પ્રેમિકાને પામવા પતિએ પત્નીની બોથડ પદાર્થ મારી હત્યા કરી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર હાઇવે પર અકસ્માતમાં મહિ‌લાનું મોત થયું હોવાની ઘટનામાં નવું જ રહસ્ય ખૂલ્યું : હત્યારા પતિની ધરપકડ

ગત સપ્તાહમાં વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં ટ્રકની ટક્કર વાગતાં એક મહિ‌લાનું મોત થયું હોવાના બનાવમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં મહિ‌લાના પતિએ જ તેની પત્નીના માથા ઉપર કોઇ બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું ખૂલતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મહિ‌લાના પતિની ધરપકડ ધરી છે.

વડગામ તાલુકાના મગરવાડા ખાતે રહેતો સીલેચા રાજેશકુમાર નરેશભાઇ તેની પત્ની શિલ્પાબેન તેમજ બે વર્ષની દીકરી ધ્રુવી સાથે ગત ૨૭મી મેના રોજ વિસનગરમાં રહેતા તેમના સંબંધીના ઘરે પ્રસંગમાં આવ્યો હતો. પ્રસંગ પતાવી બંને જણાં શહેરના ગંજબજારમાં રહેતી તેમની બહેનની ખબર પૂછવા ગયાં હતાં. જ્યાં તેમની દીકરીને બહેનના ઘરે સુવડાવી બાઇક લઇ ફરવા નીકળ્યા હતા.

કાંસા ચોકડી બાઇક પાર્ક કરી આ દંપતી કાંસા રોડ પર સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી પરત આવતા હતા. તે સમયે ટ્રકની ટક્કરે શિલ્પાબેનનું મોત નીપજ્યું હોવાનું તેના પતિ રાજેશે પોલીસને જણાવતાં પોલીસે મહિ‌લાનું પેનલ ડોક્ટર પાસે પીએમ કરાવી ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી પીઆઇ એમ.એમ.પરમારે તપાસ હાથ ધરી હતી.

ઘટના પહેલેથી જ શંકાપ્રેરક હતી

પોલીસ તપાસમાં મહિ‌લાને શરીરે અન્ય કોઇ ઇજા થઇ ન હોય તેમજ જે પ્રકારની ઇજા છે તે બોથડ પદાર્થ મારી કરાઇ હોવાનું જણાતાં પોલીસે ઊંડી તપાસ હાથ ધરી હતી. એફએસએલ રિપોર્ટમાં આ અકસ્માત છે તે પણ સાબિત થઇ શક્યું ન હતું. જ્યારે ઘટનાસ્થળેથી પોલીસને લોહીના ડાઘા કે અન્ય કોઇ કડી મળી ન હતી. જ્યારે મૃતક શિલ્પાના માતા-પિતાએ તેના પતિએ મારી નાંખી હોવાની લેખિત રજૂઆત કરી હતી. આ તમામ બાબતો શકના દાયરામાં હોઇ પોલીસે તેના પતિ રાજેશ સામે હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

રાજેશને દેલાણા ગામની પરિણીત યુવતી સાથે પ્રેમ હતો

પોલીસ તપાસમાં મૃતક શિલ્પાનો પતિ રાજેશ પાલનપુર તાલુકાના દેલાણા ગામની એક પરિણીત યુવતીના પ્રેમમાં હોવાનું બહાર આવ્યું છે. જ્યારે રાજેશે તેની પ્રેમિકાને ઘટના બની તે સમયે ફોન કરી જણાવ્યું હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. રાજેશને તેની પત્ની ગમતી ન હોઇ પ્રેમિકાને પામવા તેની હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે.Related Articles:

અંબાજી નજીકના ધાબાવાળી વાવ ગામે યુવકની કરપીણ હત્યા
ગાંધીધામની એ પરિણીતાની હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું
દલિત યુવાને પત્ની અને ભાભુની હત્યા કરી
મધરાતે વિયોગ સહન ન થતાં પ્રેમિકાને મારી ગોળી, પ્રેમીની પણ હત્યા