લોકમેળો / CM  રૂપાણીએ કહ્યું-ફુગ્ગા ફોડવાની અને રિંગ નાખી ઇનામો જીતવાની રમતો મને ખૂબ ગમતી

રાજકોટના લોકમેળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી
રાજકોટના લોકમેળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

  • રાજકોટના નાગરિક અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકમેળાના પોતાના અનુભવો ભાસ્કર માટે લખ્યા...
  • બધા મિત્રોએ 250-250 રુપિયા ભેગાં કરી આઇસક્રીમ અને કોકાકોલાની દુકાન કરી હતી-રૂપાણી

Divyabhaskar.com

Aug 24, 2019, 03:08 AM IST

રાજકોટ: મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમનાં પત્ની અંજલિ રૂપાણી સાથે રાજકોટે ગુરુવારે લોકમેળામાં મહાલતા જોયા. મુખ્યમંત્રી બન્યા બાદ પણ સૌરાષ્ટ્ર અને તેમાંય અસ્સલ રાજકોટનો મિજાજ તેમનામાં અકબંધ છે. રાજકોટના મેળાને લઈને હજુ પણ તેઓ એ જ લાગણી ધરાવે છે જે તેમણે બાળપણ અને યુવાનીમાં અનુભવી. રાજકોટના મેળામાં આવીને તેઓ ખૂબ આનંદિત થઇ જાય છે અને સીએમ એટલે કે કોમનમેનની જેમ જ મેળામાં મહાલે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે ઉમળકાભેર જણાવ્યું કે મને યાદ છે કે હું સત્તર અઢાર વર્ષનો હતો ત્યારે મારા મિત્ર શિરીષ સાથે અમે બધા મિત્રોએ 250-250 રુપિયા ભેગાં કરી આઇસક્રીમ અને કોકાકોલાની દુકાન કરી હતી.

મેળા સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનું સીધું પ્રતિબિંબ
મેળો ગુજરાત અને તેમાંય સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. સાતમ આઠમના તહેવારોમાં એટલે કે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આ મેળા યોજાય છે. ભાગવત પુરાણમાં ઉલ્લેખ કરાયો છે કે કૃષ્ણ મથુરા છોડી સૌરાષ્ટ્રમાં દ્વારકા આવીને વસ્યા અને આજીવન અહીં જ રહ્યા અને એટલે જ અહીંના લોકોમાં તેમનો જન્મોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવાની પરંપરા છે અને તેનું માધ્યમ મેળા છે. આ મેળા સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનું સીધું પ્રતિબિંબ છે. હું માનુ છું કે ગરીબ, તવંગર, અબાલ વૃદ્ધ, તમામ વર્ગના લોકો કોઇપણ પ્રકારના ભેદભાવ વગર મેળાનો આનંદ લે છે અને તે આની મહાનતા છે. હું નાનો હતો ત્યારે મોટા ભાઇ બહેન સાથે ખૂબ મેળામાં જતો. બહુ વિશેષ યાદો નથી પણ જેમ દરેક બાળક મેળામાં ચકડોળ, ખાણીપીણી, બંદૂકથી ફૂગ્ગા ફોડવાની અને રિંગ નાખીને ઇનામ જીતવાની રમતો મને બહુ ગમતી. મેળો ક્યારે આવે તેની રાહ જોતા અને સાતમ આઠમ વખતે આખુય રાજકોટ લગભગ બંધ જ હોય અને અમે મેળામાં જતા. યુવાનીમાં મિત્રો સાથે મેળો માણવાની મજા માણી છે. મને યાદ છે કે હું સત્તર અઢાર વર્ષનો હતો ત્યારે મારા મિત્ર શિરીષ સાથે અમે બધા મિત્રોએ 250-250 રૂપિયા ભેગા કરી આઇસક્રીમ અને કોકાકોલાની દુકાન કરી હતી. પણ પહેલેથી જ મારું મિત્ર અને સગાંસંબંધીનું વર્તુળ વિશાળ હોવાથી કોઈ પરિચિત આવે તો પૈસા લીધા વિના જ આઇસક્રીમ અને કોકાકોલા આપ્યાં અને તેમાં નુકસાન ગયું હતું. પણ જાતે વેપાર કર્યાંનો ખુબ આનંદ હતો.

રાજકોટમાં રોજના 5 થી 7 લાખ લોકો મેળાની મુલાકાત લેતાં હશે
અંજુ(તે તેમની પત્નીને અંજુ કહીને બોલાવે છે) સાથે લગ્ન થયાં બાદ પરિવાર સાથે જ મેળામાં જવાનું થતું હતું. એકલા અમે બંને જ ગયા હોય તેવું નથી બન્યું, અને પછી તો બાળકો સાથે જતાં. કંઈ અપાવ્યું હોય એવું યાદ નથી કારણ કે બાળકો માટે વસ્તુ મળતી અને તેમના માટે મેળામાંથી રમકડાં લેતાં. રાજકોટમાં હું માનું છું કે રોજના 5 થી 7 લાખ લોકો મેળાની મુલાકાત લેતાં હશે. વર્ષોથી સ્થાનિક પ્રશાસન તેનું આયોજન કરે છે અને તે ખૂબ ચિવટથી થાય છે. તેની સફાઈ, સુરક્ષા, પ્રચાર પ્રસાર બધું જિલ્લા પ્રશાસન કરે છે. તેમાંથી જે આવક થાય છે તેનો હિસ્સો જિલ્લાના વિકાસ માટે પણ કરવામાં આવે છે. આથી આ મેળો અહીંના સ્થાનિક વિકાસ માટે પણ મહત્વનો છે. તમે જુઓ કે નાના ફુગ્ગા વેચવાવાળાથી માંડીને મોટા વેપારી અહીં હોય છે. આમ તે સ્થાનિક અર્થતંત્રને ધબકતું રાખવામાં પણ ખૂબ મોટો ભાગ ભજવે છે. આમ મેળો લોકોના જીવનમાં એકધારી ઘરેડમાંથી મુક્ત કરી જીવંતતા ઉમેરે છે.

હું પણ મધ્યમવર્ગમાંથી આવું છું એટલે મને મેળો પસંદ છે
પહેલાના અને હવે યોજાતા મેળામાં માત્ર ટેક્નોલોજીનો ફેર છે. પહેલાં આવી રાઇડ નહોતી. પણ મેળાને લઇને લોકોનો ઉત્સાહ એટલો જ છે. ઘણા લોકો આ રજાઓમાં ફરવા જાય છે પણ મેળામાં આવનારો વર્ગ પણ વધ્યો છે. હું પણ મધ્યમવર્ગમાંથી આવું છું એટલે મને મેળો પસંદ છે. આમ તો રાજકોટના મેળાનું આયોજન સુંદર રીતે થાય છે પણ હજુ સૌરાષ્ટ્રના અન્ય સ્થળોએ મેળામાં બનતી કેટલીક ઘટનાઓને કારણે મેળામાં કાયદો અને વ્યવસ્થા સુધારવી જોઈએ. અસામાજિક તત્વોને કાબૂમાં લેવા જોઈએ.

X
રાજકોટના લોકમેળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીરાજકોટના લોકમેળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી