હવે રિયલ એસ્ટેટમાં દિવાળી  / બિલ્ડરો દુબઈની જેમ 50-60 માળના ફ્લેટ બનાવે, હું સ્પેશિયલ પરમિશન આપીશ: CM

ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019માં સંબોધન કરતા CM રૂપાણી
ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019માં સંબોધન કરતા CM રૂપાણી

  • કોમન પ્લોટમાં જીમ, ક્લબ હાઉસ સહિતની કોમન એમિનિટીઝને પણ FSI માંથી મુક્તિ
  • અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, આણંદ સહિતનાં શહેરોમાં 36 મી.થી 44 મી.ના રસ્તા ઉપર મહત્તમ 3.6 FSI  તથા 45 મી. કે તેથી વધુ પહોળા રસ્તા ઉપર ચારની FSI  અપાશે

Divyabhaskar.com

Sep 24, 2019, 12:34 AM IST

અમદાવાદ: ક્રેડાઈ ગુજરાત દ્વારા આયોજિત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019ના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના 3000 બિલ્ડરોને સ્કાયલાઈન માટે આહવાન કર્યું હતું. અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટમાં દુબઈ, સિંગાપોરની જેવા 50 થી 60 માળના આઈકોનિક બિલ્ડિંગનો પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું હતું. આ પ્રકારના આઈકોનિક પ્રોજેક્ટ લાવનાર ડેવલપરને વધારાની એફએસઆઈ આપીને સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવાની જાહેરાત રૂપાણીએ કરી હતી.

45 મીટર કે તેથી વધુ પહોળા રસ્તા ઉપર ચારની એફએસઆઈ અપાશે
ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં દિવાળી લાવવા અંગેની જાહેરાતો પણ રૂપાણીએ કરી હતી. બે વર્ષ પહેલા જાહેર કરેલા કોમન જીડીસીઆર(ક્રોમ્પ્રેહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન)ના ફાઈનલ નોટિફીકેશન ઈશ્યૂ કરાયું હતુ. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત ઉપરાંત પાલનપૂર, મહેસાણા, આણંદ સહિતના શહેરોમાં 36 મીટરથી 44 મીટરના રસ્તા ઉપર મહત્તમ 3.6 એફએસઆઈ તથા 45 મીટર કે તેથી વધુ પહોળા રસ્તા ઉપર ચારની એફએસઆઈ અપાશે. જેમાં બેઝ એફએસઆઈ 1.5 અથવા વધુ હોય તો તેમાં બાકીની એફએસઆઈ ચાર્જેબલ ગણાશે. આ ઉપરાંત કોમન પ્લોટમાં જીમ, કલબ હાઉસ સહિતની કોમન એમીનીટીઝને પણ એફએસઆઈમાંથી મુકિત અપાઈ છે. ક્રેડાઈ નેશનલના ચેરમેન જક્ષય શાહે કહ્યું કે, આ જાહેરાતોને પગલે રિયલ એસ્ટેટમાં તેજી આવશે. રિયલ એસ્ટેટ પર નભતી 300 ઈન્ડસ્ટ્રીઝમાં પણ વેગ આવશે અને માર્કેટનુ સેન્ટીમેન્ટ પણ સુધરશે.

ભાસ્કર એક્સપર્ટ: રાજ્યનાં દરેક શહેરોમાં FSI વધતાં બિલ્ડરો વધુ પ્રોજેક્ટ મૂકવા પ્રેરાશે પરિણામે વધુ મકાન બનવાથી ગ્રાહકોને ફાયદો થશે
1. 36 થી 44 મીટરના રસ્તા ઉપર મહત્તમ 3.6 એફએસઆઈ તથા 45 મીટરથી વધુના રસ્તા પર 4 ની એફએસઆઈ મળશે. જેમાં રસ્તાની બંન્ને બાજુ 200 મીટર સુધી બેઝ એફએસઆઈ 1.5 અથવા વધુ હોય તેમાં બાકીની ચાર્જેબલ ગણાશે.
અસર : અમદાવાદમાં સામાન્ય ફાયદો થશે પણ આ સિવાય રાજયના દરેક શહેરોમાં એફએસઆઈ વધતા બિલ્ડરો વધુ પ્રોજેકટ મૂકવા પ્રેરાશે. જેથી મકાનો વધુ બનશે અને તેનો ફાયદો ગ્રાહકોને પણ થઈ શકશે.
2. કોમન પ્લોટમાં સોસાયટીના કોમન ફેસિલિટીઝના મળવાપાત્ર બાંધકામને એફએસઆઈમાંથી સંપૂર્ણ મુકિત. આવા કોમન પ્લોટ એસોસીયેશનને સોંપવાના રહેશે.
અસર : હવે સોસાયટી કે ફલેટમાં કલબહાઉસ, જીમ, સ્વીમીંગ પૂલ સહિતની સુવિધાઓ ફલેટધારકોને મળી રહેશે. અત્યારસુધી કોમન એમિનિટીઝ એફએસઆઈમાં ગણાતી હોવાથી બિલ્ડરો તે ઓછી આપતા હતા.
3. નોન ટીપી એરિયામાં નિયત સમય પૂર્વે મંજૂર થયેલી બિનખેતી તથા સબપ્લોટીંગના કિસ્સામાં 2500 ચોરસ મીટર સુધીના પ્લોટમાં કપાત નહીં કરાય.
અસર : ટીપી ફાઈનલ થયા પૂર્વે જે પ્લોટ ડેવલપ થઈ ગયા હોય ત્યાં સોસાયટી કે ફલેટ બની ગયા હોય તો પણ 40 ટકા કપાત લેવાતી હતી. જો કે, તેમાં ઘણી મુશ્કેલી નડતી હતી. પણ હવે આવા ડેવલપ થઈ ગયેલા પ્લોટમાં કોઈ કપાત નહીં લેવાય.
4. 9 મીટરથી ઓછી પહોળાઈના રોડ પર મકાનોની ઊંચાઈ 10 મીટરની જગ્યાએ 12 મીટર મળવાપાત્ર બનશે.
અસર : 10 મીટરની ઊંચાઈ હોવાના કારણે બંગલા, રો-હાઉસ વગેરેમાં પણ ત્રણ માળના ફલેટ બની શકતા હતા હવે 12 મીટર થતા ચાર માળના ફલેટ બની શકશે.
5. ગામતળમાં રોડની પહોળાઈ મુજબ એફએસઆઈની મર્યાદામાં બિલ્ડિંગની ઊંચાઈ મળવાપાત્ર થશે.
અસર : રાજયના કોઈ પણ સત્તામંડળે નોટિફાય કરેલા ગામતળ વિસ્તારોમાં હવે મોટા પ્રમાણમાં ફલેટ બની શકશે. જેના કારણે લોકોને સસ્તા ઘર મળવાની શકયતા પણ જોઈ શકાય છે.
(ક્રેડાઈના નેશનલ વડા જક્ષય શાહ અને ગાહેડ પ્રમુખ અજય પટેલ સાથે થયેલી વાતચીતના આધારે)

X
ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019માં સંબોધન કરતા CM રૂપાણીગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019માં સંબોધન કરતા CM રૂપાણી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી