ્ક સેવા ઉપલબ્ધ છે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી કહે છે કે, ‘સમાજમાં આવા બાળકોને અલગ દ્રષ્ટી જોવાતા હોય છે જે યોગ્ય નથી. તેમનામાં પણ અનેક ક્ષમતાઓ સમાયેલી હોય છે જેને ખીલવવાની જરૂર છે. જે માટે આ પ્રોજેક્ટ રાજ્યભરમાં આ દિવ્યાંગો માટે એક આશાનું કિરણ બની રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. છેલ્લા 15 વર્ષમાં અહી 2,10,803 દિવ્યાંગોને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે.

ખાસ પ્રકારના માઉસ અને કી બોર્ડ વિકસાવાયા
સેરેબ્રલ પાલ્સીગ્રસ્ત તમામ બાળકો માટે ફક્ત ફિઝિયોથેરાપી પૂરતી નથી. અહીં અમે તેમને ઓક્યુપેશનલ થેરાપી પણ આપીએ છીએ. બાળક હાથે જમે, કપડા પહેરે રોજિંદી ક્રિયાઓ કરી શકે તે માટે તેને ઓક્યુપેશનલ થેરાપી જરૂરી છે. એક વિચાર કર્યો કે આ બાળકો મોટા થઇને કોઇ પર ભારરૂપ બનવાને બદલે પોતે જ કંઇક કરી શકે જેથી તેમને જીવવાનો એક મકસદ મળે. જેના ભાગરૂપે તેમને શિક્ષિત બનાવવા ઉપરાંત કમ્ય્યુટર ટ્રેનિંગ અમલી બનાવાઇ છે. જે બાળકોને ફિંગર મૂવમેન્ટમાં મુશ્કેલી પડે તેમના માટે ખાસ પ્રકારના માઉસ તૈયાર કરાવાય છે . આ ઉપરાંત જે બાળકોની દ્રષ્ટી ધુંધળી છે તેઓ માટેના કીબોર્ડમાં પીળા રંગના લેટર્સનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સળંગ આલ્ફાબેટ્સવાળા ખાસ કી બોર્ડ તૈયાર કરાવાય છે. સેરેબલ પાલ્સીગ્રસ્ત બાળકોમાં પણ અનેક ટેલેન્ટ વિકસતી જોવા મળી છે. જેમા નિમિત કિકાણી સારું ગાઇ શકે છે. ઉત્તમ વોરા સારા તબલા વગાડી શકે છે. વૃંદા જે 9માં ધોરણમાં અભ્યાસ કરે છે તે કવિતા રચી શકે છે. આત્મન લાલકિયા તો રેડીયો પર પણ કાર્યક્રમો આપે છે. - હિરલ ગણાત્રા, ફિઝિયોથેરાપિસ્ટ

ગરીબ પરિવારો માટે આશાનું કિરણ
સેરેબ્રલ પાલ્સીની સારવાર ખાનગી હોસ્પિટલમાં બહુ જ મોંઘી પુરવાર થતી હોય છે. જેને કારણે અનેક પરિવારોની દશા કફોડી બને છે. સામાન્ય રીતે 4 જેટલી રોજીંદી થેરાપીના કિસ્સામાં પ્રતિ માસ રૂા. 30 હજારનો ખર્ચ થતો હોય છે. જેથી સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોની સ્થિતિ કફોડી ન બને તે માટે સેન્ટરનો પ્રારંભ કરાયો હતો.

X
સેરેબ્રલ પાલ્સીના ભોગ બનેલા બાળકોને તાલીમ આપી રહેલા શિક્ષકસેરેબ્રલ પાલ્સીના ભોગ બનેલા બાળકોને તાલીમ આપી રહેલા શિક્ષક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી