• Gujarati News
  • Police Investigating The Suspected Factory Fake Banasadana Pakadaya

નકલી બનાસદાણ પકડાયા પછી શંકાસ્પદ ફેક્ટરી પર પોલીસ તપાસ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર-અમદાવાદ હાઇવે નજીક આવેલી ફેક્ટરીમાં પોલીસે ઓચિંતો છાપો માર્યો : ફેક્ટરીના પરિસરમાં ટ્રકમાં પડેલી રૂ. ૧.૩૩ લાખની ૧૪૮ દાણની બોરીઓ સહિ‌તનો મુદ્દામાલ કબજે કરાયો

ડીસાના મોરથલ ગોળીયા ગામની દૂધ મંડળીના મંત્રી દ્વારા નકલી બનાસદાણ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો હતો. જેનો રેલો પાલનપુર સુધી પહોંચ્યો છે. જેમાં પોલીસે બુધવારે સવારે પાલનપુર-અમદાવાદ હાઇવે નજીક આવેલી ફેક્ટરીમાં ઓચિંતો છાપો મારી ટ્રકમાં પડેલો દાણનો જથ્થો કબજે લીધો હતો. આ અંગે ફેક્ટરીના પ્રોપરાઇટર તેમજ અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે.


બનાસડેરી દ્વારા નકલી દાણ મુદ્દે પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. જેના આધારે પી.એસ.આઇ. વાય.એમ. બહેલીમે, રાઇટર પરસોત્તમભાઇ નાયી, જસવંતસિંહ, શબ્બીરભાઇ અને વિક્રમસિંહ સાથે બુધવારે પાલનપુર-અમદાવાદ હાઇવે નજીક આવેલી અમુલદાણ ફેક્ટરીમાં ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં ટ્રક નં. જીજે-૮-ઝેડ-૨૦૪૦માં બનાસદાણના બારદાનમાં ભરેલાં દાણની રૂ. ૧,૩૩,૨૦૦ ની કુલ ૧૪૮ બોરીઓ તેમજ રૂ. પાંચ લાખનો ટ્રક મળી કુલ રૂ. ૬,૩૩,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે બનાસડેરીના એક્ઝ્યુકેટીવ કાનજીભાઇ ચેલાભાઇ કોરોટે ફરિયાદ નોંધાવતાં પોલીસે અમુલદાણ ફેક્ટરીના પ્રોપરાઇટર તેમજ વડગામના સકલાણા ગામના રતુભાઇ મોંઘજીભાઇ ચૌધરી સામે ઠગાઇ અને વિશ્વાસઘાતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


બનાસડેરીના બારદાન ખેડૂતો પાસેથી વેચાણે લેવાતા હતા

બનાસડેરીના બારદાન જુદાજુદા ખેડૂતો પાસેથી વેચાણે લઇ તેમાં પોતાની ફેક્ટરીમાં ઉત્પાદન કેટલું હલકી કક્ષાનું દાણ ભરી ખેડૂતોને વેચાણ કરવામાં આવતું હતું. જેમાં ખેડૂતો સાથે ઠગાઇ અને વિશ્વાસઘાત કરી તેમજ બનાસડેરીના માર્કાવાળા બારદાનનો ઉપયોગ કરવાનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પી.એસ.આઇ. વાય.એમ. બહેલીમે જણાવ્યું હતું.

કૌભાંડ કેવી રીતે પકડાયું ?

ડીસા તાલુકાના મોરથલ ગોળીયા ગામની દૂધ મંડળીના મંત્રી નરસિંહભાઇ મફાભાઇ માળી દ્વારા બનાસદાણના બારદાનમાં અન્ય કંપનીનું દાણ આપવામાં આવતું હોવાના કૌભાંડનો બે દિવસ અગાઇ પર્દાફાશ થયો હતો. જેની બનાસડેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં નકલી દાણ પાલનપુર નજીક આવેલી ફેક્ટરીમાંથી લવાતું હોવાનું મોરથલ ગોળીયા દૂધ મંડળીના મંત્રીએ કબૂલ્યું હતું. જેના આધારે તપાસ હાથ ધરવામાં આવતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો હતો તેમ બનાસડેરીના ડેપ્યુટી મેનેજર હરિભાઇ પટેલે જણાવ્યું હતું.