ગુજરાત / વન વિભાગના નિષ્ણાતોનો મત- ‘ચોટીલા સિંહનું કાયમી નિવાસસ્થાન બની શકે છે’

  • ઘાસની વીડી અને નીલગાયની સંખ્યા વધુ હોવાથી સિંહને અનુકુળ: વન વિભાગ

Divyabhaskar.com

Dec 19, 2019, 02:02 PM IST
ગાંધીનગર: ગુજરાતમાં સિંહોના કાયમી વસવાટમાં નવું એક સરનામું ચોટીલા વિસ્તાર ઉમેરાઇ શકે છે. છેલ્લા એક મહિનાથી ચોટીલા આસપાસના 50 કિલોમીટર વિસ્તારમાં સિંહ યુગલ સ્થાયી થયેલું જોવા મળે છે. જેની દરેક મૂવમેન્ટના અભ્યાસ બાદ હવે વન વિભાગના નિષ્ણાતો એવા મત ઉપર આવ્યા છે કે આ વિસ્તાર સિંહોના કાયમી વસવાટ માટે અનુકુળ છે અને આગામી સમયમાં સિંહનો સમૂહ અહીં વસવાટ કરશે.
સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતા એશિયાઇ સિંહની વસતી છેલ્લા કેટલાક વર્ષોમાં વધી છે જેને કારણે સિંહો ગીર જંગલ વિસ્તારની બહાર પણ વસવાટ કરી રહ્યા છે. હાલ ગીર આસપાસના પાંચ જેટલા જિલ્લાઓના મહેસૂલી વિસ્તારમાં પણ સિંહો જોવા મળે છે ત્યારે હવે દોઢસો કિલોમીટર દૂર ચોટીલા પાસે પણ સિંહની હાજરી જણાઇ છે. છેલ્લા એક મહિનાથી અહીં નર અને માદા સિંહ ફરી રહ્યા છે. આ સિંહ યુગલની મૂવમેન્ટ 50 કિલોમીટરના વિસ્તારમાં જોવા મળી છે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે સિંહ થોડા સમયમાં પરત જતા રહે તેવી શક્યતા છે પરંતુ છેલ્લા એક મહિનાથી સિંહ યુગલ આ વિસ્તારમાં સ્થાયી થયા છે અને તેમની મૂવમેન્ટના અભ્યાસ પરથી વન વિભાગ હવે એવા તારણ ઉપર આવ્યો છે કે સિંહનો અહીં કાયમી વસવાટ થઇ શકે છે.
ચોટીલા આસપાસનો વિસ્તાર સિંહ માટે અનુકુળ-વન વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક
વન મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે સિંહ વિસ્તારવાદી હોવાથી અને ગીરમાં સિંહોની વસ્તીમાં વધારો થયો હોવાથી તેમનો વ્યાપ વધ્યો છે. વન વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક રામ કુમારે જણાવ્યું કે ચોટીલા આસપાસનો વિસ્તાર સિંહ માટે અનુકુળ છે. અહીં ઘાસની વીડી છે. નીલગાય અને અન્ય તૃણાહારી પ્રાણીઓ પણ હોવાથી તેમને ખોરાક પણ મળી રહે છે. નર અને માદા બંને સાથે હોવાથી ભવિષ્યમાં અહીં સિંહના એક સમૂહનો વસવાટ
શક્ય છે.
સિંહની વસતી ગણતરી 4 દિવસમાં પૂર્ણ કરાશે
રાજ્યના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસતી ગણતરી કરાય છે. હવે આગામી 2020ના મે મહિનામાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે. આ વખતે જીપીએસ ટ્રેકીંગ સિસ્ટમ અને સીસીટીવી કેમેરા સહિતની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. બે હજાર જેટલા કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના યુવાનો દ્વારા માત્ર ચાર દિવસમાં વસતી ગણતરીની કામગીરી પૂર્ણ કરાશે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી