સુરત આગ / જોખમી એલિવેશન માટે સ્પેશિયલ રજિસ્ટ્રેશન થશે: મ્યુનિ. કમિશનર

રઘુવીર સિલિયમ માર્કેટની પહેલા અને આગ સમયની તસવીર, બિલ્ડીંગને આકર્ષક બનાવવા એલિવેશન બનાવ્યું હતું

  • રઘુવીર સિલિયમ માર્કેટની  બિલ્ડિંગનો આશરે 50 ટકા ભાગ એલિવેશનથી કવર હતો
  • આગને કાબૂમાં લેવાની કામગીરી બદલ પાલિકા માર્કેટના સંચાલકો પાસેથી ચાર્જ વસૂલશે
  • એલિવેશન અવગણીને મનપાએ ફાયર NOC આપી દીધી હતી અને હવે તપાસ કરશે

Divyabhaskar.com

Jan 23, 2020, 02:37 AM IST

સુરતઃ તક્ષશિલા હોનારત પછી આવા અકસ્માતો ન થાય તેની તકેદારી રાખવામાં પાલિકાએ ફરી લાપરવાહી દાખવી છે. ફાયર ફાયટિંગ સમયે રઘુવીર સિલિયમનું એલિવેશન યોગ્ય ન હોવા છતાં પાલિકાએ જ બિલ્ડિંગને એનઓસી આપી દીધી હતી. હવે જ્યારે મોટી હોનારત થઇ ત્યારે એ જ પાલિકાએ તપાસના આદેશ આપ્યા છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નહિં બને તે માટે સુડા ભવનમાં મ્યુ.કમિશનર બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં બિલ્ડર્સ, આર્કિટેક, ડેવલોપર્સ, એન્જીનિયરો, ટેકસટાઈલ ઓનર્સ એસોસીએશન સાથે બેઠક મળી હતી. જેમાં કમિશનરે માર્કેટોમાં આકર્ષિત દેખાડવા બિલ્ડીંગના ફ્રન્ટ ભાગમાં કરવામાં આવતા જોખમી ફસાડને મહત્વ ન આપવા સૂચના આપી તેમજ હવે ફસાડ માટે સ્પેશિયલ રજિસ્ટ્રેશન કરાશે એમ કમિશનરે જણાવ્યું હતું.

30 દિવસમાં ખામીઓ દૂર કરવા સૂચના
બેઠકમાં મ્યુ.કમિશનરે બિલ્ડીંગમાં ફસાડને બહુ મહત્વ ન આપવા જણાવ્યું હતું. ફસાડ ઓપનેબલ હોવા સાથે વેન્ટિલેશન વગરના ન હોવા જોઈએ. ફસાડનું મટિરિયલ્સ નોન કોમ્પોસિબલમાં ના હોય તો તેને મંજુરી આપવામાં આવશે નહિં એવું કમિશનરે સપષ્ટ કહી દીધું હતું. કમિશનરે જણાવ્યું કે જે બિલ્ડિંગ હાઈરીસ્ક અને હાઈરાઇઝ કેટેગરીમાં આવતી હોય તે તમામ બિલ્ડિંગમાં ફાયર સેફટીની ખામી કે કોઈ અન્ય ખામી જોવા માટે 30 દિવસની અંદર ટાઉન પ્લાનીંગ ડિપાર્ટમેન્ટ, કન્સલ્ટ આર્કિટેક્ચર, ફાયર ડીપાર્ટમેન્ટને એક બેઠક કરી તમામ ખામીઓ ચેક કરી ખામીઓ દુર કરવા સૂચના આપી છે. માર્કેટોમાં ફાયરની સુવિધાનું યોગ્ય અમલીકરણ થવું જોઇએ.

ફાયર સેફ્ટીના જાણકારને નિમણુંક કરવા સુચન કરાયું
માર્કેટોમાં ફાયર સેફટી મામલે ગંભીરતાથી ચર્ચા થઇ હતી. ખાસ કરીને હાઇરાઈઝ બિલ્ડીંગ ના કર્મચારી, વોચમેન તથા તમામ લોકોને ફાયર સેફટીની જાણકારી હોવી જોઈએ. તેમજ ફાયર સેફટી વિશે જાણકાર એક વ્યક્તિની પણ નિમણુંક કરવી જોઈએ અને સમયાંતરે ફાયર સેફટી સુવિધા ની ચકાસણી કરવી જોઈએ. હાઈરાઇઝ બિલ્ડિંગનું ફાયર સેફટી નોર્મ્સ નેશનલ બિલ્ડિંગ કોર્ડ મુજબ કરવામાં આવે તે માટે જરૂરી કાર્યવાહી કરવા કમિશનરે સૂચના આપી હતી.

પ્લાન પાસ કરતી વખતે ઇલેકટ્રીક અને ફાયર પર્સનનો રેકોર્ડ નોંધાશે
સુરત:જે નવા બિલ્ડિંગ નો પ્લાન પાસ કરવામાં આવે તે બિલ્ડિંગ ના ઈલેકટ્રીક પર્સન અને ફાયર કન્સલ્ટન્ટ ના તમામ રેકોર્ડ નોંધવામાં આવશે તેમજ ફસાડ માટે પર્સનલ રેકર્ડ નોંધવામાં આવશે એમ કમિશનરે જણાવ્યું હતું.

એલિવેશનના કારણે પાણી માર્કેટમાં આગ સુધી પહોંચતું નહતું

કુંભારીયા ચાર રસ્તા પાસે આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગે એલિવેશનના કારણે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. રઘુવીર સિલિયમ માર્કેટનો આશરે બિલ્ડિંગનો 50 ટકા ભાગ એલિવેશનથી કવર હતો. તેમાં વિવિધ રંગની અને ડિઝાઈનની લાઈટિંગ કરવામાં આવી છે. જેથી લોકો માર્કેટ તરફ આકર્ષાય અને તેના કારણે આગ વધી અને ફાયર બ્રિગેડ જે પાણીનો છંટકાવ કરતું હતું તે પાણી માર્કેટમાં આગ સુધી પહોંચતું નહતું. પાણી બધુ બહાર પડતું હતું.

બિલ્ડીંગને સીલ કરવા માટે સૂચના

ઘટનાને 20 કલાકથી વધુ સમય થયા છતાં આગ પર કાબૂ મેળવી નહીં શકાતાં વેપારીઓનું કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. બિલ્ડિંગની પ્રથમ વીંગ ભસ્મીભૂત થઈ છે, ત્યારે પાલિકાએ બિલ્ડીંગની બીયુસી રદ્દ કરી છે, તેમજ આગ બૂઝાયા બાદ બિલ્ડીંગને સીલ કરવાની કામગીરી માટે સૂચના આપી દીધી છે.

2016માં પ્લાન મંજૂર થયો, 2018માં બીયુસી મળી

રઘુવીર સિલિયમ સેન્ટર માર્કેટના બાંધકામનો લોઅર બેઝમેન્ટ તથા અપર બેઝમેન્ટ સાથે ગ્રાઉન્ડ ફલોર વત્તા 9 માળનો પ્લાન સુડામાં 10 જૂન 2016માં મંજૂર કરાયો હતો. આર્કિટેક્ટ ભાવદિપ હિરાની છે. જ્યારે બિલ્ડર રઘુવીર ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સના હિતેશ ભાનુ પોકિંયા છે. બીયુસી 29 ઓક્ટોબર 2018ના રોજ જ આપવામાં આવ્યું હતું. મંજૂર પ્લાન મુજબ જ હાલમાં બાંધકામ હોવાનું સુડાના સીઇઓ ચંદ્રકાંત નીનાએ જણાવ્યું હતું.

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે

શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે માર્કેટના ત્રણ ભાગમાં આગ લાગી હોવાથી બીજુ પણ કારણ હોઇ શકે જેની તપાસ કરવામાં આવશે. આગ કાબૂમાં આવ્યા બાદ અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર આગની ઘટનાને લઇ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેવું પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

માર્કેટના સંચાલકો પાસેથી ચાર્જ વસૂલાશે

રઘુવીર સિલિયમ માર્કેટમાં આગ બુઝાવવા માટે બ્રિગેડ કોલ જાહેર કરવા સાથે દક્ષિણ ગુજરાતના અન્ય ગામોમાંથી પણ ફાયરની ટીમની મદદ લીધી હતી. આવી મોટી દુર્ઘટના બાદ પાલિકા જે બિલ્ડીંગમાં આગ લાગી હોય તેની પાસે ફાયરનો ચાર્જ વસૂલે છે. આ પહેલાં પાલિકાએ સુડાની હદમાં આવેલી લેન્ડમાર્ક માર્કેટ પાસેથી ફાયરનો ચાર્જ વસૂલ્યો હતો. હાલ રઘુવીર સિલિયમ માર્કેટમાં આગ લાગી હોવાથી તેની કામગીરી બદલ પાલિકા માર્કેટના સંચાલકો પાસેથી ચાર્જ વસૂલશે તેવું પાલિકા કમિશનરે સ્પષ્ટ કર્યું હતું.

ફાયર સેફ્ટીની ઉપેક્ષા, બિલ્ડિંગમાં લાકડાનાં પગથિયાં બનાવ્યા હતા

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, 13 દિવસ પહેલાં પણ રધુવીર માર્કેટમાં આગ લાગી હતી. ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે દિવસ પહેલાં જ રધુવીર માર્કેટને ઈલેક્ટ્રીક વાયરિંગને લઈને નોટિસ ફટકારાઈ હતી. આમ છતાં, ફાયર સેફ્ટી માટે કોઈ પગલાં ના લેવાયા. એટલું જ નહીં, ત્યાં ગેરકાયદે રીતે લાકડાની સીડીઓ પણ બનાવાઈ હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી