રાજકોટ / બંધિયાર પાણીને કારણે ગામડા કરતા શહેરમાં ડેન્ગ્યુ વધુ થાય

વોર્ડ નં.3માં તબીબે પેરાસિટામોલ લેવાની સલાહ આપી
વોર્ડ નં.3માં તબીબે પેરાસિટામોલ લેવાની સલાહ આપી

  • લોકોએ તબીબોને પૂછયું, ડેન્ગ્યુ થાય જ નહીં તે માટે શું કરવું, તબીબોએ કહ્યું, સ્વચ્છતા રાખો, શરીર ઢંકાઈ તેવા કપડાં પહેરો
  • ડો.મશરૂએ જણાવ્યું કે, ફક્ત પેરાસિટામોલ લેવી, અમુક લોકો ડાઈનાપાર અને લિમેસોલાઈટ લે છે આવી દવાથી લોહી વધુ પાતળું થાય છે અને ડેન્ગ્યુ વકરે છે.

Divyabhaskar.com

Oct 18, 2019, 02:17 AM IST

રાજકોટઃ દિવ્ય ભાસ્કર અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની સંયુક્ત પહેલ ‘દિવાળી સાથે ડેન્ગ્યુની સફાઈ’ અંતર્ગત વોર્ડ નં.3માં સાંઈબાબા સોસાયટીમાં ડો. નિરવ કરમટા અને ડો. મિલાપ મશરૂએ સાંઈબાબા સોસાયટીમાં લોકો સાથે ડેન્ગ્યુ વિશે સીધો સંવાદ કર્યો હતો. ડો.કરમટાએ જણાવ્યું હતું કે, બાળકોને રમવાનો સમય અને મચ્છરના કરડવાનો સમય લગભગ સરખો હોવાથી બાળકોની ખાસ કાળજી રાખવા આખી બાંયના કપડાં અને પેન્ટ પહેરવા જણાવ્યું હતું. ડો. મશરૂએ કહ્યું હતું કે, ગામડાં કરતા શહેરમાં વધારે ડેન્ગ્યુ થાય કારણ કે અહીં ટાયર, ભંગાર, કુંડા વગેરેમાં ચોખ્ખું પાણી સંગ્રહિત રહે અને તેમાંથી જ એડીસ ઈજિપ્તી મચ્છર ઉછરીને ડેન્ગ્યુ ફેલાવે છે. વોર્ડના કોર્પોરેટર અતુલ રાજાણી, દિલીપ આસવાણી, વજુભાઈ છૈયા પણ હાજર રહ્યા હતા.

મચ્છર ભગાવવા સ્પ્રે વાપરવો કે ધુમાડો કરવો
પ્રશ્ન : એક વખત ડેન્ગ્યુ થયો હોય તો બીજી વખત થાય?
ડો. મશરૂ : ડેન્ગ્યુ 4 પ્રકારના હોય છે, 1, 2, 3 અને 4 તેથી અલગ અલગ ચેપ લાગી શકે છે આ કારણે જ રસી શોધાઈ નથી.
પ્રશ્ન : મચ્છર ભગાવવા સ્પ્રે વપરાય કે ધુમાડો?
ડો. કરમટા : સ્પ્રેથી મચ્છર ન ભાગે, લીમડાનો ધુમાડો સારો પણ તેના કરતા લેમન ગ્રાસ નામનો છોડ ઘરમાં રાખવો જોઇએ તેનાથી મચ્છર ભાગે છે.
પ્રશ્ન : પપૈયાના રસથી ડેન્ગ્યુમાં રાહત થાય?
ડો. મશરૂ : એ માન્યતા છે, પપૈયાના રસના વધુ પડતા ઉપયોગથી બીજી સમસ્યાઓ થાય છે. પુષ્કળ પ્રવાહી અને આરામ જ અકસીર ઈલાજ છે. ઘરગથ્થું ઉપચાર ન કરવા જોઈએ, નિષ્ણાંત તબીબની સલાહ લેવી આવશ્યક છે.

દિવ્ય ભાસ્કર અને ડોક્ટર્સ પેનલ આજે વોર્ડ નં.1, 4, 7 અને 12માં પહોંચશે઼
રાજકોટમાં ડેન્ગ્યુના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે દિવ્ય ભાસ્કર અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટે સહિયારી પહેલ શરૂ કરી છે. જેમાં દિવ્ય ભાસ્કર અને તબીબોની ટીમ ડેન્ગ્યુ વિશે માહિતી આપશે તેમજ લોકોને કોઇ પ્રશ્ન હોય તો તેના જવાબ પણ આપશે. શુક્રવારે સાંજે 5 થી 5:30 કલાક દરમિયાન વોર્ડ નં.1માં વોર્ડ નં. 1માં ગંગેશ્વર મહાદેવ માર્કેટ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનવાળી શેરીમાં ડો. તેજસ મોતીવારસ, ડો. જયેશ સોનવાણી, વોર્ડ નં.4માં મોરબી રોડ, જૂના જકાતનાકા પાસે ડો. હિરેન વાઢિયા, ડો. નિરજ ડાભી, વોર્ડ નં.7માં વિજય પ્લોટ, ભાલોડિયા કોલેજ પાસે ડો. તુષાર પટેલ, ડો. દિનેશ શ્રીમાંકર અને વોર્ડ નં.12માં રાજ રેસીડેન્સી જીથરિયા હનુમાન મંદિર પાસે, મવડી મેઈન રોડ ડો. ભાવિન ફળદુ, ડો. મિતુલ ઉનડકટ ડેન્ગ્યુને રોકવા અંગે માર્ગદર્શન આપશે.

ભાસ્કરનું અભિયાન શ્રેષ્ઠ, મનપાની ટીમ પણ સાથે રહેશે: મ્યુનિ. કમિશનર
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે દિવ્ય ભાસ્કરના ‘દિવાળી સાથે ડેન્ગ્યુની સફાઇ’ ઝુંબેશને આવકારી કહ્યું કે, આ એક સુપર વિચાર છે, ન્યૂઝ પેપર આ પ્રકારની લોકજાગૃતિની કામગીરી કરે તે આવકાર્ય છે. દિવ્ય ભાસ્કરના આ અભિયાનમાં મનપાની આરોગ્ય અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ પણ સાથે રહેશે અને લોકોની સમસ્યા સ્થળ પર જ દૂર કરાશે.

X
વોર્ડ નં.3માં તબીબે પેરાસિટામોલ લેવાની સલાહ આપીવોર્ડ નં.3માં તબીબે પેરાસિટામોલ લેવાની સલાહ આપી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી