ફોરમ પટેલ, અમદાવાદ: આપણને સૌને ખબર છે કે, એક દિવસ તો એવો આવશે જ કે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભંડાર આ દુનિયામાં ખૂટી જવાના છે. ભવિષ્યનો વિચાર કરીને ઘણી કંપનીઓએ વાહનમાં ઈંધણ માટે બીજો વિકલ્પ શોધવાનું શરુ કરી દીધું છે. આપણા દેશમાં પણ ઘણી મોટી કંપનીઓએ ઇલેક્ટ્રિક વાહનો બનાવવાના શ્રીગણેશ કર્યા છે. અમદાવાદના યુવકની પણ 7 વર્ષની મહેનત રંગ લાવી છે. 27 વર્ષીય રાહુલ ગોન્ઝાલવીસે ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવ્યું છે. રાહુલે પોતાની આ સ્પેશિયલ ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે દિવ્ય ભાસ્કર સાથે વાત કરીને તેની ખાસિયત જણાવી છે.
બેટરીને કારણે આ સ્કૂટર ખાસ છે
રાહુલનું સ્કૂટર એટલા માટે ખાસ છે કારણ કે, તેણે લિથિયમ આયન બેટરીનો સ્કૂટરમાં ઉપયોગ કર્યો છે જે ભારતમાં જ બનાવેલી છે. રાહુલ એન્જિનિયરિંગનો ડ્રોપ આઉટ સ્ટુડન્ટ છે. એન્જિનિયરિંગ છોડ્યા પછી ભાવનગરમાં કે. પી. ઈ. એસ કોલેજમાંથી બીબીએનો અભ્યાસ કર્યો અને એ પછી આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં એમબીએનો અભ્યાસ કર્યો છે.
રાહુલે સ્પ્લેન્ડર બાઈકને ઇલેક્ટ્રિક બાઈકમાં ફેરવ્યું હતું
રાહુલને પહેલેથી જ કંઈક નવી વસ્તુ કે જેનાથી દેશની સમસ્યાનું સોલ્યુશન લાવી શકાય તે બનાવવામાં રસ હતો. તેણે ઇલેક્ટ્રિક વાહન બનાવવાનું વિચાર્યું અને કોઈની પણ મદદ લીધા વગર પોતાના સ્પ્લેન્ડર બાઈકને જ ઇલેક્ટ્રિક બાઈકમાં ફેરવ્યું. આ જોઈને તેનો આત્મવિશ્વાસ વધ્યો અને વર્ષ 2017માં ડાર્વિન નામના સ્ટાર્ટઅપની સ્થાપના કરી. એક વ્યક્તિએ શરુ કરેલા સ્ટાર્ટઅપમાં આજે 14 યંગ લોકોનો સ્ટાફ છે.
સ્કૂટર 40 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જાય છે
ઇલેક્ટ્રિક સ્કૂટર દેખાવમાં ઘણું આકર્ષક છે. રાહુલે હાલ આ સ્કૂટર પર્સનલ યુઝને ધ્યાનમાં રાખીને નહીં પણ જે કંપનીઓને ડિલિવરી કરવા માટે વાહનની જરૂર પડે છે, તેને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. રાહુલે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમારું સ્કૂટર ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ માટે ફાયદાકારક છે. ઇલેક્ટ્રિક સ્કૂટરની હાઈએસ્ટ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. 40 મિનિટમાં આ સ્કૂટર ફુલ ચાર્જ થઈ જાય છે. સિમ્પલ ડિઝાઇન ધરાવતું આ ઇલેક્ટ્રિક સ્કૂટર 90 કિલો વજન ઉપાડી શકે છે. એક વખત ફુલ ચાર્જ થઈ ગયા પછી રોડ પર યુઝર તેને 70 કિલોમીટર સુધી આરામથી ચલાવી શકે છે. કિંમતની વાત કરીએ તો કંપની મહિનાના 3000 રૂપિયાની લીઝ પર તેમનું સ્કૂટર આપે છે.
દેશભરના 831 સ્પર્ધકોને હરાવીને રાહુલ 5 લાખ રૂપિયાનું ઈનામ જીત્યો
રાહુલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર મહિનામાં એનર્જી એફિસિયન્સી સર્વિસ લિમિટેડે આ વર્ષે એન્યુઅલ ઈનોવેશન ચેલેન્જ સ્પર્ધા રાખી હતી. આ કોમ્પિટિશનમાં દેશના 831 સ્પર્ધકોએ ઇલેક્ટ્રિક વાહનની ડિઝાઇન બતાવી હતી. ગૌરવની વાત છે કે, કોમ્પિટિશનનો વિજેતા ડાર્વિન સ્ટાર્ટઅપનો સીઈઓ અને ફાઉન્ડર એટલે કે હું બન્યો. મને 5 લાખ રૂપિયાનો ચેક ઈનામ રૂપે મળ્યો છે. એટલું જ નહીં પણ કેન્દ્ર સરકાર તરફથી રાહુલને 25 હજાર ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવવાનો ઓર્ડર પણ મળ્યો છે.
નેકસ્ટ પ્લાન
માર્ચ 2020 સુધીમાં રાહુલનું સ્ટાર્ટઅપ ડાર્વિન અમદાવાદ, બેંગાલુરુ, દિલ્હી, મુંબઈ અને પૂનાની ડિલિવરી કંપની ઉપરાંત પર્સનલ યુઝ માટે કસ્ટમરનો ઓર્ડર લેવા એકદમ તૈયાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.