સુરેન્દ્રનગર / ચોટીલા, જસદણ અને વિંછીયા વિસ્તારમાં બે એશિયાટિક સિંહ જોવા મળ્યા, 5 પશુનું મારણ કર્યું

ઢેઢુકીની સીમમાં બે સિંહ ફરતા દેખાયા
ઢેઢુકીની સીમમાં બે સિંહ ફરતા દેખાયા

 • ઢેઢુકી ગામમાં બે સિંહોને ગ્રામજનોએ જોતા વીડિયો ઉતાર્યા
 • કોઈપણ પ્રકારની ખલેલ વગર લોકોએ સિંહોને ફરવા દીધા
 • ચોટીલાના છેવાડાના ધારૈઈ ગામમાં સિંહે પાડીનું મારણ કર્યું

Divyabhaskar.com

Nov 20, 2019, 03:40 AM IST
સુરેન્દ્રનગર: ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત સૌરાષ્ટ્રની શાન એવા એશિયાટિક લાયન્સનું આગમન થયું છે. વન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે ચોટીલાના ઢેઢુકી ગામમાં ગઈકાલે ગીરના સાવજ દેખાયા હતા. સિંહો ચોટીલા પંથકમાં ફરતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં બે સિંહ જતા દેખાય છે. કોઈએ આ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં ફરતા કર્યા છે.
સોશિયલ મીડિયામાં મેસેજ સાથે વીડિયો વાઈરલ
વીડિયો સાથે મેસેજ વાઈરલ કરીને લખવામાં આવ્યું છે કે, ચોટીલા પંથકમાં સિંહ દેખાયો છે. ઢેઢુકી ગામ સિંહ દેખાયો છે અને તાલુકાના છેવાડાના ધારૈઈ ગામમાં પાડીનું મારણ કર્યું છે. સાથે જ સવાલ કરવામાં આવ્યો છે કે શું ગીરના જંગલમાં પાણી અને ખોરકની ઘટ છે.
વીડિયોમાં શું દેખાય છે
એક બાદ એક એમ બે સિંહ કાચા માર્ગ પાસે થોડે દૂર પસાર થતા દેખાય છે. ત્યાં કેટલાક સ્થાનિક લોકો આ દ્રશ્ય જુએ છે. જો કે આ દરમિયાન સિંહોને કોઈપણ પ્રકારની પરેશાની ન થાય તેનું પણ તેમણે ધ્યાન રાખ્યું હોય તેવું વીડિયોમાં જોઈ શકાય છે. વીડિયોમાં દેખાય છે કે ચોટીલામાં પંથકમાં એક નહીં પરંતુ બે સિંહ ફરી રહ્યા છે.
સુરેન્દ્રનગર વન વિભાગ દોડી ગયો
ચોટીલાના ઢેઢુકીમાં સિંહો આવતા સુરેન્દ્રનગરના વન વિભાગના કર્મચારીઓ દોડી ગયા હતા. ત્યાં તપાસને અંતે વન વિભાગે સત્તાવાર રીતે ચોટીલા પંથકમાં સિંહ આવ્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. વન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે સિંહના આગમનને પગલે વન કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. સાથે જ લોકોને સંયમ રાખવા અપેક્ષા રાખી છે અને જણાવ્યું છે કે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ સિડ્યુઅલ 1ના પ્રાણી તરીકે સિંહોને રક્ષણ આપવામાં આવ્યું છે. તેને પજવવો, ચીડવવો, પરેશાન કરવો સજાપાત્ર ગુનો બને છે. સુરેન્દ્રનગર વનવિભાગે લોકોને અપીલ કરીને રેન્જ ફોરેસ્ટ ઓફિસર- ચોટીલા રેન્જ અને રાઉન્ડ ફોરેસ્ટ ડાક વડલા- ચોટીલા રેન્જને જાણ કરવા અપીલ કરી છે.
સિંહને લઈને ગ્રામજનોને શું સાવચેતી રાખવી
 • સિંહોને છંછેડશો નહીં
 • લોકોનું ટોળું લઈને સિંહ જોવા જવું નહી
 • સિંહોની હાજરી ગામની આસપાસ હોય તો માલઢોરને ખુલ્લામાં બાંધવા નહીં
 • સિંહોએ નીલગાય, ભૂંડ કે રેઢિયાળ ઢોરનું ખેતર કે સીમમાં મારણ કર્યું હોય તો ગામમાં તેની માહિતી ફેલાવવી નહીં
 • સિંહ ખેતરમાં હોય તો પણ ગામમાં વાત ફેલાવવી નહીં. કેમ કે આવી માહિતીને પગલે લોકો સિંહને જોવા માટે જતા હોય છે અને સિંહને ખલેલ પહોંચાડતા હોય છે
 • છંછેડાયેલા સિંહો ઘણી વખત હુમલા કરી શકે છે. આ કારણે જ ગીરની આસપાસ રહેતા ખેડૂતો સિંહ કેતરમાં હોવાની માહિતી અન્ય ગ્રામજનોને નથી આપતા. કારણ કે ખેડૂતોએ આપેલી માહિતીથી બીજા લોકો સિંહ જોવા જાય અને સિંહને છંછેડે તો બીજા દિવસે સિંહ ખેડૂત પર પણ હુમલો કરી શકે છે.
 • રાત્રે સિંહે મારણ કરીને ખાતા હોય ત્યારે તેના પર લાઈટ કરીને અથવા ગાડી લઈને નજીક જવું નહીં.
 • જો માલિકીના માલઢોરનું સિંહે મારણ કરે કે બીમાર કે ઘવાયેલો સિંહ દેખાય તો વન વિભાગના કર્મચારીઓને તેની જાણ કરવી

5 જેટલા પશુઓનું મારણ કર્યું હોવાનું જાણવા મળ્યું
રાજકોટના મદદનીશ વન સંરક્ષણ પી. ટી. શિયાણીએ જણાવ્યું છે કે, અમરેલીની બાબરા રેન્જમાંથી બે સિંહ જસદણના વીંછીયા અને ચોટીલા રેન્જમાં જોવા મળ્યા હતા. ચોટીલા, જસદણ અને વીંછીયા વિસ્તારમાં સિંહની જોડી જોવા મળી છે. જેણે

5 જેટલા પશુઓનું મારણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. વીંછીયાના ઢેઢુંકી અને ચોટીલા ચોબારી વિસ્તારમાં આ સિંહોનું છેલ્લું લોકેશન જોવા મળ્યું છે. સિંહોની સંખ્યા વધતા માનવ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.

સાવજના ભયે ખેતરો સૂમસામ 60ની ટીમ દ્વારા મોનિટરિંગ
ચોટીલા અને થાન પંથકમાં આવેલા માંડવવન સહિતના વિસ્તારોમાં રાની પશુઓ વસવાટ કરતા હોવાની વાત જાણીતી છે. 150 વર્ષમાં પહેલીવાર સિંહ વિસ્તારમાં જોવા મળ્યો છે. આસપાસના વિસ્તારમાં સિંહની હાજરી હોવાનાં નિશાન તેમજ મારણ કરેલાં પશુઓ મળી આવ્યાં હતાં. આ વિસ્તારમાં સિંહોએ 2 વાછરડી અને 1 પાડા સહિત 3 પશુનું મારણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં 2 સિંહ પૈકી એક માદા સિંહણ અંદાજે 8 વર્ષની ઉંમરની તેમજ નર બાળ સિંહ અંદાજે 2 વર્ષની ઉંમરનું હોવાનું જાણવા મળી રહ્યું છે. ફોરેસ્ટ વિભાગે બન્ને સિંહોનું લોકેશન જાણવા સુરેન્દ્રનગર, જસદણ, વિંછીયા અને હિંગોળગઢ ફોરેસ્ટ વિભાગના 60 કર્મચારીની અલગ અલગ ટીમ બનાવી આસપાસનાં તમામ ગામની સીમો ખૂંદી રહી છે. સિંહના ડરને લીધે લોકો સીમમાં ખેતરોમાં કામ અર્થે જવાથી ડરી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગે સિંહની હાજરીને લઈને લોકોને તકેદરી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં સિંહને ખલેલ ન પહોંચાડવા તેમજ સિંહ દેખાય કે મારણ કરેલું દેખાય તો તુરંત ફોરેસ્ટ વિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે.
ચોટીલા કેમ આવ્યો? ‘સિંહ માટે 120 કિમી સામાન્ય ’
કેટલાક સમયથી ચોટીલા પંથકમાં સિંહની મુવમેન્ટ જોવા મળતી હતી જેને લઇને કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં બે સિંહોનો વસવાટ હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીથી અંદાજે 120 કિમી અંતર કાપી સિંહણ-નર બચ્ચુ આવ્યા છે. અત્યારે 8 ટીમના અંદાજે 60 વધુ માણસો દ્વારા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. સામાન્ય રીતે સિંહની 200 કિલોમિટરથી વધુની રેન્જમાં મુવમેન્ટ હોય છે. એટલે 120 કિમી અંતર સામાન્ય છે.-એચ.વી.મકવાણા, ડીસીએફ, સુરેન્દ્રનગર
પુખ્ત નર નથી એટલે સ્થળાંતર નહીં: CCF
જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ સંજય શ્રીવાસ્તવના જણાવ્યા માતા-પુત્ર સિંહ છે. સિંહણ સાથે મેટીંગ માટે નર નથી એટલે તે પરત ફરશે.
સિંહ એક રાતમાં 25, 30 કિમી ચાલી શકે છે
સિંહ દિવસે આરામ કરે છે અને એક રાતમાં 25થી 30 કિલોમીટર ચાલે છે. સિંહ એકવાર શિકાર આરોગ્યા બાદ 6 દિવસ ભોજન વિના રહી શકે છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિંહણ અને નર બચ્ચાની જોડી બાબરા, હિંગોળગઢથી 120 કિમી અંતર કાપી ચોટીલા નજીક ઢેઢુકી ગામ પાસે જોવા મળી હતી.

X
ઢેઢુકીની સીમમાં બે સિંહ ફરતા દેખાયાઢેઢુકીની સીમમાં બે સિંહ ફરતા દેખાયા
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી