• Home
  • Local
  • Gujarat
  • Surat
  • children working continuously day and night for rupees 2500 and revert back by both the time of meal

સુરત / બાળશ્રમિકોએ કહ્યુ- રાત-દિવસ સાડીમાં જરી લગાવતા અને મહિને 2500 ને બે ટંક ખાવાનું મળતું

જેલ જેવી જિંદગી ભોગવતા બાળકોને આખરે ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું નસિબ થયું, તમામ હવે ઘર જવા રવાના થશે
જેલ જેવી જિંદગી ભોગવતા બાળકોને આખરે ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું નસિબ થયું, તમામ હવે ઘર જવા રવાના થશે

  • પુણાની અન્ય એક વિજયનગર સોસા.માં પોલીસ છાપો મારે એ પહેલાં રૂમમાં કામ કરતા બાળશ્રમિકોને પાછળના બારણેથી ભગાવી દેવાયાં
  • એક મહિના પહેલાં રાજસ્થાનમાં એક બસમાંથી 25 બાળશ્રમિકો મળી આવ્યાં હતાં

Divyabhaskar.com

Dec 30, 2019, 03:36 AM IST

સુરતઃ વહેલી સવારે રાજસ્થાન પોલીસ એનજીઓ અને સુરત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પુણાની સીતાનગર સોસાયટીમાંથી 138 બાળશ્રમિકોને મુક્ત કરવામાં આવ્યા. મોટા ભાગના બાળકો પાસેથી સાડીમાં જરી-સ્ટોન લગાડવાનું કામ કરાવવામાં આવતું તેમજ વળતરરૂપે મહિને 2500 થી 4500 તેમજ બં ટંકનું ખાવાનું દેવામાં આવતું. રેસ્ક્યૂ કરવામાં આવેલા 138 બાળશ્રમિકોની માહિતી મેળવવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે જ રાજસ્થાનથી આવેલી ટીમને અન્ય જગ્યાએ પણ એક રૂમમાં 25 જેટલાં બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી.

માસૂમોની કથની

  • બે મહિના પહેલા પરિવારને 5-6 હજાર આપવાનું કહી નૌરતન નામના શેઠ મને રાજસ્થાનથી સુરત લાવ્યો. અમે જમવાનું જાતે બનાવીએ છીએ. 12 કલાક કામ કરાવાય છે.
  • દિવસ-રાત સાડીમાં જરી-સ્ટોન લગાવવા કહેવામાં આવતું. મહિને 2500 રૂપિયા આપવાનું કહી મને સુરત લાવ્યા. 3 વર્ષ પહેલા માતા-પિતાનું અવસાન થયું છે. 3 બહેન અને 1 મોટો ભાઇ છે.

ફોટોગ્રાફરે ફોટો પાડી દીધો હતો
જેથી રાજસ્થાન અને સ્થાનિક પોલીસ બાળકોને મુક્ત કરાવવા પોલીસની ગાડી અને પ્રાઇવેટ કારમાં બે ટીમ રવિવારે બપોરે 12 વાગ્યે વિજયનગર સોસાયટીમાં છાપો મારવા નીકળી હતી. બન્ને ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં ત્યાં હાજર ફોટોગ્રાફરે બપોરે 12:05 કલાકે રૂમમાં કામ કરતાં બાળશ્રમિકોનો ફોટો પાડી લીધો હતો. ગંધ આવી જતાં ત્યાં હાજર એક વ્યક્તિએ દરવાજો બહારથી બંધ કરી રૂમની પાછળના દરવાજાથી બાળકોને ભગાવી દીધાં હતાં. દરમિયાન 12:25 કલાકે પોલીસની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે રૂમમાં હાજર વ્યક્તિએ ત્યાં કોઈ બાળક કામ ન કરતા હોવાની કેફિયત રજૂ કરી હતી. જોકે, અગાઉથી હાજર ફોટોગ્રાફરે તેની પાસે બાળક કામ કરતા હોવાનો ફોટો બતાવતાં તેણે બાળકોને પાછળના દરવાજેથી રવાના કરી દીધા હોવાની કબૂલાત કરી હતી. બીજી તરફ તપાસ દરમિયાન એક બાળક મળી આવ્યો હતો. જોકે, તરત જ બાળકના પિતા અને મામા સામે આવી ગયા હતા અને બાળક સુરત ફરવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું.

એક મહિના પહેલા બસ ઝડપી હતી
ઉદયપુર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્સ્પેક્ટર શ્યામસિંગ ચારણે જણાવ્યું કે અમને માહિતી મળી હતી કે, ઉદયપુર અને આસપાસનાં આદિવાસી બાળકોને શ્રમકામ માટે સુરત અને અમદાવાદ લઈ જવાઇ છે. એક મહિના પહેલાં રાજસ્થાનમાં શંકાસ્પદ એક બસને અમે આંતરી હતી ત્યારે 25 બાળકો મળી આવ્યાં હતાં. ત્યાં બાળકોથી જે માહિતી મળી એ જાણી અમે ચોંકી ગયા હતા. બાળકોને લાવનારાઓ પાસેથી માહિતી મળી હતી કે, સુરતનાં પુણામાં ઘણાં બા‌ળશ્રમિકો છે. આ કેસમાં હજી ગુનો અહીં દાખલ કર્યો નથી. તમામને રાજસ્થાન લઈ જઈને તપાસ કરીને ત્યાં ગુનો દાખલ કરીશું.

જવાબદાર અધિકારીઓ 6 કલાક પછી ફરક્યા
બાળશ્રમ અટકાવવાની જવાબદારી લેબર વિભાગની છે. સુરતના આસિસ્ટન્ટ લેબર કમિશનર આશિષ ગાંધી 12.10 વાગ્યે આવ્યા હતા. જ્યારે રેઇડ સવારે 6 વાગ્યે પાડવામાં આવી હતી. આ બાબતે આશિષ ગાંધીએ જણાવ્યું હતું કે તેમને આ બાબતે કોઈએ જાણ ન કરી એટલે મોડેથી આવ્યા. તેમ જ સુરતના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ એ. જે. ચૌધરી પણ બપોરે એક વાગ્યા સુધી પોલીસ સ્ટેશન કે રેઇડવાળા સ્થળે ફરક્યા જ ન હતા. જ્યારે ગુજરાત બાળ સંરક્ષણ પંચના સભ્ય માંડવીના હર્ષદ ચૌધરીએ કહ્યું હતું કે, હું મહુવામાં ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાથી ઘટનાસ્થળે પહોંચી શક્યો ન હતો. જ્યારે અન્ય એક સદસ્ય રાજેશ પટેલ આણંદથી સુરત આવી ગયા હતા.

બાળકોનું મેડિકલ ટેસ્ટ કરાશે
રાજસ્થાન બાળ આયોગના સદસ્ય શૈલેન્દ્ર પંડ્યાએ જણાવ્યું કે બાળકોનું શારીરિક શોષણ થયું છે કે નહીં તે હાલ કહી શકાય નહીં. રાજસ્થાન લઈ જઈ બાળકોની મેડિકલ ચકાસણી થશે. કાઉન્સેલિંગ કરીને કેસ સ્ટડી થશે. ત્યાર બાદ જ તમામ હકીકત સામે આવશે.

3 બાળકોનું બીજીવાર રેસ્ક્યુ
134 બાળકોમાંથી 125 રાજસ્થાનના છે. તેમાંથી ત્રણ બાળકોએ સુરતની ચાઇલ્ડ લાઇનની ટીમને જોતા ઓળખી ગયાં હતાં. તેમને જોઈને હસવાં લાગ્યાં હતાં. આ ત્રણ બાળકોને આ અગાઉ પણ રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં. તેઓ ફરીથી શ્રમકામ કરવા આવ્યા હતા.

રેસિડેન્ટ એરિયામાં આટલાં બાળશ્રમિકો પ્રથમ વખત મળ્યાં
રેસિડેન્શિયલ એરિયામાં આટલાં મોટા પાયે બાળકો પાસે શ્રમકામ કરાવાય છે. હવે આગળથી આવી રીતે રેસિડેન્શિયલ વિસ્તારમાં પણ તપાસ કરીને રેઇડ કરાશે.-જગદીશ પટેલ, મેયર અને સીડબ્લ્યુસી ચેરમેન

અહીં કોઈ ગુનો નથી દાખલ કરાયો
રાજસ્થાન પોલીસે આવીને રેઇડ કરી છે. જોકે, સુરતમાં કોઈ ગુનો નોંધાયો નથી. રાજસ્થાન પોલીસ 125 બાળકોને લઈ ગઈ છે તેની નોંધ સ્ટેશન ડાયરીમાં કરી છે. અને 9 બાળકો સીડબ્લ્યુસીને સોંપ્યાં છે. તે જે રિપોર્ટ આપે તેના આધારે આગળની તપાસ થશે. - વી.યુ. ગડરિયા, પીઆઈ, પુણા

X
જેલ જેવી જિંદગી ભોગવતા બાળકોને આખરે ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું નસિબ થયું, તમામ હવે ઘર જવા રવાના થશેજેલ જેવી જિંદગી ભોગવતા બાળકોને આખરે ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું નસિબ થયું, તમામ હવે ઘર જવા રવાના થશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી