મોદીનું ડ્રીમ / બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડિસે. 2023 સુધી પુરો થશે, અમદાવાદ-મુંબઈનું ભાડું રૂ.3000 રહેશે

ઈન્સેટમાં ખાતમૂહુર્ત સમયે PM મોદી અને શિન્જો આબે
ઈન્સેટમાં ખાતમૂહુર્ત સમયે PM મોદી અને શિન્જો આબે

Divyabhaskar.com

Sep 12, 2019, 05:46 PM IST

અમદાવાદ: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી હાઇસ્પીડ બુલેટ ટ્રેનને લઈ આજે NHSRCL(નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.)ના ડાયરેકટર અચલ ખરેએ અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થઈ ગઈ છે. બુલેટ ટ્રેનના રૂટ પર નવસારી સહિત અન્ય જગ્યાએ જમીનને લઈ વિવાદ હતો એ દૂર થઈ રહ્યો છે. જમીન આપવાનો વિવાદ જંત્રીના ભાવે જમીન આપવાને લઈ ઉભો થયો હતો. જે માટે રાજ્ય સરકારને રજુઆત કરતા જંત્રીના ભાવ વધારી આપ્યા છે. જેથી ખેડૂતો જમીન આપવા તૈયાર થઈ ગયા છે.

અમદાવાદથી મુંબઈ સુધીનું અંદાજીત ભાડું રૂ.3000
NHSRCLના ડાયરેકટરે આગળ કહ્યું કે, ટ્રેનના રૂટ માટે ગુજરાતના 5300થી વધુ પ્લોટની જમીન સંપાદીત કરવામાં આવશે, જેમાં 2600 જેટલા પ્લોટ એટલે કે અડધી જમીન સંપાદિત થઈ ગઈ છે. બાકીની જમીન માટે કામગીરી ચાલુ છે. બુલેટ ટ્રેનનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. સાબરમતીથી મુંબઈ સુધીનું અંદાજીત ભાડું રૂ.3000 જેટલું હોય શકે છે.
સિવિલ વર્ક માટે પણ આગામી મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ જશે. ચાર પાંચ મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.

બુલેટ ટ્રેનનો કુલ ખર્ચ 1 લાખ કરોડથી વધુ
NHSRCLના ડાયરેકટર મુજબ, મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ(સીએસટી)થી અમદાવાદના સાબરમતી જંકશન સુધી દોડનારી બુલેટ ટ્રેનનો કુલ ખર્ચ 1 લાખ કરોડથી વધુ થશે. જેમાં જમીન સંપાદીત કરવા માટે રૂ. 17000 કરોડ ખર્ચવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનના રૂટમાં ગુજરાતમાં 158 ગામોની જમીન સંપાદીત કરવામાં આવી છે, જેમાં માત્ર 15 ગામની જમીનમાં જ જંત્રીના ભાવને લઈ તકલીફ પડી છે. રૂટમાં આવતા નાન્દેજ ગેરતપુર પાસે આવેલા ONGCના 5 કૂવા ખસેડવામાં આવ્યા છે.

કુલ 1600 જેટલા ઇલેક્ટ્રિક પોલ ખસેડ્યા
NHSRCLના ડાયરેકટરે વધુમાં ઉમેર્યું કે, આ ઉપરાંત કુલ 1600 જેટલા ઇલેક્ટ્રિક પોલ પણ ખસેડવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી પ્લેટફોર્મ નંબર 10,11,12 પર આવેલા સિગ્નલના 400થી વધુ કેબલ ખસેડવામાં આવ્યા છે. અંદાજે 1000 કિ.મી.ના કેબલ ખસેડ્યા છે. અમદાવાદમાં રેલવે સાથે પણ અમે વાતચીત કરી અને કામગીરી કરી રહ્યા છીએ. અમદાવાદમાં 15 અને વડોદરામાં 8 કિ.મી. એમ 22 કિ.મી. જેટલા અંતર સુધી રેલવે અને બુલેટ ટ્રેન એક જ રૂટ પર છે. જેથી રેલવેને કોઈ અસર ન થાય તે રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે.

508 કિ.મી.નું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં જ કપાશે
આ ટ્રેનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત PM મોદી અને શિન્જો આબેએ વર્ષ 2017ની 14 સપ્ટેમ્બરે કર્યું હતું. બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ સુધીના 12 સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેનની લંબાઈ 508.5 કિલોમીટર રહેશે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાક રહેશે. તેમજ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિ.મી.નું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં જ કપાશે. આ પ્રોજેકટ વર્ષ 2023માં પૂર્ણ થશે. અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવાશે. જે જાપાનના શિંકાનસેન ડિઝાઈનના આધારે તૈયાર થશે. આ પ્રોજેકટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ થશે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે.

X
ઈન્સેટમાં ખાતમૂહુર્ત સમયે PM મોદી અને શિન્જો આબેઈન્સેટમાં ખાતમૂહુર્ત સમયે PM મોદી અને શિન્જો આબે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી