વિશ્લેષણ / ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધશે તો ક્રુડના ભાવ વધશે, રૂપિયો ગગડશેઃ આ સંજોગોમાં પેટ્રોલ રૂપિયા 90 થઈ શકે છે

Crude prices rise if Iran-US tensions rise
Crude prices rise if Iran-US tensions rise

  • અમેરિકાના હુમલામાં ઈરાનના ટોચના સૈન્ય અધિકારી જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ તણાવ વધ્યો
  • તણાવ વધતા આ ત્રિમાસિક ગાળામાં ઓઈલની કિંમત 75-78 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો
  • આંતરરાષ્ટ્રીય કારોબાર માટે મુદ્રા હોવાથી અન્ય ચલણની તુલનામાં ડોલર મજબૂત બનશે
  • ક્રુડના દર વધવાથી, ડોલર સામે રૂપિયો ગગડવાથી ઓઈલ કંપની માટે ક્રુડ ઈમ્પોર્ટ મોંઘી થશે

Divyabhaskar.com

Jan 04, 2020, 03:51 PM IST

નવી દિલ્હીઃ અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના એક ટોચના સૈન્ય અધિકારીનું મોત થયા બાદ શુક્રવારે બ્રેન્ટ ક્રુડની કિંમત 4.5 ટકા વધી પ્રતિ બેરલ 69.23 ડોલર પહોંચી ગઈ છે. યુએસ ડોલર સામે રૂપિયો પણ 42 પૈસા ગગડી 71.80 થયો હતો. ઓઈલની કિંમતોમાં ભાવો વધતા અને રૂપિયાના મૂલ્યમાં ધોવાણ થયા બાદ ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો થઈ શકે છે. કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયાના મતે જો ઈરાન અમેરિકા પર જવાબી કાર્યવાહી કરશે તો આ ત્રિમાસિક ગાળામાં ક્રુડના ભાવો પ્રતિ બેરલ 75 થી 78 ડોલર થઈ શકે છે. આ સંજોગોમાં યુએસ ડોલર સામે રૂપિયો 75ના સ્તર સુધી ગગડી શકે છે. જો આ તમામ પરિસ્થિતિનું નિર્માણ થશે તો ભારતમાં પેટ્રોલના ભાવ લીટર દીઠ 90 થઈ શકે છે.

  • ઈરાકના બગદાદ એરપોર્ટ પર ગુરુવારે રાત્રે અમેરિકાના ડ્રોન રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમા ઈરાનની કુદ્સ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. ઈરાન-અમેરિકામાં તણાવ વધતા વિશ્વભરમાં ઓઈલના ભાવ વધ્યા કારણ કે બન્ને દેશ ઓઈલના નિકાસકાર દેશ છે. અમેરિકાના પ્રતિબંધોને લીધે વર્તમાન સમયમાં ઈરાનની ઓઈલ નિકાસ ઘણી ઓછી થઈ ગઈ છે.તણાવ વધવાની સ્થિતિમાં હજુ પણ નિકાસ ઘટી શકે છે. મિડલ ઈસ્ટના અન્યના અન્ય ઓઈલ ઉત્પાદક દેશોના સપ્લાય પર પણ અસર થઈ શકે છે. કારણ કે જે દેશો ઓઈલની સપ્લાય કરે છે તે રુટ પણ ઈરાનની સમુદ્રી સીમામાંથી પસાર થાય છે. તણાવ વધવાની સ્થિતિમાં ઈરાન આ રુટ બંધ કરી શકે છે. આ પ્રકારની દહેશતને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવોમાં વધારો થયો છે અને ડોલર મજબૂત બન્યો છે.
  • દેશના ચાર અગ્રણી શહેરોમાં વર્તમાન સમયમાં પેટ્રોલની કિંમત 75થી 81 રૂપિયા પ્રતિ લીટર વચ્ચે છે. દિલ્હીમાં પેટ્રોલ 75.35 અને મુંબઈમાં પ્રતિ લીટર 80.94 છે. ભોપાલમાં પેટ્રોલના ભાવ 83 રૂપિયા છે. જો અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધે અને તેલનો પુરવઠો ઓછો થશે તો જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ક્રુડના ભાવ પ્રતિ બેરલ 78 ડોલર થઈ શકે છે. ક્રુડની કિંમત વધશે તો રૂપિયાના મૂલ્યમાં પણ વધારો થશે. આ બન્ને કારણથી પેટ્રોલની કિંમત 10 થી 12 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી શકે છે. ડિઝલમાં પણ 10 રૂપિયા સુધી વધારી શકાય છે.
  • ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ થોડા સમયમાં પૂરો થશે તો પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં કોઈ વધારો થશે નહીં. પરંતુ જો તણાવ વધે છે તો આગામી 2-3 મહિના સુધી લોકોને પેટ્રોલ-ડિઝલની વધારે કિંમત ચુકવવી પડી શકે છે. ત્યારબાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે કારણ કે જ્યારે ક્રુડના પુરવઠામાં ઘટાડો થશે તો અમેરિકા, રશિયા અને અન્ય ઓઈલ નિકાસકર્તા દેશો પુરવઠાને વધારશે. ગયા વર્ષે જ્યારે અમેરિકાએ ભારત સહિત આઠ દેશને ઈરાનથી ઓઈલ આયાતમાં મળેલી રાહત પણ હટાવી લેવામાં આવશે તો ઓઈલની કિંમતો થોડા સમય માટે વધશે પરંતુ બાદમાં ઓપેક (પેટ્રોલ નિકાસકર્તા દેશોના સંગઠન) દેશોએ પુરવઠો વધાર્યો હતો. આ અગાઉ વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરામકોના બે પ્લાન્ટ પર ડ્રોન હુમલા બાદ પણ ઓઈલના પુરવઠામાં ઘટાડો થયો હતો અને કિંમતો વધી હતી પરંતુ થોડા સમયમાં તે સામાન્ય સ્થિતિ પર આવી ગયા હતા.
  • ભારતમાં ક્રુડ ઓઈલનું ઉત્પાદન છેલ્લા 20 વર્ષથી 32થી 36 મિલિયન મેટ્રીક ટન રહ્યું છે. વર્ષ 2018-19માં તે 32.5 મિલિયન ટન રહ્યું, જે ભારતમાં કુલ વપરાશના 15 ટકા છે. વર્ષ 2018-19માં પેટ્રોલિયમ ઉત્પાદનોનો વપરાશ 213 મિલિયન ટન હતો. એટલે કે ભારત તેના પેટ્રોલિયમ ઉત્પાદનની જરૂરિયાતોનો 85 ટકા હિસ્સો આયાત કરે છે. ભારત વર્ષ 2018-19માં 226.49 મિલિયન મેટ્રીક ટન ઓઈલની આયાત કરી અને 33.34 મિલિયન મેટ્રીક ટન પેટ્રોલિયમ ઉત્પાદનની આયાત કરી હતી. એટલે કે કુલ 259.84 મિલિયન મેટ્રીક ટનની આયાત થઈ.
X
Crude prices rise if Iran-US tensions rise
Crude prices rise if Iran-US tensions rise

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી