અમદાવાદ / સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવવાનો મામલો, એક જેલરની બદલી એક સસ્પેન્ડ

સાબરમતી જેલની ફાઈલ તસવીર
સાબરમતી જેલની ફાઈલ તસવીર

  • ખંડણીખોર વિશાલની બેરેક બદલી જેલના હાઈ સિક્યુરિટી ઝોનમાં મૂકી દેવાયો

Divyabhaskar.com

Jan 17, 2020, 06:13 AM IST

અમદાવાદ: સાબરમતી જેલમાંથી ખંડણીનું રેકેટ ચલાવનાર વિશાલ ગોસ્વામીને આખરે હાઈ સિક્યુરિટી ઝોનમાં મૂકી દેવામાં આવ્યો. જેલમાં બેઠા બેઠા રેકેટનો પર્દાફાશ થતાં જેલ સ્ટાફની સંડોવણી પણ ખૂલતાં જેલર એચ.આર. વાઘેલાને સસ્પેન્ડ કરાયા, જ્યારે ગ્રૂપ-1ના સિનિયર જેલર બી.આર. વાઘેલાની બદલી કરી દેવામાં આવી છે.
જેલમાંથી ઓપરેટ થતા ઓર્ગેનાઈઝડ ક્રાઈમનો પર્દાફાશ થતા આ મામલે જેલ આઈજી ડો.કે.એલ.એન.રાવે તપાસનો આદેશ આપ્યો હતો. તપાસમાં ગ્રૂપ-1ના સિનિયર જેલર બી.આર. વાઘેલા અને એચ.આર.વાઘેલાની બેદરકારી હોવાનું બહાર આવ્યું હતું. આ બેદરકારીને કારણે જ વિશાલ ગોસ્વામી જેલમાંથી મોબાઈલનો ઉપયોગ કરીને ખંડણીનું રેકેટ ચલાવતો હતો. જેને પગલે બંને અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જેલની સુરક્ષાનો હવાલો પણ નાયબ પોલીસ અધિક્ષક બી.વી. રાણાને સોંપી દેવામાં આવ્યો છે. હજુ પણ જેલ સ્ટાફ સામે તપાસ કરવામાં આવી રહી છે.
જેલમાં તપાસ માટે SITની રચના
જેલમાંથી મોબાઈલ મળી આવવા મામલે વધુ તપાસ માટે જેલ આઈજી ડો.કે.એલ.એન.રાવના આદેશને પગલે ડીઆઈજી એસ.કે.ગઢવીની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે જેમાં એસપી મહેશ નાયક સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તપાસ કરશે. આ અંગે ક્રાઈમ બ્રાંચ પાસેથી પણ જેલ સત્તાવાળાઓએ માહિતી માંગી છે. રાજ્યની જેલોના વડા ડો. કે. એલ.એન. રાવે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જેલમાંથી ખંડણીના નેટવર્કના સમગ્ર બાબતે DIGને તપાસ સોપવામાં આવી છે.

શું છે મામલો
હત્યા, ખંડણી સહિતના 51 ગુના કરી ચૂકેલા અને હાલ સાબરમતી જેલમાં રહેલા વિશાલ ગોસ્વામીએ જવેલર્સને તેની પત્નીનું લોકેશન કહી હત્યાની ધમકી આપી 5 કરોડની ખંડણી માંગી હતી. આ પછી તે જવેલર્સ પોતાની કાર લઈને નીકળ્યા હતા ત્યારે વિશાલના બે સાગરિતોએ સૂમસામ રસ્તે તેમની કારની વચ્ચે બાઈક ઉભું રાખી દઈ અટકાવી બંદૂક તાણી હતી. આ જોયા બાદ તરત જ્વેલર્સ કાર લઈને ટ્રાફિકવાળા રસ્તે પહોંચી જતાં તે વખતે તેઓ બચી ગયા હતા. આ પછી તેમણે નવેમ્બરમાં ક્રાઈમબ્રાંચને અરજી આપી હતી. ત્રણ માસમાં પીઆઈ કે.જી.ચૌધરી સહિતની ટીમોએ 300 કોલ્સનું સર્વેલન્સ કરી વિશાલ ગોસ્વામીના વોટ્સએપ-VOIP એપથી ચાલતાં ખંડણીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં વિશાલ અને તેની ગેંગના અજય ઉર્ફે આશુતોષ ઉર્ફે અભય ગોસ્વામી, તથા રીન્કુ ઉર્ફે રાજ ઉર્ફે રાજવીર ઉર્ફે રામવીર ઉર્ફે રાજેશ ગોસ્વામી, જયપુરી રવિન્દ્રપુરી ગોસ્વામી, સુરજ પ્રિતમપુરી ગોસ્વામીની સંડોવણી બહાર આવી હતી. હાલ તમામ આરોપી 10 દિવસના રિમાન્ડ પર છે.

X
સાબરમતી જેલની ફાઈલ તસવીરસાબરમતી જેલની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી