મહેસાણામાં ગટર ઊભરાતાં ફેલાતી બદબૂથી રહીશોમાં રોષ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧પ દિવસથી ઊભરાતી ગટરો મુદ્દે અનેક રજૂઆતો છતાં તંત્ર ગાંઠતું નથી શહેરના બિલાડી બાગ પાસે આવેલા ખુશ્બૂ એપાર્ટમેન્ટની ગટર પંદરેક દિવસથી ઊભરાતી હોઈ ગંદકી અને દુર્ગંધથી ત્રસ્ત રહીશો દ્વારા અનેક રજૂઆત કરાઇ હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતી હોવા બાબતે ભારોભાર રોષની લાગણી પ્રસરી છે. શહેરના બિલાડી બાગ પાસે ખુશ્બૂ એપાર્ટમેન્ટ નામે આવેલા ફ્લેટની ગટરો છેલ્લા પંદરેક દિવસથી ઊભરાય છે. ગટરનું આ ગંદુ પાણી રસ્તા પર ફેલાતાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય સર્જા‍યું છે. એપાર્ટમેન્ટમાં રહેતા ૭૨ પરિવારો ઉપરાંત આ રસ્તા પરથી પસાર થતા અન્ય છ જેટલી સોસાયટીઓના રહીશો પણ ત્રાહિ‌મામ્ પોકારી રહ્યા છે. આ બાબતે એપાર્ટમેન્ટનાં પ્રમુખ લક્ષ્મીબેન પ્રજાપતિએ રોષ સાથે જણાવ્યું હતું કે, અમે નગરપાલિકામાં કમ્પલેઈન લખાવી છે તેમજ અવાર-નવાર સત્તાધિશોને પણ ફોન કરીને જાણ કરી છે. પરંતુ અમારો અવાજ એમના બહેરા કાને અથડાતો જ નથી. ફોન કરીએ એટલે માત્ર આશ્વાસન આપે છે કે થઈ જશે, પરંતુ આજ સુધી કોઈ નક્કર પગલાં લેવાયાં નથી. હવે તો પીવાના પાણીમાં પણ આ ગટરનું ગંદુ પાણી ભળવા લાગ્યું છે એટલે અમારા આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે.