લઘુમતી વિસ્તારમાં બિસ્માર માર્ગો મુદ્દે દુકાનદારો બંધ પાળશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીસ વર્ષથી માર્ગો બનાવાયા નથી પાલનપુરમાં લઘુમતી પ્રજાજનોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં છેલ્લા ર૦ વર્ષથી જાહેર માર્ગો બિસ્માર બની ગયા છે. આ અંગે નગરપાલિકામાં વારંવાર રજુઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. જેથી આ વિસ્તારના રહીશો બે દિવસ કામો હાથ ધરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેનું કામ તંત્ર દ્વારા શરૂ ન કરાતા મંગળવારે આ વિસ્તારના દુકાનદારો બંધ પાળીને વિરોધ વ્યક્ત કરવાના છે. પાલનપુર ખાતે કોટ અંદરના નાની બજાર, મોટી બજાર, ત્રણબત્તી, કમાલપુરા વિસ્તારમાં મુખ્યત્વે લઘુમતી પ્રજાજનો વસવાટ કરે છે. જ્યાં નગરપાલિકા દ્વારા પાયાની સુવિધાઓ આપવામાં વ્હાલા-દવાલાની નિતી અખત્યાર કરવામાં આવતી હોવાના અવાર-નવાર આક્ષેપો ઉઠવા પામ્યા છે. જ્યાં રસ્તા સહિતના વિકાસના કામોના મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરાઇ હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોટ વિસ્તાર -લઘુમતીઓની બહુમતી ધરાવતા વિસ્તારમાં નગરપાલિકાના સિમાંકનમાં આવેલા મુખ્ય જાહેર માર્ગોના કામ ૨૦ વર્ષથી અધુરા છે. આ અંગે વર્ષ ર૦૦૬ની શહેરી વિકાસ મંત્રાલય, મુખ્યમંત્રી ઓન લાઇનમાં રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ નગરપાલિકા દ્વારા કોઇ અમલીકરણ થતું નથી. જેથી ૪ જૂન ર૦૧૨ સુધીમાં તબક્કાવાર કામો હાથ ધરવા મહેતલ અપાઇ હતી. છતાં તંત્ર દ્વારા માર્ગોનું કામ શરૂ ન કરાતા આ વિસ્તારના દુકાનદારો મંગળવારે બંધ પાળનાર છે. છતાં કોઇ પરિણામ નહીં આવે તો ના છુટકે રહીશોને બજાર બંધ, રસ્તા રોકો આંદોલન તેમજ નગરપાલિકાનો ઘેરાવ કરી આંદોલન કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.’ જાહેર માર્ગોના મુદ્દે લઘુમતી વિસ્તારના રહીશો દ્વારા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવતાં પાલિકા સંકુલમાં હલચલ મચી જવા પામી છે.