અમદાવાદ ફ્લેશબેક 2019 / 70 વર્ષમાં પહેલી વાર સાબરમતીમાં ગણેશ વિસર્જન ન થયું

અમદાવાદીઓએ 50 હજારથી વધુ મૂર્તિ કુંડમાં વિસર્જિત કરી હતી.
અમદાવાદીઓએ 50 હજારથી વધુ મૂર્તિ કુંડમાં વિસર્જિત કરી હતી.

  • કાંકરિયાની રાઇડ તૂટી પડતાં 2નાં મોત, 6ની કરોડરજ્જુ ભાંગી
  • બોગસ એનઓસી બદલ DPS ઇસ્ટની માન્યતા રદ
  • નિત્યાનંદ આશ્રમમાં બાળકોનું શોષણ, અંતે આશ્રમ તોડી પડાયો
  • શાહઆલમમાં CAA અને NRC મુદ્દે હિંસા
  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન, સિગ્નલ, ટેલિકોમ કેબલો અવરોધ બનતા કામ અટક્યું

Divyabhaskar.com

Dec 31, 2019, 03:00 AM IST
અમદાવાદ: અમદાવાદમાં સાર્વજનિક ગણેશોત્સવ ઊજવવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં પહેલી વાર અમદાવાદીઓએ પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવતાં સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન ન કર્યું. શહેરભરમાંથી લગભગ 50 હજારથી વધુ મૂર્તિઓનું રિવરફ્રન્ટ પર અને અન્ય સ્થળોએ બનાવવામાં આવેલાં કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ, આ વખતે સંખ્યાબંધ ગણેશ પંડાલોએ મૂર્તિની સ્થાપનાના સ્થળે જ વિસર્જનનો માર્ગ અપનાવ્યો હતો. જોકે આ વખતે મ્યુનિ. દ્વારા પણ નદીમાં મૂર્તિ વિસર્જન ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી. માત્ર ગણેશોત્સવમાં જ નહિ, દશામાની મૂર્તિઓનું પણ આ વખતે સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું નહોતું. અમદાવાદમાં 1950થી સાર્વજનિક ગણેશોત્સવ ઊજવવામાં આવી રહ્યો હોવાનું ગણેશ સાર્વજનિક મહોત્સવ એસોસિયેશનના ઉપપ્રમુખ બંસીલાલ કોન્ડેકરનું કહેવું છે.
બોગસ એનઓસી બદલ DPS ઇસ્ટની માન્યતા રદ
ડીપીએસ ઇસ્ટ સ્કૂલે સરકારના ખોટા એનઓસીથી સીબીએસઈની માન્યતા મેળવતા તે રદ કરી દેવાઈ. આ પછી ડીપીએસનાં મંજૂલા શ્રોફ, હિતેન વસંત, અનિતા દુઆ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો. પ્રિન્સિપાલ હિતેશ પૂરીએ પણ રાજીનામું આપ્યું.
નિત્યાનંદ આશ્રમમાં બાળકોનું શોષણ, અંતે આશ્રમ તોડી પડાયો
હીરાપુરમાં ડીપીએસ ઇસ્ટ સંકુલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બાળકોનું શોષણ થયાનો નિત્યાનંદ સહિત સંચાલિકા સામે ગુનો નોંધાયો હતો. 2 સાધ્વીની ધરપકડ પણ કરાઈ. આશ્રમની બે બહેનો હજુ લાપતા છે. આ દરમિયાન આશ્રમ તોડી પડાયો.
શાહઆલમમાં CAA અને NRC મુદ્દે હિંસા
સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટ (સીએએ)ના વિરોધમાં મુસ્લિમ અગ્રણીઓએ આપેલા બંધના એલાનને પગલે શાહઆલમમાં પૂર્વયોજિત તોફાનો થયાં. ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેમાં 19થી વધુ ઘાયલ થયા. આ ઘટનામાં કોંગ્રેસી કોર્પોરેટર શેહજાદખાન પઠાણ, લખનઉના વીડિયોને શાહઆલમનો બતાવી ઉશ્કેરણી કરનારા મુફિસ અહેમદ અનિસ અંસારી સહિત 32ની ધરપકડ કરાઈ. સીએએના વિરોધમાં આઈઆઈએમ, સેપ્ટ ખાતે પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યા હતા.
એપલ હોસ્પિ.માં 15 નવજાત શિશુનાં જીવ જોખમમાં મુકાયા
પરિમલ પાસેના દેવ કોમ્પલેક્સમાં બાળકોની એપલ હોસ્પિટલની ટેરેસ કેન્ટીનમાં 2 ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હતી, જેમા 15 શિશુના જીવ જોખમમાં મુકાયા. તેમાં 12 બાળક ઇન્ક્યુબેટર પર હતાં. તેમને અન્ય હોસ્ટિપલમાં ખસેડાયા હતા.
દેવઓરમમાં આગ, 100 ગૂંગળાયા 15ને ટિંગાટોળી કરી બચાવાયા
આનંદનગર રોડ પરના દેવઓરમ કોમ્પ્લેક્સમાં આગ લાગતા 100 લોકો ગૂંગળાયા હતા. બ્લિડિંગમાં મૂળ ડિઝાઇન બદલવાથી ચોથા માળે લાગેલી આગનો ધુમાડો આઠમા માળ સુધી પહોંચતા લોકો પેરાફિટ વોલની બહાર આવી ગયા હતા.
બેદરકારીનાં મોત
કાંકરિયાની રાઇડ તૂટી પડતાં 2નાં મોત, 6ની કરોડરજ્જુ ભાંગી

કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કની 60 ફૂટ ઊંચી ડિસ્કવરી રાઇડ તૂટી પડતાં 2 મોત નીપજ્યાં હતાં. જેમાં 6ની તો કરોડરજ્જુ ભાંગી ગઈ હતી. અઠવાડિયા પહેલાં જ આ રાઇડ ખામીયુક્ત હોવાનો રિપોર્ટ અપાયો હતો. આ ઘટનાને પગલે તમામ રાઇડ્સનાં લાઇસન્સ રદ કરાયાં હતાંં.
બોપલમાં 20 વર્ષ જૂની 30 ફૂટ ઊંચી ટાંકી તૂટી પડતાં 3નાં મોત
બોપલમાં 20 વર્ષ જૂની, 30 ફૂટ ઊંચી અને એક લાખ લિટર પાણી ભરેલી ઓવરહેડ ટાંકી તૂટી પડતાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 6 લોકોને ઇજા થઈ હતી, જેમાંથી 2ની તો કરોડરજ્જુ ભાંગી ગઈ હતી. ટાંકી પડવાની આ ઘટનામાં પાલિકાની બેદરકારી છતી થઈ હતી.
પાંજરાપોળ પાસે બીઆરટીએસ બસે બે સગાં ભાઈને કચડ્યા
પાંજરાપોળ પાસે બીઆરટીએસ બસના ડ્રાઇવરની બેદરકારીને કારણે બે સગા ભાઈનાં મોત થયાં હતાં. કોંગ્રેસે બીઆરટીએસ બંધ કરવાની માગ કરી. આ વિવાદ વચ્ચે છ અધિકારીની બદલી કરી દેવાઈ હતી.
અમરાઈવાડીમાં 71 વર્ષ જૂનું મકાન ધરાશાયી, ચારનાં મોત
અમરાઈવાડીની બંગલાવાળી ચાલીમાં 71 વર્ષ જૂનું મકાન તૂટી પડ્યું, જેમાં મકાનમાલિક, તેમની પત્ની-પુત્રી સહિત ચારનાં મોત થયાં હતાંં. કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવા 12 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું.
અધૂરા પ્રોજેક્ટ 2019માં શરૂ કરવાનો દાવો હતો
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2: મંજૂરી નહિ મળતાં હજુ પણ કામ શરૂ ન થયું, હવે 6 મહિનામાં શરૂ કરાશે

સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ દ્વારા 2018માં રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટનો પ્રારંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કારણ: રિવરફ્રન્ટ પૂર્વમાં ડફનાળાથી ઇન્દિરા બ્રિજ 5.4 કિલોમીટરમાં કામ શરૂ કરવાનું છે, પરંતુ આ ભાગની કેટલીક જમીન આર્મી કેન્ટોનમેન્ટની માલિકીની છે, જેને કારણે આ જમીન મેળવવા માટે કેન્દ્રીય ડિફેન્સ મિનિસ્ટ્રી સુધી આની ફાઇલ ચાલતાં હજુ સુધી કામ શરૂ થઈ શક્યું નથી.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: જમીન સંપાદન, સિગ્નલ, ટેલિકોમ કેબલો અવરોધ બનતા કામ અટક્યું
સાબરમતી રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડના મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
કારણ: જમીન સંપાદન, રેલવે ઓફિસો અને ટેલિકોમ વિભાગના કેબલો રૂટની વચ્ચે આ‌વતા હોવાથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ શરૂ થઈ શક્યું નહોતું. હવે 50 ટકાથી વધુ જમીન સંપાદન, ડિઝાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ બુલેટ ટ્રેનના સંપૂર્ણ રૂટને અલગ અલગ ભાગમાં વહેંચી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ છે.
મેટ્રોનો APMCથી શ્રેયસ રૂટ: કોન્ટ્રાક્ટરે અધૂરું કામ છોડ્યું, ફરી ટેન્ડર શરૂ કરતા કામ પૂરું ન થયું
વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી મેટ્રો દોડાવ્યા બાદ ફેઝ-1નો બાકીનો રૂટ એપીએમસીથી પાલડી (શ્રેયસ ક્રોસિંગ) પૂરો કરવાનો હતો.
કારણ: મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1માં આવતા એપીએમસીથી પાલડી (શ્રેયસ ક્રોસિંગ) રૂટ પર 2019ના અંત સુધીમાં ટ્રાયલ રન શરૂ કરવાની હતી, પરંતુ કોન્ટ્રાક્ટર કામ અધવચ્ચે છોડીને જતો રહેતા આ રૂટનું કામ ખોરંભે ચડ્યું. ત્યાર બાદ ટેન્ડર નવેસરથી શરૂ કરી કામ શરૂ કરવામાં આવ્યું છે.
એટ-અ-ગ્લાન્સ
વિકાસને વેગ
શહેરને નવી હાઈટેક હોસ્પિટલ મળી

મ્યુનિ. સંચાલિત પેપરલેસ એસવીપી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું વડાપ્રધાને ઉદઘાટન કર્યું. એક જ બિલ્ડિંગમાં 1500 પથારી ધરાવતી પ્રથમ સરકારી હોસ્પિટલ છે.
અમદાવાદને સૌથી લાંબો બ્રિજ મળ્યો
શહેરના સૌથી લાંબા 1.25 કિલોમીટરના અંજલિ બ્રિજનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
વસ્ત્રાલથી એપેરલ પાર્ક મેટ્રો રૂટ શરૂ
શહેરમાં મેટ્રો ટ્રેનના પ્રથમ ફેઝ વસ્ત્રાલના નિરાંત ચોકડીથી એપેરલ પાર્ક રૂટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું. મેટ્રોના ફેઝ-1નો આ પ્રથમ રૂટ 6.5 કિલોમીટરનો હતો.
રાજકીય ચઢાવ-ઉતાર
દરિયાપુરમાં કોંગ્રેસ પર ભાજપ હાવી
લોકસભા ચૂંટણીમાં ભાજપના ડો. કિરીટ સોલંકીએ દરિયાપુર વિધાનસભા મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર કરતાં 6413 મત વધુ મેળવ્યા.
ભાજપ અમરાઈવાડી સીટ માંડ જીત્યો
અમરાઈવાડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ કોંગ્રેસના ધર્મેશ પટેલ સામે માંડ 5601 મતની સરસાઈથી જીત્યા હતા.
સૌથી મોટી લાંચ:ACB PI 18 લાખની લાંચ લેતા પકડાયા
જૂનાગઢ એસીબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા ડી. ડી. ચાવડાને ગૌચરની જમીનના કેસની પતાવટના બદલામાં 18 લાખની લાંચ લેતા અમદાવાદ એસીબીએ પકડ્યા હતા.
સૌથી મોટો બિનહિસાબી સંપત્તિનો કેસ
જમીન વિકાસ નિગમના નિયામક પ્રવીણ પ્રેમલ સામે કાયદેસરની આવકથી 201% વધુ બિનહિસાબી સંપત્તિનો ગુનો નોંધાયો. રાજ્યમાં આવો આ સૌથી મોટો કેસ હતો.
7 મ્યુનિ. અધિકારી લાંચ લેતા પકડાયા
મ્યુનિ.ના ડે. સિટી ઇજનેર મનોજ સોલંકી ગરીબ આવાસનું મકાન અપાવવાને બદલે એક લાખની લાંચ લેતા પકડાયા. આ વર્ષે મ્યુનિ.માં કુલ 7 અધિકારી લાંચ લેતા પકડાયા.
ભ્રષ્ટાચારના રસ્તા
પૂર્વ મંત્રીએ ખરાબ રોડનો વિરોધ કર્યો

એસપી રિંગરોડનો બોપલથી સનાથલ તરફ જતો રસ્તો વરસાદમાં તૂટી જતાં પૂર્વમંત્રીએ ટ્વીટ કરી તેનો વિરોધ કર્યો. આ સાથે રોડના મુદ્દે મ્યુનિ.માં પણ હોબાળો થયો.
ખરાબ રોડ માટે ઇજનેરો સામે ચાર્જશીટ
બે વર્ષ પહેલાંના ખરાબ રોડ મુદ્દે હાઈ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન ચાલી રહી છે. આ મામલે જવાબદાર 23 એન્જિનિયરોને મ્યુનિ. કમિશનરે ચાર્જશીટ ફટકારી હતી.
મોટી ખોટ: ડોક્ટર એચ. એલ. ત્રિવેદીની વિદાય
રાજ્યમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના ભીષ્મ પિતામહ ડો. એચ. એલ. ત્રિવેદીનું નિધન થયું. તેમણે 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાં હતાં. દેશપ્રેમ ખાતર વિદેશ છોડી તેમણે સિવિલ કેમ્પસમાં કિડની હોસ્પિટલ શરૂ કરી હતી.
X
અમદાવાદીઓએ 50 હજારથી વધુ મૂર્તિ કુંડમાં વિસર્જિત કરી હતી.અમદાવાદીઓએ 50 હજારથી વધુ મૂર્તિ કુંડમાં વિસર્જિત કરી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી