આરાસૂરના માર્ગે વહેતું ભક્તોનું ઝરણું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સાબરકાંઠાના માર્ગો પરથી ખેડા, પંચમહાલ, વડોદરા, અમદાવાદ સહિ‌તના સ્થળેથી રથ સાથે નીકળેલા સંઘો અંબાજી ભણી અંબાજી જતા પદયાત્રીઓથી જિલ્લાના માર્ગો ઊભરાઈ રહ્યા છે ત્યારે રસ્તા પર શ્રદ્ધાળુઓની માનવ સાંકળ રચાઈ રહી છે.અંબાજી દૂર છે .જાના જરૂર છે.. ના નાદ સાથે પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે.હિંમતનગરના માર્ગો પરથી પસાર થતાઅનેક પદયાત્રીઓ આસ્થા સાથે માના ધામ જઈ રહ્યા છે. હિંમતનગરના માર્ગ પરથી મા અંબાના દર્શને જવા નીકળેલા ખેડા જિલ્લાના વીરપુર તાલુકાના લીમડવાડા ગામના લીલાબેન તેમના પતિ સાથે ૧૦ માસના બાળકને જોળીમાં લઇ નીકળ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે બાબાને દર્શન કરાવવા લઇ જઇ રહ્યા છીએ. દર્શને નીકળ્યા છીએ એટલે થાક નથી લાગતો એવો તેમનો આત્મવિશ્વાસ અને શ્રધ્ધા હતા. બીજા ખેડા જિલ્લાના પીપણીયા ગામના અરવિંદભાઇ ૩પ થી વધુ શ્રદ્ધાળુ સાથીઓના સંઘ સાથે નવરાત્રિના નવ ગરબા માથે લઇ મા ને આમંત્રણ આપવા જતા હોવાનું જણાવ્યુ હતું.કેટલાક દંપતી કપડાની જોળીમાં પોતાના બાળકને સુવડાવી તો કેટલાક વૃધ્ધોની આંગણીઓ પકડી ચાલતા ટાબરિયા પણ જાહેરમાર્ગ પરથી પસાર થતા થતા જય અંબેના જયઘોષ કરતા હતા. - ખેડબ્રહ્મા ખેડબ્રહ્મામાં અંબાજી દર્શનાર્થે જતા સાઇકલ સવારો વિસામો લેવા અને નાના અંબાજીના દર્શન કરવા રોકાતા હતા. જેમાં ખેડા જિલ્લાના અનારા ગામના નરેશભાઇ ભીખાભાઇ મિસ્ત્રી નવ વર્ષથી પોતાની ત્રણ પૈડાવાળી સાયકલ લઇ અંબાજી દર્શનાર્થે જતા હોવાનું જણાવ્યુ હતું. તેમની સાથે બીજા ૧૮ પદયાત્રીઓ પણ યાત્રામાં જોડાયા છે. - ભિલોડા રાજસ્થાન, લુણાવાડા, દાહોદ અને વડોદરા સહિ‌તના વિસ્તારોમાંથી અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે ભિલોડાના ઓમ કોમ્પલેક્ષ, માંકરોડા અને શામળાજી રોડ પર હર્ષદભાઇ સોની, વિનોદભાઇ અગ્રવાલ, ઇન્દ્રસિંહ રાણા સહિ‌તના સેવાભાવીઓ દ્વારા વિસામા શરૂ કરાયા છે. - શામળાજી રાજસ્થાન, પંચમહાલ, લુણાવાડા, દાહોદ તરફથી આવતા પદયાત્રીઓ શામળાજી માર્ગો પરથી પસાર થાય છે. અને ભિલોડા-ઇડરના માર્ગે થઇ અંબાજી તરફ પ્રયાણ કરે છે. આવા પદયાત્રીઓ માટે યાત્રાધામ શામળાજીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા વિસામામાં ભોજનની અને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. - ઇડર ઇડરમાં સદાતપુરા નજીક રામાયણ સિરીયલના લંકેશ અભિનય સમ્રાટ અરવિંદ ત્રિવેદીના અન્નપૂર્ણા વિસામા કેન્દ્ર પર પદયાત્રીઓ માટે વિસામા કેન્દ્ર સાથે નાસ્તા વિગેરેની સુવિધા કરવામાં આવી છે. અરવિંદ ત્રિવેદી છેલ્લા કેટલાય વર્ષોથી ભારદવી પૂનમ નિમિત્તે પદયાત્રિકોની સેવા કરવા માટે ગમે તેમ ભોગે સમય કાઢી અહીં પોતાના નિવાસ સ્થાને આવી જાય છે. ઉપરાંત ઇડરમાં લાયન્સ કલબ, રાજસ્થાન સમાજ ઉપરાંત અનેક યુવક મંડળો દ્વારા શહેરમાં વિસામા કેન્દ્રો શરૂ કરાયા છે. - રાજલીના બે અપંગ યુવકો શ્રદ્ધાના સથવારે અંબાજી શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી. હૈયામાં હામ હોય તો કોઈપણ મુશ્કેલ કાર્ય અઘરુ નથી આદ્યશક્તિમાં આસ્થા રાખી લાખો પદયાત્રીઓ થાક વગર અંબાજી જઈ રહ્યા છે. અપંગતાને મ્હાત આપી મોડાસા તાલુકાના રાજલી ગામેથી અંબાજી જઈ રહેલા ધર્મેન્દ્ર ચૌહાણ તથા મહેશ ચૌહાણે જણાવ્યું હતું કે, ભલે અપંગ છીએ પરંતુ અતુટ શ્રધ્ધા છે. હસતા હસતા માર્ગ કપાઈ જાય છે. અન્ય પદયાત્રીઓની જેમ સડસડાટ જઈ શકાતું નથી પરંતુ જય અંબેના નાદથી માર્ગ આપોઆપ કપાઈ જાય છે. અપંગ બે યુવકો મા ના ધામમાં શિશ નમાવવા નિકળતાં અનેક લોકોએ તેમની શ્રદ્ધાને બિરદાવી હતી.તસ્વીર : રાજેશ પટેલ - હિંમતનગર ડિવિઝન દ્વારા અંબાજી જવા-આવવા બસ સુવિધા ડેપો બસોની સંખ્યા હિંમતનગર પ૦ મોડાસા ૪૦ ઇડર ૩૦ વિજાપુર ૩પ માણસા ૩પ ખેડબ્રહ્મા ૨પ ભિલોડા ૩૦ બાયડ ૩૦ પ્રાંતિજ ૨પ - સંચાલન હિંમતનગર ડિવિઝન કરી રહ્યુ છે હિંમતનગર ડિવિઝનલ કંટ્રોલર ચંદ્રેશ યાજ્ઞિક અને ડેપો મેનેજર સંદીપ પટેલે જણાવ્યુ હતું કે અંબાજી પહોંચતા પદયાત્રીઓની સંખ્યા અને સુવિધાને ધ્યાને લઇ એસ.ટી. વિભાગ દ્વારા નવ ડેપોની ૩૦૦ થી વધુ બસોનું આયોજન સાથે સંચાલન થઇ રહ્યુ છે. ઉપરાંત નડિયાદ, પંચમહાલ, લુણાવાડા તરફથી વધુ સંઘો આવતા હોઇ આ સંઘોના પદયાત્રીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ત્રણેય ડિવિઝનોનું સંચાલન હિંમતનગર દ્વારા કરાઇ રહ્યુ છે. - સંઘો માટે વિશેષ એસ. ટી રાજયના દૂર દૂરના વિસ્તારોમાંથી રથ અને સંઘ સાથે જતા પદયાત્રીઓને મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી. વિભાગે આ વખતે ખાસ સેવા ઊભી કરી છે. એસ.ટી વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે સંઘ સાથે આવેલા પદયાત્રીઓ પ૦ થી ૬૦ની સંખ્યામાં આવશે તો તરત જ વતન પરત ફરવા માટે બસ અપાશે. - કિશોરપુરા પાસે પદયાત્રીનું આકસ્મિક મોત મોડાસા. શીકા-હિંમતનગર હાઈવે પર આવેલ કિશોરપુરા ચાર રસ્તા પાસે ઝાડ નીચે એક ૩પ થી ૪૦ વર્ષની ઉંમરના શખ્શની લાશ જોવા મળતાં આજુ બાજુથી લોકો દોડી આવ્યા હતા. આ અંગે તાબડતોબ રૂરલ પોલીસ મથકમાં જાણ કરાતાં પોલીસે તાબડતોબ કિશોરપુરા પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. જેમાં આશરે ૩પથી ૪૦ વર્ષની ઉંમરના આ શખ્સ જોડે થેલામાંથી કપડા મળી આવ્યા હતા. પરિણામે આ શખ્સ અંબાજી પદયાત્રાએ જતો હોય રસ્તામાં આરામ કરવા બેઠો હશે તે દરમિયાન હ્યદયરોગનો હુમલો આવવાથી મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક ધોરણે મનાઈ રહ્યું છે. આ અંગે વધુ તપાસ કરી રહેલા હે.કો. સબુરભાઇએ જણાવ્યું હતું કે, મળી આવેલ લાશની હજુ સુધી ઓળખવિધિ થઈ શકી નથી. ખીસ્સામાંથી મળે કાર્ડના આધારે ખાતરી કરાઈ હતી પરંતુ તે સરનામે પણ આ શખ્શની ઓળખ થઈ ન હતી.