તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Dharoi Dam Will Provide Drinking Water To 235 More Villages In UG: Currently 12 Cities And 702 Villages Are Being Provided Drinking Water

ઉ. ગુ.નું વિકાસદ્વાર:ધરોઇ ડેમમાંથી ઉ.ગુ.ના વધુ 235 ગામોને પીવાનું પાણી મળશે: હાલ 12 શહેરો અને 702 ગામોને અપાઇ રહ્યું છે

મહેસાણા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
છલોછલ ભરેલો ધરોઇ ડેમ, સાબરમતી નદી અને કેનાલમાં છોડાયેલા પાણીની ત્રિવેણી તસવીર સૌપ્રથમવાર ભાસ્કરમાં
  • હાલ ધરોઇનું પાણી મેળવતા મહેસાણાના 3 શહેર અને 54 ગામોને નર્મદાનું પાણી આપવાની 250 કરોડની યોજના

મહેસાણા જિલ્લામાં આવેલો એકમાત્ર ધરોઇ ડેમ ઉત્તર ગુજરાતની જીવાદોરી અને વિકાસના દ્વાર સમાન છે. આ ડેમ હાલમાં 98% ભરાયો છે. ઉત્તર ગુજરાતના 4 જિલ્લાને પ્રત્યક્ષ રીતે પોષતો હોવાથી ધરોઇ ડેમને આ દરજ્જો મળ્યો છે. આ ડેમમાંથી હાલ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના 12 શહેર અને 709 ગામ-પરાની લગભગ 17 લાખની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડે છે. ઉપરાંત જો ડેમ 75 ટકાથી વધુ ભરાય તો ડેમમાંથી નીકળતી જમણા અને ડાબા કાંઠાની કુલ 73.52 કિલોમીટર લાંબી બે કેનાલો દ્વારા મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાના 7 તાલુકાના 177 ગામની 97 હજાર હેકટર જમીનને સિંચાઇ માટે પાણી મળે છે. બીજી બાજુ ડેમમાં સતત પાણીની આવક રહે તો સાબરમતી, રૂપેણ, સરસ્વતી, પુષ્પાવતી અને બાળગંગા સહિત 5 નદીઓને જીવંત રાખવાની સાથે ખેરાલુના ચીમનબાઈ સરોવરમાં પણ પાણી ઠાલવી શકાય છે. આ 5 નદીઓ અને સરોવરમાં પાણી છોડતાં પરોક્ષ રીતે જમીનનું જળસ્તર સુધરવાની સાથે હજારો હેકટર જમીનને સિંચાઈનો લાભ મળી શકે છે.

આ ઉપરાંત, મહેસાણા જિલ્લાના મહેસાણા, વિસનગર અને ઊંઝા સહિત 3 શહેરો અને વિસનગર તાલુકાના 54 ગામોને નર્મદાનું પાણી મળી રહે તે માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રૂ. 250 કરોડના ખર્ચે નવી યોજના અમલમાં મૂકી છે. ધરોઇ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર પી.આઇ. પટેલના જણાવ્યા અનુસાર, આ યોજના કાર્યરત થયા બાદ ધરોઇ ડેમના દૈનિક 5 કરોડ લિટર પાણીની બચત થશે. જેને લઇ ભવિષ્યમાં ધરોઇ ડેમમાંના પાણીથી વંચિત રહેલા 3 જિલ્લાના વધુ લગભગ 235 ગામોને ધરોઇનું પાણી પહોંચાડવાનું આયોજન કરાયું છે. જેમાં મહેસાણા જિલ્લાના સતલાસણા, ખેરાલુ અને વડનગર તાલુકાના અંદાજે 40 ગામ, પાટણ જિલ્લાના પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના અંદાજે 45 ગામ તેમજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, અમીરગઢ અને દાંતા તાલુકાના અંદાજે 150 ગામ સુધી ધરોઇ યોજનાનું પાણી પહોંચતું થશે.

આ ડેમનું સને 1971માં બાંધકામ શરૂ થયું હતું
આ ડેમનું સને 1971માં બાંધકામ શરૂ થયું હતું

ધરોઇ વિશે અજાણ્યું
ચારેબાજુ ડુંગર હોઇ કુદરતી રીતે પાણી સંગ્રહ થાય છે. ડેમ નહોતો ત્યારે પાણી સીધેસીધું સાબરમતી નદીમાં વહી જતું હતું એટલે આ જગ્યા ડેમ બનાવવા પસંદ કરાઇ હતી.

અમદાવાદની જેમ ધરોઈ ડેમમાં પણ બનશે વોટર એરોડ્રામ
ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવીએશન,એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં સીપ્લેન માટે મંજૂરી આપી દેવાઇ છે. પ્રથમ તબક્કામાં સાબરમતી રીવરફ્રન્ટથી સરદાર સરોવર ડેમ (સ્ટેચ્યુ ઓફ યુનિટી) સુધી સી પ્લેન શરૂ થશે. ત્યાર બાદ અંબાજી માટે અમદાવાદથી ધરોઇ ડેમ સી પ્લેન ઓપરેટ થશે. સમગ્ર દેશમાં સી પ્લેન હવાઈ સેવા શરૂ કરવા 16 રૂટ પસંદ કરાયા હતા, તે પૈકી ગુજરાતમાં બે રૂટો છે. ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગવાન બનાવવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો