છોટાઉદેપુર / બોડેલી રેલવે ફાટક પાસે ટ્રાફિકજામને કારણે CM રૂપાણીનો કાફલો અટવાયો, પોલીસે ટ્રાફિક હટાવીને રસ્તો ખુલ્લો કર્યો

મુખ્યમંત્રીનો કાફલો બોડેલી રેલવે ફાટક પર અટવાયો હતો
મુખ્યમંત્રીનો કાફલો બોડેલી રેલવે ફાટક પર અટવાયો હતો

Divyabhaskar.com

Aug 14, 2019, 04:32 PM IST

છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે યુવા સંમેલનમાં હાજરી આપ્યા બાદ એપીએમસીથી ડભોઈ રોડ પર આવેલા રેસ્ટ હાઉસમાં મુખ્યમંત્રીનો કાફલો ગયો હતો. જ્યાંથી કાર મારફતે છોટાઉદેપુર જઇ રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર સહિતનો કાફલો ફાટક બંધ હોવાથી અટવાઇ ગયો હતો.

મુખ્યમંત્રીનો કાફલો અટવાતા દોડધામ મચી
મુખ્યમંત્રીના કાફલાને રેલવે ફાટક પર ટ્રાફિકજામની સમસ્યા નડી તે સમસ્યા બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાની પ્રજા રોજ ભોગવી રહી છે. ઓવરબ્રિજ બનાવવાની માંગ છતાં પૂર્ણ થતી નથી. રેલવે ફાટક જામનો મુખ્યમંત્રીના કાફલાને કડવો અનુભવ થયો હતો. મુખ્યમંત્રીનો કાફલો ટ્રાફિક જામમાં અટવાતા પોલીસ તંત્રની દોડધામ થઈ હતી. મુખ્યમંત્રીના સુરક્ષા જવાનો પણ માર્ગ પર ઉતરી આવ્યા હતા. છેવટે ટ્રાફિક હટાવીને મુખ્ય મંત્રીનો કાફલો છોટાઉદેપુર તરફ રવાના થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. બોડેલીના નગરજનો વર્ષોથી આ સમસ્યા ભોગવી રહ્યા છે.

આદિવાસી ક્ષેત્રોમાં સૈનિક સ્કૂલો બનાવાશેઃસીએમ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આદિવાસી યુવાનો ભારતીય સેનાને લાયક બને અને મોટી સંખ્યામાં સેનામાં જોડાય એની સરળતા કરી આપવા માટે રાજ્યના આદિવાસી ક્ષેત્રોમાં સૈનિક સ્કૂલો બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં મેડીકલ કોલેજો બનાવવાના નિર્ણયનો સરકાર સુપેરે અમલ કરી રહી છે અને બનાસકાંઠા, દાહોદ, તાપી, સુરત, વલસાડ જેવા જિલ્લાઓમાં મેડિકલ કોલેજીસની સ્થાપના કરવામાં આવી છે. રાજ્ય સરકારે આદિવાસી સમુદાયને ઉચ્ચ અને ટેક્નીકલ શિક્ષણનો લાભ મળે એના પ્રબંધો કર્યાં છે, જેના કારણે હવે તબીબો, ઇજનેરો જેવા તમામ ક્ષેત્રોમાં આદિવાસી અનામત બેઠકો ખાલી રહેતી નથી.

ગયા વર્ષો દોઢ લાખથી વધુ સરકારી નોકરીઓ આપીઃ સીએમ
વધુમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજથી બે દાયકા પહેલા એક જમાનામાં ગુજરાતમાં માત્ર દશેક વિશ્વ વિદ્યાલયો હતા. આજે 60થી વધુ યુનિવર્સિટીઓ છે અને સ્પોર્ટસ, ફોરેન્સિક સાયન્સ, યોગ, પેટ્રોલિયમ અને રેલવે જેવા વિશિષ્ટ ક્ષેત્રોનું શિક્ષણ આપતી યુનિવર્સિટીઓની રાજ્ય સરકારે સ્થાપના કરી છે. જેના પગલે યુવા સમુદાય માટે રોજગારીની અનેકવિધ પ્રકારની તકોનું સર્જન થયું છે. રાજ્ય સરકારે ગયા વર્ષે દોઢ લાખથી વધુ યુવાનોને સરકારી નોકરીઓ આપી છે અને 33 ટકા મહિલા અનામતના કારણે મહિલા સમુદાયને પણ રોજગારીની તકો ઉપલબ્ધ થઇ રહી છે.

શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન કરાયું
આ પ્રસંગે જેના તિરંદાજોએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં 55 જેટલા ચંદ્રકો જીત્યા છે એવી નસવાડીની એકલવ્ય તિરંદાજી અકાદમીને રમતના આધુનિક સાધનો વસાવવા માટે રૂા.18 લાખની સહાયતાનો ચેક મુખ્યમંત્રીએ પ્રદાન કર્યો હતો. વિવિધ રમતોમાં મેડલ્સ વિજેતા રમતવીરો, શ્રેષ્ઠ સખીમંડળો, 108 એમ્બ્યુલન્સ, ખિલ- ખિલાટ સહિતની સેવાઓના કર્મયોગીઓ તેમજ તાજેતરની અતિવૃષ્ટિ અને પૂર પ્રસંગે રાહત બચાવો અને રાહતની કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

X
મુખ્યમંત્રીનો કાફલો બોડેલી રેલવે ફાટક પર અટવાયો હતોમુખ્યમંત્રીનો કાફલો બોડેલી રેલવે ફાટક પર અટવાયો હતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી