પાલનપુરમાં સાધુ બન્યા શેતાન! લોકોએ માર્યો માર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ત્રણબત્તી વિસ્તારમાં બનેલો બનાવ : બે સાધુ પૈકી એકને પ્રજાજનોએ ઝડપી લઇ પોલીસને સોંપ્યો પાલનપુર ખાતે ત્રણબત્તી વિસ્તારમાં બુધવારે સવારના સુમારે એક બાળકી અને બાળક પાર્લરમાં ચોકલેટ લેવા ગયા હતા. જ્યાં આવેલા બે સાધુઓએ બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાથી જાણ થતાં એકત્ર થયેલા લોકોએ એક સાધુને ઝડપી લઇ મારમાર્યો હતો અને પોલીસ મથકે સોંપ્યો હતો. જ્યારે અન્ય સાધુ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઇ હતી. પાલનપુર શહેરમાં ચકચારી બનેલી ઘટનાની વિગતો આપતાં અપહરણના પ્રયાસનો ભોગ બનેલા બાળકના દાદી નજમાબેન ઇકબાલખાન નાગોરીએ જણાવ્યું હતું કે, 'તિનબત્તી ટાવર પાસે આવેલા જામનાવાસમાં રહેતા સબ્બીરભાઇ નથેખાન નાગોરીની પુત્રી સાકીરા (ઉં.વ.૮) તેમની પડોશમાં રહેતા તબરેજખાન નાગોરીના પુત્ર અરહાન (ઉં.વ.૩) ને લઇને બુધવારે સવારે ૧૧ કલાકની આસપાસના સુમારે નજીક આવેલા પાર્લરમાં ચોકલેટ લેવા ગઇ હતી. જ્યાં આવેલા બે સાધુઓએ અરહાનખાનનું અપહરણ કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સાકીરાએ બુમાબુમ કરતાં આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને સાધુઓનો પીછો કર્યો હતો. જ્યાં જુમ્મા મસ્જીદ પાસે અરહાનને સાધુઓ પાસેથી છોડાવવામાં આવ્યો હતો. જો કે, લોકોની ભીડનો લાભ લઇ એક સાધુ નાસી છૂટયો હતો. જ્યારે અન્ય સાધુ ઝડપાઇ જતાં લોકોએ તેને મારમારી શહેર પોલીસ મથકે સોંપ્યો હતો. સાધુની ઝોળીમાંથી બાળકોના કપડાં મળ્યા શહેરના ત્રણબત્તી વિસ્તારમાંથી બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કરનારા સાધુને લોકોએ ઝડપી લઇ શહેર પોલીસ મથકે સોંપ્યો હતો. જ્યાં પોલીસે તેની ઝોળીની તલાસી લેતાં તેમાંથી નાના બાળકોના કપડાં, ભગવા વસ્ત્રો તેમજ પેપરના ટુકડા તેમજ કેટલીક દવાઓ મળી આવી હતી. જે અંગે તપાસ કરવામાં આવે તો સાધુ અન્ય અપહરણના ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું બહાર આવવાની શક્યતાઓ છે. અગાઉ શહેરમાંથી બાળકનું અપહરણ થયું હતું પાલનપુર ખાતે હરિપુરા વિસ્તારમાં રહેતા ગણેશભાઇ મોચીના પુત્ર કિરણ (ઉં.વ.૧૦) નું એપ્રિલ માસમાં એક સફેદ વસ્ત્રધારી સાધુએ અપહરણ કર્યું હતું. જે બે દિવસ બાદ મહેસાણા રેલવે સ્ટેશનેથી મળી આવ્યો હતો. આ ઉપરાંત માર્ચ માસમાં જામપુરા વિસ્તારમાં આવેલા શિવજીના મંદિર પાસેથી પણ એક બાળકીના અપહરણનો પ્રયાસ કરાયો હતો.