અમદાવાદ / ગુજરાત વિધાનસભા અધ્યક્ષનો દાવો, ખુદ આંબેડકર કહી ચૂક્યા છે કે બંધારણનો મુસદ્દો એક બ્રાહ્મણે ઘડ્યો હતો

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીની ફાઈલ તસવીર
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીની ફાઈલ તસવીર

  • આંબેડકરે બંધારણનો મુસદ્દો ઘડવાની ક્રેડિટ બેનેગલ નારસિંઘ રાવ નામના બ્રાહ્મણને સત્તાવાર આપી હતીઃ રાજેન્દ્ર ત્રિવેદી
  • અત્યારસુધીમાં નવ ભારતીય નોબેલ પારિતોષિક જીતી ચૂક્યા છે, જેમાંના આઠ તો બ્રાહ્મણ જ છેઃ સ્પીકરનો દાવો

Divyabhaskar.com

Jan 04, 2020, 01:20 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ શુક્રવારે દાવો કર્યો છે કે આપણા ભારતના બંધારણના ઘડવૈયા ખુદ ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણનો મુસદ્દો ઘડવા માટેની ક્રેડિટ એટલે કે શિરપાવ એક બ્રાહ્મણને આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર ત્રિવેદીનો ઈશારો બી એન રાવ તરફ હતો જેમણે આ મુસદ્દો ઘડ્યો હતો. 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ'ની બીજી આવૃત્તિના ઉદઘાટન પ્રવચનમાં તેમણે દાવો કર્યો હતો કે, નોબેલ પારિતોષિક વિજેતા નવ ભારતીયોમાંથી આઠ તો બ્રાહ્મણ જ છે.

વિશ્વના 60 દેશના બંધારણનો અભ્યાસ કર્યા પછી આપણું બંધારણ બન્યું

અડાલજ ત્રિમંદિર પાસે ચાલી રહેલી આ સમિટમાં બ્રહ્મસમાજના અગ્રણી એવા રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે, ‘શું તમે જાણો છો કે વિશ્વના 60 દેશના બંધારણનો અભ્યાસ કર્યા પછી આપણા બંધારણનો મુસદ્દો તૈયાર કરાયો હતો? શું તમને ખબર છે કે આ મુસદ્દો ડૉ. ભીમરાવ આંબેડકરને કોણે સુપરત કર્યો હતો? બંધારણની વાત આવે ત્યારે આપણે બધા ડૉ. આંબેડકરને યાદ કરીએ છીએ. પરંતુ આંબેડકરના પોતાના જ શબ્દોમાં જોઈએ તો આ મુસદ્દો બેનેગલ નારસિંઘ રાવ નામના એક બ્રાહ્મણે તૈયાર કર્યો હતો.’

આંબેડકરે 25 નવે., 1949ની સ્પીચમાં રાવને બંધારણની ક્રેડિટ આપી

‘ઇતિહાસ તો આપણને કહે છે કે, બ્રાહ્મણો હંમેશા બીજાની પડખે રહ્યા અને બધાને સહાય કરી. રાવે પણ આમ જ કર્યું અને આંબેડકરને હંમેશા પોતાની આગળ રાખ્યા. આપણે બધાએ આંબેડકર પર ગર્વ કરવો જોઈએ કારણ કે તેમણે રાવનો ઉલ્લેખ 25 નવેમ્બર, 1949ના રોજ બંધારણીય ધારાસભામાં પોતાના પ્રવચનમાં કર્યો હતો. તેમના શબ્દોમાં કહું તો, મને જે ક્રેડિટ અપાઈ છે તે માટે હું નહીં પણ બી એન રાવ હકદાર છે.’

હાલમાં નોબેલ જીતનારા નવમા ભારતીય અભિજિત બેનર્જી પણ બ્રાહ્મણ

તેમણે એમ પણ કહ્યું હતું કે, અત્યારસુધીમાં આઠ ભારતીયો નોબેલ પારિતોષિક જીતી ચૂક્યા છે, જેમાંના સાત બ્રાહ્મણ છે. હજી હાલમાં જ નવા ભારતીયને નોબેલ પારિતોષિકની જાહેરાત થઈ છે જે મેળવનાર અભિજિત બેનર્જી પણ એક બ્રાહ્મણ જ છે. આમ જોવા જઈએ તો નોબેલ પારિતોષિક મેળવનારા તે નવમા ભારતીય અને આઠમા બ્રાહ્મણ છે. હાલમાં જ દિલ્હીમાં એક મકાનમાં ભીષણ આગ લાગી તો દિલ્હીના ફાયરબ્રિગેડ જવાન રાજેશ શુક્લાએ જીવના જોખમે 11 જણાને બચાવ્યા હતા અને તે પણ એક બ્રાહ્મણ હતા.

X
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીની ફાઈલ તસવીરગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી