ગુજરાતનો પ્રથમ કિસ્સો / કોરોના પોઝિટિવ અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર 10 વર્ષના બાળકને ‘સંજીવની’ સારવાર આપી નવું જીવન આપ્યું

29મેના રોજ સંજયનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો
29મેના રોજ સંજયનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો
X
29મેના રોજ સંજયનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો29મેના રોજ સંજયનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો

  • બાળકને બાયપેપ પર 8 દિવસ તેમજ 18 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો
  • સંજય 20 જુનના રોજ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર કન્ડિશનમાંથી હેમખેમ બહાર આવ્યો હતો

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:47 PM IST

રાજકોટ. જામકંડોરણાના જામદાદર ગામના 10 વર્ષના સંજય કરસનભાઇ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નાની ઉંમરમાં કોરોના સંક્રમણ થતા સંજયને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 29મેના રોજ દાખલ કરાયો હતો. કોરોનાના લક્ષણો બાળકોમાં મોટેભાગે સામાન્ય હોય છે. પરંતુ આ બાળકનો કિસ્સો સમગ્ર ગુજરાતમાં પ્રથમ હતો. બાળક દાખલ કરવામાં આવ્યું ત્યારે તેને વયસ્ક લોકોમાં જોવા મળતા ફેફ્સા, કિડની અને હાર્ટના પ્રોબ્લેમ જોવા મળ્યા. બંને ફેફ્સામાં ન્યુમોનીયાની અસર સાથે પાણી ભરાય ગયું, કેવિટી થઈ ગયેલી, લોહીમાં રસી થઈ ગયેલી, લોહીની ઉલ્ટીઓ થતી, હૃદયના ધબકારા અનિયમિત હોવા, ડાબા પડખામાં (થાપામાં) રસી થઈ ગયેલી, એક કિડની કામ કરતી બંધ થઈ ગયેલી જ્યારે બીજી કિડની પહેલેથી જ કામ કરતી નહોતી.  ફેફ્સામાં લોહીની નળીમાં જામ જેવી અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળક હતું. તેમ ચિલ્ડ્રન હોસ્પિટલના હેડ ડો. પંકજ બુચે જણાવ્યું છે. આ બાળકને હોસ્પિટલ દ્વારા સંજીવની સારવાર આપી નવું જીવન બક્ષ્યું છે.

કોવિડ-19 હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે
ડો. પંકજ બુચે વધુમાં જણાવ્યું હતું કે, અમારા માટે આ કેસ નવો હોય સ્ટેટ ટેલિમોનીટરિંગ એક્સપર્ટસના અભિપ્રાય સાથે સારવાર શરુ કરી. બાળકને બાયપેપ પર 8 દિવસ તેમજ 18 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો. લોહી જામવાની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા હિપેરીન ટ્રીટમેન્ટ, જરૂર મુજબ સ્ટીરોઈડ સહિતની સઘન સારવાર બાદ કોરોનાને મ્હાત કરી સંજય 20 જુનના રોજ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર કન્ડિશનમાંથી હેમખેમ બહાર આવ્યો હતો. હાલ બાળકને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં જરૂરી સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. કોવિડ-19 હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમના માટે વેન્ટિલેટર પણ અલગ હોય છે તેને અલગ રીતે ઓપરેટ કરવામાં આવે છે. આ બાળકને ફેફ્સામાં ઇન્ફેક્શન તેમજ કેવિટી હોય ખૂબ જ ધ્યાનપૂર્વક તેને બાયપેપ તેમજ ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો.

માતા-પિતા સાથે સંજય

બધા ડોકટરો અમારા માટે ભગવાનઃ સંજયના માતા
મજૂરી કામ કરતા અને સામાન્ય પરિવારમાંથી આવતા સંજયના માતા મધુબેન ગદગદિત સ્વરે જણાવ્યું હતું કે, આ બધા ડોકટરો અમારા માટે ભગવાન જ છે. તેઓએ ખૂબ સારવાર કરી હતી. અમારા સારા નસીબ જોગે મારા દીકરાને ડોક્ટરોએ મહેનત કરી જીવ બચાવ્યો છે. જો કે તેમના બાળકને મલ્ટી ઓર્ગન ફેલ્યોર હોવાનું અને અતિ ગંભીર હોવાની કલ્પના પણ નહોતી. આજે સંજય જાતે જ જમી લે છે અને સારી રીતે તમામ ક્રિયાઓ કરી લે છે. આવનારા દિવસોમાં પહેલા જેવો જ સ્વસ્થ બની જશે તેમ જણાવતા તેઓ ડોક્ટરની ટીમને તમામ શ્રેય આપે છે.

અત્યાર સુધીમાં 300થી વધુ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા 
રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ હાલના કોરોના મહામારીના સમયમાં સંક્રમિત દર્દીઓનો ઉપચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. રાજકોટની કોવિડ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 300થી વધુ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે અને તજજ્ઞ ડોક્ટર્સ સાથે વ્યવસાયીક ક્રિટિકલ કેર નિષ્ણાંત ડોક્ટર્સની સેવા કોરોનાના દર્દીઓને મળી રહી હોવાનું સિવિલ અધિક્ષક ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી