- મે 2018માં વોલમાર્ટ-ફ્લિપકાર્ટની ડીલથી અત્યાર સુધીમાં બિન્નીએ 3 વખત શેર વેચ્યા હતા
- બિન્ની અત્યાર સુધીમાં 1734 કરોડ રૂપિયાના શેર વેચી ચુક્યા છે
- સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા પર ફોકસ કરી રહ્યાં છે
Divyabhaskar.com
Sep 02, 2019, 05:05 PM ISTબેંગલરુઃ બિન્ની બંસલે ફ્લિપકાર્ટના પોતાના 1 લાખ 2 હજાર 355 શેર ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ટાઈગર ગ્લોબલને વેચ્યા છે. આ શેરની વેલ્યુ 1.4 કરોડ ડોલર(100 કરોડ રૂપિયા) છે. આ ડીલ બાદ ટાઈગર ગ્લોબલનો ફ્લિપકાર્ટમાં હિસ્સો 4.63 ટકાથી વધીને 4.69 ટકા થયો છે. ફ્લિપકાર્ટે રજિસ્ટ્રાર ઓફ કંપનીને આ માહિતી આપી છે. સોમવારે આ વાત જાણવા મળી છે.
બિન્નીએ 2 મહીના પહેલા 531 કરોડના શેર વેચ્યા હતા
ગત વર્ષે મેમાં અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટે ફ્લિપકાર્ટના 77 ટકા શેર ખરીદ્યા હતા. ત્યારથી અત્યાર સુધીમાં બિન્ની બંસલે ત્રીજી વાર શેર વેચ્યા છે. હવે તેમની પાસે ફ્લિપકાર્ટના 3% શેર રહ્યાં છે. આ વર્ષે જૂનમાં 531 કરોડ રૂપિયામાં 5.4 લાખ શેર વોલમાર્ટને વેચ્યાં હતા. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે વોલમાર્ટની ડીલના સમયે બિન્નીએ 1,103 કરોડ રૂપિયામાં 11 લાખ 22 હજાર 433 શેર વેચ્યા હતા.
બિન્ની બંસલે યૌન શોષણના આરોપ બાદ ગત વર્ષે નવેમ્બરમાં ફ્લિપકાર્ટના ગ્રુપ સીઈઓ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જોકે તે કંપનીના બોર્ડમાં છે. સચિન અને બિન્ની બંસલે 2007માં ફ્લિપકાર્ટ શરૂ કરી હતી. બિન્ની 2016માં સીઈઓ બન્યા અને વોલમાર્ટની ડીલ બાદ ગ્રુપ સીઈઓ બનાવવામાં આવ્યા હતા.
બિન્ની સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા પર ફોકસ કરી રહ્યાં છે
બિન્ની બંસલ હાલ એક નવા વેન્ચર એકસટૂ ટેનએક્સ ટેક્નોલોજીસમાં વ્યસ્ત છે. તેમણે ફ્લિપકાર્ટેને તેમના પૂર્વ સાથી સાઈકિરણ કૃષ્ણમૂર્તિની સાથે મળીને શરૂ કરી હતી. એકસટૂ ટેનએક્સ સ્ટાર્ટઅપ કંપનીઓ માટે ટેકનોલોજી ટૂલ અને કન્સલ્ટિંગ સર્વિસ આપે છે. એમ માનવામાં આવી રહ્યું છે કે ફ્લિપકાર્ટના શેર વેચવાથી મળેલી રકમનું તે સ્ટાર્ટઅપમાં રોકાણ કરી રહ્યાં છે. તેમણે સિગટપલ અને રોપાસો જેવા સ્ટાર્ટઅપમાં પૈસા લગાવ્યા છે.