વીજળીના કડાકા ભેગો સમ્પ તૂટ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીના ખાખચોક સ્થિત પાલિકાના અંડરગ્રાઉન્ડ સમ્પને નુકસાન કડીના ખાખચોક વિસ્તારમાં આવેલો નગરપાલિકાનો ૧૦ લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતો અંડરગ્રાઉન્ડ સમ્પ શનિવારે સાંજે વીજળીના કડાકા સાથે ધરાશાયી થઇ ગયો હતો. જેને કારણે શહેરમાં પાણીની તકલીફ ન પડે તે માટે પાલિકા દ્વારા પીવાના પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા સહિતની તજવીજ હાથ ધરાઇ હતી. કડી નગરપાલિકા દ્વારા વર્ષો પહેલાં મોટા તળાવ નજીક ખાખચોક વિસ્તારમાં ૧૦ લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતો અંડરગ્રાઉન્ડ સમ્પ બનાવાયો હતો. શનિવારે સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડેલા વરસાદમાં આ સમ્પનું ઉપરનું આરસીસી કવર સંપૂર્ણ તૂટીને પાણીમાં પડ્યું હતું. જેને કારણે ૧૦ લાખ લિટર ચોખ્ખા પાણીનો વ્યય કરવાની ફરજ પડતાં આ પાણી નજીકના મોટા તળાવમાં ખાલી કરાયું હતું. જ્યારે શહેરમાં પાણીની તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા તજવીજ હાથ ધરાઇ હોવાનું ચીફ ઓફિસર નરેશ પટેલે જણાવ્યું હતું.