વાતાવરણમાં પલટો / અમદાવાદના ઓઢવમાં 1 કલાકમાં જ પોણા બે ઈંચ વરસાદ

  • ભારે પવન ફૂંકાતા નવરાત્રિના મંડપને અસર
  • હજુ સોમવાર સુધી વરસાદી ઝાપંટાની આગાહી
  • બપોરે 4થી 5માં વિરાટનગર-ચકુડિયામાં ગાજવીજ સાથે ઝાપટું, સિઝનનો વરસાદ 34 ઈંચ થયો

Divyabhaskar.com

Oct 07, 2019, 05:08 AM IST

અમદાવાદ: રવિવારે બપોરે ચાર થી પાંચ વાગ્યા દરમિયાન પૂર્વ ઝોનમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. જેમાં ઓઢવમાં સૌથી વધુ પોણા બે ઈંચ, વિરાટનગરમાં દોઢ અને ચકુડિયા ખાતે એક ઈંચ વરસાદ પડયો હતો. ઉત્તર ઝોનમાં પણ સાત મી.મી વરસાદ પડયો હતો. જેમાં મેમ્કો અને નરોડામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. આ સિવાય શહેરના અન્ય એક પણ ઝોનમાં વરસાદ પડયો ન હતો. બપોરે ચાર થી પાંચ વાગ્યા દરમિયાન પૂર્વ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે આ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં સિઝનનો કુલ વરસાદ 34 ઈંચ જેટલો નોંધાયો છે જે સિઝનના સરેરાશ વરસાદ કરતા ચાર ઈંચ વધુ છે.
મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ગગડીને 33.0 ડિગ્રી નોંધાયું
હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ સર્જાયું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ગગડીને 33.0 ડિગ્રી નોંધાયું હતું. જયારે લઘુત્તમ તાપમાન શનિવાર કરતાં 1 ડિગ્રી ગગડીને 23.7 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે દિવસ દરમિયાન લોકોએ ભારે બફારાનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં વાદળિયું વાતાવરણ રહેશે, પણ વરસાદની શક્યતા નહિવત છે. એટલું જ નહિ, આગામી બે દિવસમાં દિવસે ગરમી અને મોડી રાત્રે ઠંડકનો અનુભવ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સોમવાર સુધી વરસાદી ઝાપટાંની આગાહી
શનિવારે પણ શહેરનાં વિવિધ વિસ્તારમાં અડધોથી એક કલાક વરસાદ પડતાં પાર્ટી પ્લોટોમાં વરસાદી પાણી ભરાયા હતા. હજુ સોમવાર સુધી અમદાવાદ સહિત રાજ્યમાં છૂટાંછવાયાં ઝાપટાં પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી અને લધુત્તમ તાપમાન 24.6 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના શહેરોમાં ગરમીનો પારો 32થી 34 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી