નવી પહેલ / સુરતના 125થી વધુ ગરબા ક્લાસિસોમાં યુવતીઓની સુરક્ષા માટે 23 માર્ચ સુધી સીસીટીવી લગાવવા ફરજિયાત

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • કલાસિસમાં કે ક્લાસિસની બહાર યુવતીઓની છેડતી કરનારાની હવે ખેર નથી

Divyabhaskar.com

Jan 25, 2020, 12:33 AM IST

સુરતઃ નવરાત્રીના તહેવારની તૈયારીના ભાગરૂપે શરૂ થનારા ગરબા ક્લાસમાં આવતી જતી યુવતીઓની છેડતી કરનારની હવે ખેર નથી. શહેર પોલીસ કમિશનરે યુવતીઓની સુરક્ષાને ધ્યાને લઇ ગરબા ક્લાસીસની અંદર અને બહારના ભાગે સીસીટીવી કેમેરા લગાવવાના આદેશ આપ્યા છે. શહેરમાં નવરાત્રીની તૈયારીઓ માર્ચ - એપ્રિલ માસથી શરૂ થઇ જાય છે. શહેરમાં અંદાજે 125થી વધુ મોટા ગરબા ક્લાસ ધમધમવા લાગશે. શહેરમાંથી 50 હજારથી વધુ યુવક યુવતીઓ ગરબા શીખવા માટે ક્લાસમાં જતા હોય છે.

કેમેરા નહીં લગાવે તો કાર્યવાહી થશે
ત્યારે યુવતીઓની ક્લાસમાં કે ક્લાસની બહાર અડ્ડો જમાવીને બેસતા રોમિયો દ્વારા છેડતી, મશ્કરી કરવાની ઘટનાઓ પણ બની રહી છે. આવી ઘટના ન બને તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ગરબા ક્લાસના સંચાલકોને ક્લાસમાં સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેમેરા એવી રીતે લગાવવાના રહેશે જેથી ક્લાસની અંદર તથા બહારનું કવરેજ થઇ શકે. તમામ ક્લાસ સંચાલકોએ તા.23-3-2020 સુધીમાં કેમેરા લગાવી દેવા પડશે. આ કેમેરાઓના ફુટેજને સંગ્રહ કરી રાખવાના રહેશે. જેથી પોલીસ યુવતીઓ સાથે અભદ્ર વ્યવહાર કરનારને જલ્દી દબોચી શકે, તો યુવતીઓના વાલીઓને પણ પોતાના સંતાન અંગેની માહિતી મળી રહે. જો કેમેરા નહીં લગાવ્યા હોય તેવા ગરબા ક્લાસના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

વાલીઓને પણ ફુટેજ જોવા મળી શકશે
ગરબા કલાસીસમાં પ્રેક્ટિસ માટે જતી યુવતીઓ અંગે ઘણી વખત વાલીઓને ચિંતા હોય છે. જો ગરબા કલાસિસમાં સીસીટીવી કેમેરા ગોઠવાઇ જશે તો, વાલીઓને પણ પોતાના દિકરા દિકરી કલાસિસમાં શું કરી રહ્યા છે તેના ફુટેજ જોવા મળશે.

ગરબા ક્લાસ-સંચાલકો માટે પણ લાભદાયક
સીસીટીવી કેમેરા ગોઠવવાથી ક્લાસના સંચાલકોને પણ લાભ થાય તેમ છે. કેમેરામાં કેદ થતા હોવાથી ક્લાસમાં આવનાર ખલૈયાઓ પણ કોઇ ખોટી દિશામાં ન જાય અને ક્લાસ બહાર યુવતીઓની છેડતી કરનાર રોમિયોને પણ પોલીસ ઝડપી પકડી શકે તેમ છે. - ભાવિન કડિવાલા, બી.એમ.જી.જી. સંચાલક

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી