અયોધ્યા ચૂકાદો / મસ્જિદ માટે બીજી જગ્યાએ જમીન મંજૂર નથી, ચૂકાદા વિરુદ્ધ રિવ્યૂ પિટીશન દાખલ કરીશું- મુસ્લિમ લો બોર્ડ

પત્રકાર પરિષદમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વકીલ જફરયાબ જિલાની
પત્રકાર પરિષદમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વકીલ જફરયાબ જિલાની

  • મસ્જિદની જમીન શરિયત અને વકફના નિયમ પ્રમાણે ટ્રાન્સફર નથી થઇ શકતી- બોર્ડ
  • અમને કોઇ બીજી જમીન મંજૂર નથી, આ ચૂકાદો યોગ્ય નથી- બોર્ડ

Divyabhaskar.com

Nov 18, 2019, 01:25 AM IST

નેશનલ ડેસ્ક: ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) ની બેઠક આજે લખનૌમાં યોજાઇ હતી. જેમાં AMIAM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સહિત દેશભરના મુસ્લિમ નેતાઓએ ભાગ લીધો હતો. મીટિંગ બાદ બોર્ડે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે રિવ્યુ પિટીશન દાખલ કરશું. અમને મસ્જિદ માટે બીજી જગ્યાએ જમીન આપવામાં આવે તે સ્વીકાર્ય નથી. 9મી નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ બીજી જગ્યાએ મસ્જિદ માટે 5 એકર જમીન આપવાની વાત કરી હતી.

AIMPLBના વકીલ જફરયાબ જીલાનીએ કહ્યું હતું કે શરઈ કારણોથી બીજી જગ્યા પર મસ્જિદ માટે જમીન સ્વીકાર્ય નહીં કરીએ. અમારે એ જ જમીન જોઈએ કે જેના માટે અમે લડત ચલાવેલી. સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં અનેક વિસંગતતા છે. જ્યારે બહારથી લાવીને મૂર્તિ રાખવામાં આવે છે તો તે દેવતા કેવી રીતે માની લેવામાં આવે? જન્મસ્થળને ન્યાયિક વ્યક્તિ માની શકાય નહીં. ગૂંબજની નીચે જન્મ સ્થળના કોઈ જ પૂરાવા નથી. સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે ત્યાં નમાજ કરવામાં આવતી હતી. અમારે 5 એકર જમીન જોતી નથી.

જિલાનીએ એમ પણ કહ્યું હતું કે અયોધ્યામાં 27 જેટલી મસ્જિદ છે. વાત મસ્જિદની નથી. જમીનના હક્કની લડાઈને લઈ છે. 30 દિવસમાં રિવ્યુ ફાઈલ કરવાની હોય છે, જે અમે કરશું. બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારી પર જિલ્લા પ્રશાસન અને પોલીસ દબાણ કરી રહી છે. હાજી મહેબુબની પણ મંજૂરી મળી છે.

હકની લડાઈ લડશું

જમીયત ઉલેમા-એ-હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું હતું કે અમને જાણ છે કે અરજી 100 ટકા નકારી દેવામાં આવશે. તેમ છતાં અમે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ફેર વિચારણા માટે અરજી દાખલ કરશું. આ અમારો હક્ક છે. બીજીબાજુ સુન્ની વક્ફ બોર્ડ અને કેસના પક્ષકાર ઈકબાલ અંસારીએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

પુનઃવિચારણા અરજી દાખલ નહીં કરીએઃ સુન્ની વક્ફ બોર્ડ

સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ સુન્ની વક્ફ બોર્ડે સ્પષ્ટતા કરી હતી કે તે ચૂકાદા સામે પુનઃવિચારણા અરજી દાખલ કરશે નહીં. તેને લઈ સુન્ની વક્ફ બોર્ડના ચેરમેન જુફર ફારુકીએ પત્રકાર પરિષદ પણ યોજી હતી. બીજીબાજુ ઓવૈસીએ કહ્યું હતું કે મુસ્લિમોને મસ્જિદ માટે જમીન ખૈરાતમાં નથી જોતી. દેશના મુસલમાન જમીન ખરીદી શકે છે. તેમણે ટિવટર પર લખ્યું હતુંં કે મસ્જિદ પાછી જોઈએ છે.

કેસને હવે આગળ નહીં વધારીએઃ ઈકબાલ અંસારી

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક અંગે ઈકબાલ અંસારીએ કહ્યું હતું કે અમે હિન્દુસ્તાનના મુસ્લિમો અને હિન્દુસ્તાનના બંધારણનું સન્માન કરી છીએ. અયોધ્યા કેસ હિન્દુસ્તાનનો એક મહત્વનો ચૂકાદો હતો. અમે આ કેસને આગળ વધારવા માગતા નથી.

જીલાનીની દુકાન હવે બંધ થઈ રહી છેઃ સત્યેન્દ્ર દાસ

રામ જન્મભૂમિના પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું છે કે ઈકબાલ અંસારીએ ફેરવિચારણા માટે અરજી દાખલ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પુનઃવિચારણા અરજીનો હવે કોઈ અર્થ નથી. જફરયાબ જિલાનીની દુકાન બંધ થઈ રહી છે.મુસ્લિમો પણ સુપ્રીમના ચૂકાદાથી ખુશ છે, તેમને કોઈ જ વાંધો નથી.

કોર્ટના આદેશનું સન્માન જાળવવું જોઈએઃ ધર્મદાસ

હિન્દુ પક્ષકાર ધર્મદાસે કહ્યું હતું કે કાયદાકીય રીતે તમામ લોકો સ્વતંત્ર છે. અમે ઈચ્છીએ ચીએ કે તમામ લોકો રામનું સમર્થન કરે અને રામ મંદિર પ્રત્યે આસ્થા દર્શાવે. ઈકબાલ અંસારી અયોધ્યા કેસના મુખ્ય પક્ષકાર છે અને તેમણે કહ્યું છે કે અમે રિવ્યુ પિટીશન દાખલ કરશું નહીં.

મુસ્લિમ પક્ષના તર્ક, અરજી દાખલ કરવા દર્શાવ્યો આધાર

  • મુસલમાન કોઈ બીજી જગ્યાએ જમીન લેવા માટે સુપ્રીમમાં ગયા નહોતા બલ્કે મસ્જિદની જમીન પરત લેવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
  • મસ્જિદ બાબરના કમાન્ડર મીર બાકીએ 1528માં બનાવી હતી. સુપ્રીમે પણ તે કબૂલ કરી છે.
  • બાબરી મસ્જિદની વચ્ચેના ગુંબજની જમીન નીચે પૂજા કરવાના કોઈ પુરાવા મળ્યા નથી. એટલે કે માત્ર આસ્થાના આધારે ચુકાદો આપવો એ ખોટું છે.
  • સુપ્રીમકોર્ટે પોતાના ચુકાદામાં જ કહ્યું છે કે 1949માં વિવાદિત સ્થળે મૂર્તિ મૂકવી એ ગેરકાયદેસર હતું અને 1992માં માળખું પાડવું એ પણ ગેરકાયદેસર હતું
  • 1949 સુધી બાબરી મસ્જિદના ત્રણ ગુંબજવાળી મસ્જિદનો અંદરનો હિસ્સો મુસલમાનો પાસે હતો. તેને પણ સુપ્રીમકોર્ટે માન્યું છે.
  • સુપ્રીમકોર્ટે ચુકાદા માટે અનુચ્છેદ 142નો ઉપયોગ કર્યો છે જે સાક્ષીના આધારે નથી.
X
પત્રકાર પરિષદમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વકીલ જફરયાબ જિલાનીપત્રકાર પરિષદમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વકીલ જફરયાબ જિલાની
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી